વાર્તા ૧૬૪

ફાગણ સુદ ૯ને રોજ સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સત્સંગમાં કોઈકને વિષે દેહસ્વભાવ દેખાય તોપણ એને ધન્ય છે, કેમ જે આવા જોગમાં રહીને ભગવાન ભજે છે એમ જાણવું, પણ અવગુણ લેવો નહીં. પણ પંચવર્તમાનમાં ફેર પડે તો તેનો અવગુણ આવે ખરો, કેમ જે વર્તમાનમાં ફેર પડે તે નાસ્તિક છે; માટે એણે મહારાજની મર્યાદા લોપી; તેને તો મહારાજનો આશ્રિત ન જાણવો. અને આ સમૈયો છે તેમાંય દિવ્યભાવ લાવવો પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવો ભાવ આ સભાને વિષે ન લાવવો. આ સભાને વિષે દિવ્યભાવ આવે તો પ્રેમલક્ષણા ભક્તિ આવે, ને અનુભવજ્ઞાન થાય, ને આત્યંતિક મોક્ષ થાય તેવી શ્રીજીમહારાજે સહી નાખી છે. આ જોગ મહિમાએ સહિત થયો હોય તો પરભાવને પમાડે. જેમ ઝૂઝારી લડાઈમાં જાય તે કપાઈ પડે તોપણ ખબર રહે નહિ એમ આ સભામાં દિવ્યભાવ આવે તો છતા દેહે ધામમાં બેઠા છીએ એવું થઈ જાય પણ જાવાનું બાકી રહે નહીં. અહીં પ્રત્યક્ષ મહારાજ મધ્યસ્થ વિરાજે છે. ઉપાસનાવાળાને આ સભા નાશ થાતી નથી. અહીં કાશી, વૃંદાવન, જગન્નાથ તે સર્વે છે. આ સભા અનાદિ ને સનાતન છે માટે આપણે તો આ જગન્નાથ. આ પ્રસાદીનો દોષ નહિ એમ જાણવું પણ પરોક્ષ જગન્નાથમાં જઈને કેટલાક રાંધેલા ભાતની પ્રસાદી ખાઈ આવે છે તે આપણાથી ન ખવાય; ખાઈએ તો વટલાઈ ભ્રષ્ટ થવાય. આપણે તો સંતની પ્રસાદી તે જગન્નાથ જાણવું. બીજું આ બ્રહ્મસભાનો દોષ ન લેવો ને ગુણ જ લેવા. તે ગુણરૂપી બીજી પ્રસાદી જાણવી અને આ બ્રહ્મરૂપ ને દિવ્ય ને સનાતન સભા પાસેથી જ્ઞાન લેવું તે ત્રીજી પ્રસાદી છે. સૂર્ય, શિવ, શેષાદિક તે આ સંતની પ્રસાદી લેવા આવતા અને શ્રીજીમહારાજ પણ સંતના પત્તરમાંથી પ્રસાદી લેતા. આ સભા નાશ નથી થાતી પણ જે પરોક્ષમાં પ્રમાણ કરી ગયા છે તે તો નાશ પામનાર છે. આ જોગ મળ્યો છે તોપણ કેટલાક કાશી, વૃંદાવન ને દ્વારિકા જાય છે તે પતિવ્રતા ન કહેવાય. કદાપિ કોઈક હરિભક્તને રોજગાર માટે આપત્કાળે જગન્નાથ જાવું પડે તોપણ પ્રસાદી ન લેવી, જો લે તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય; અને સાધુ, બ્રહ્મચારીએ તો જાવું જ નહીં. શ્રી સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકામાં ગુગળીએ કહ્યું હતું જે, પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને મૂકીને અહીં શા પાપે આવ્યો છું ? તે ‘ભક્તચિંતામણિ’ના ૯૨મા પ્રકરણમાં ૫૮મી ચોપાઈમાં કહ્યું છે કે “વળી કહેવાય છે પ્રભુ આપે, તેને મૂકીને આવ્યો શે પાપે.” માટે બીજે ગયા જેવું નથી. અમે નગરઠઠ્ઠામાં ગયા હતા, ત્યાં એક હરિભક્તે વૈરાગીને રસોઈ આપી ને વસ્ત્ર આપ્યાં. તેને આપણા સાધુએ કહ્યું જે, તમને વૈરાગી જે ધર્મ વિનાના છે તેને જમાડે શું મળે તેમ છે ? ત્યારે તેણે શિક્ષાપત્રી બતાવી કહ્યું જે, અભ્યાગતને આપવું એમ લખ્યું છે. તે આ અર્થને જાણતા નહોતા, પણ આ અર્થ સમજવો. બધું પ્રત્યક્ષમાં ઘટાવવું, પણ પરોક્ષમાં જાવું નહીં. શ્રીજીમહારાજ જેને પ્રત્યક્ષ મળ્યા તેને વૈભવ ઘણા મળ્યા છે, માટે અયોગ્ય ક્રિયા