વાર્તા ૧૦૫

ભાદરવા વદ ૬ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જીવની અંતર્ગત ઈશ્વર એટલે મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ તે રહ્યા છે અને તેની અંતર્ગત શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મ રહ્યા છે. ને તેની અંતર્ગત અક્ષર રહ્યા છે. અને તે અક્ષરથી પર ને તેના કારણ અને પોતાના તેજ વડે કરીને તેમના આધાર ને અંતર્યામી ને કારણ ને નિયંતા એવા શ્રી પુરુષોત્તમ ભગવાન તે શ્રીજીમહારાજ છે; તેમની સાક્ષાત્કાર પ્રાપ્તિ જીવને શી રીતે થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલા મુક્તનો જોગ થાય ત્યારે તે મુક્તને પ્રતાપે કરીને શ્રી પુરુષોત્તમની દૃઢ ઉપાસના થાય, ત્યારે તેને પડદા રહેતા નથી; અને પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તે કોઈનો ભાર કે મહત્તા કે સારપ રહેતી નથી. એક શ્રી પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેમની જ સારપ ને મહત્તા રહે છે. એ તો છતા દેહે જ શ્રી પુરુષોત્તમ પાસે પહોંચી ચૂક્યો છે. આજ મોટાપુરુષોએ એવી રચના બાંધી દીધી છે તે સર્વે ટૂંકામાં લાવી દીધું છે. આજ તો પરબાર્યો સીધો રસ્તો મળ્યો છે; ક્યાંય ફરવા જવું પડે તેમ નથી. બધું જ્ઞાન કહેવા જઈએ તો પાર આવે નહીં. આ ત્રણ શબ્દ “પુરુષ, બ્રહ્મ અને અક્ષર” એ જુદા કાઢી નાખીએ એટલે તરત શ્રી પુરુષોત્તમની સમીપે પહોંચીએ. માટે પોતાને શ્રી પુરુષોત્તમના તેજરૂપ માનીને, એ તેજમાં મૂર્તિ જોવી એટલે શ્રી પુરુષોત્તમના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજમાં મૂર્તિ ધારવી; અથવા અનાદિમુક્તરૂપ માનીને મૂર્તિમાં રહીને મૂર્તિ જોવી પણ મૂર્તિમાન મૂળઅક્ષરરૂપ માનવું નહિ, કેમ કે જે વસ્તુરૂપ થઈએ તે વસ્તુની પ્રાપ્તિ થાય. તે પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતમાં કહ્યું છે જે, શ્રી પુરુષોત્તમ આકારે દૃષ્ટિ થાય ત્યારે અક્ષરાદિક કોઈ છે જ નહિ; એક શ્રી પુરુષોત્તમ જ છે એમ થાય. જેમ હીરે કરીને હીરો વીંધાય છે તેમ શ્રી પુરુષોત્તમનું દર્શન ને નિશ્ચય તે શ્રી પુરુષોત્તમ વડે જ થાય છે અને જ્યારે શ્રી પુરુષોત્તમનું દર્શન ને નિશ્ચય થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થઈ જાય છે. માટે પોતાને શ્રી પુરુષોત્તમરૂપ માનવું અથવા શ્રી પુરુષોત્તમના મુક્તરૂપ અથવા તેજરૂપ માનવું. જેમ ચંદ્ર વડે ચંદ્રનું દર્શન થાય અને સૂર્ય વડે સૂર્યનું દર્શન થાય પણ ચંદ્ર વડે સૂર્ય જોવાય નહિ, તેમ શ્રી પુરુષોત્તમ વડે જ શ્રી પુરુષોત્તમનું દર્શન થાય પણ મૂળઅક્ષરરૂપ થવાથી શ્રી પુરુષોત્તમનું દર્શન થાય નહીં. માટે તે અક્ષરરૂપ થવાથી શ્રી પુરુષોત્તમ પમાય નહિ; માટે પોતાને પુરુષોત્તમરૂપ માનવું. ।। ૧૦૫ ।।