ન કરવી. રાજાનો કુંવર પોતાનું અધૂરું માને તેમ શ્રીજીના આશ્રિત બીજે માથાં ભટકાવાં જાય તે બહુ જ અજ્ઞાન છે. આપણે તો શ્રીજીની સભામાં જ બેઠા છીએ, પણ મરીને જાવું નથી. આવો મોટો લાભ મળ્યો તેને મૂકીને પરોક્ષમાં જાવું નહિ, માનવાળાને આ બ્રહ્મઅગ્નિમાં કરોડો વાર નાહવું પડે અને આસુરી જીવ બ્રહ્મને વિષે અનંત વાર લીન થાય; તે બ્રહ્મરૂપ એવા સત્સંગીના ગર્ભમાં આવે, તે બ્રહ્મમાં નવ નવ મહિના અનંત વાર લીન થઈને જન્મે, ને આ બ્રહ્મસભામાં આવીને જોગ કરે, ને અવગુણ ન લે તો દૈવી થાય. તેમજ માનીને પણ અનંત વાર મરવું અને અવતરવું પડે, એવું દુઃખ જીવ ખમે પણ માન મૂકે નહિ; જો માન જાય તો મરવા પડે ને છેવટ જીવ નાશ થાય તો થવા દે પણ માન મૂકે નહિ, એ બહુ જ અજ્ઞાન છે. આ સભામાં માન મૂકીને વ્યવહાર કરે તો અનાદિમુક્ત થઈ જાય, અને માન આવે ને અવગુણ લે, કે દ્રોહ કરે, તો ભગવાન ભજતો હોય ને કથા-વાર્તા કરતો હોય, ને તે સાધુ કે સત્સંગી હોય, તોપણ બહુ જ મોટી ખોટ આવે; માટે સમજી-વિચારીને સત્સંગમાં માન રાખવું નહીં. માનવાળો ભગવાનને ને ભગવાનના ભક્તને જીતીને રાજી થાય એટલે તેનાં સાધન સર્વે બળી જાય.

એટલી વાત કરીને પછી વચનામૃત વંચાવવા માંડ્યાં. તેમાં છેલ્લા પ્રકરણના ૧૪મા વચનામૃતમાં કાયસ્થની વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ વાત જ્યારે આવે ત્યારે ભૂજના માધવજીભાઈ તેને બહુ ફટકાર કરતા જે, તું અમારી જાતિમાં આવ્યો, તે અમારી જાતિની લાજ વંજાવી. શ્રીજીમહારાજને કર્તા ન જાણે તેને એવી પાપરૂપ વાસના રહે. સકામ રસ્તામાં વાસનાઓ રહે છે. રાજા પાસેથી બાવે ચાર દરવાજાનું છાણ માગ્યું, એવું માગતાં આવડે પણ મોક્ષ માગતાં ન આવડે. લોઢવાની લખુ ચારણે ઢોરાં ને ચેલાં કુશળ રહે એવું મહારાજ પાસે માગ્યું, એમ જ્ઞાન વિના સર્વે કાચું છે.શ્રીજીમહારાજને દર્શને કોઈ ગરાસિયા આવ્યા, તે મનુષ્યચરિત્ર જોઈને પાછા ગયા. ફરીવાર તે ગરાસિયા પાછા ત્યાં કોઈક કાઠીને ઘેર આવ્યા, તેમને કાઠીએ જમાડ્યા તેથી પવિત્ર થયા. ત્યારે સંકલ્પ થયો જે કદાપિ ભગવાન હોય તો આપણને ખોટ જાય, માટે આપણે ફેર ચાલો ને આપણે જે સંકલ્પ કરીએ તે સત્ય કરે તો ભગવાન ખરા. પછી સંકલ્પ કરીને આવ્યા, જે કામળાનો શણગાર પહેરીને જો હાથમાં પાનું લઈને વાંચતા હોય, એવાં દર્શન થાય તો એ ભગવાન ખરા; એમ ધારીને ફરીથી આવ્યા. તે વખતે શ્રીજીમહારાજે બ્રહ્મચારી પાસે “અમને શીળો ધાયો છે.” એમ કહી સર્વે પોષાક કામળાનો મંગાવીને ધારણ કરેલો, અને પાનું હાથમાં લઈને બેઠેલા, એવાં તેમને દર્શન દીધાં પછી નિશ્ચય કર્યો, પણ શ્રીજીમહારાજે કહ્યું જે, હજી તમને અમારો બરાબર નિશ્ચય થયો નથી માટે બીજો પરચો માગો. ત્યારે તે ચાર જણ બોલ્યા જે, ગઈ કાલે અમે ક્યાં હતા તે કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ગઈ કાલે તમે તમારા સંબંધીને ઘેર અખાજ (અભક્ષ્ય) ખાધું, તેના તમે ચારે સાક્ષી છો. પછી તે ચારે જણા સત્સંગી થઈને ઘેર ગયા. ભગવાન ઓળખવા એ વાત કાંઈ સુગમ નથી, એ તો ભગવાન દયા કરે ત્યારે જ ઓળખાય. ।। ૧૬૪ ।।