વાર્તા ૧૫૯
ફાગણ સુદ ૫ને રોજ સાંજે સભામાં અબડાસાના જીવા પટેલ આદિ હરિભક્તો આવ્યા હતા. તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે છાણીના શૂદ્ર ભક્ત, મોઢ બ્રાહ્મણ આગળ બે-ચાર શ્લોક બોલ્યા ને તેનો ઉત્તર કરવાનું કહ્યું. તે મોઢ બ્રાહ્મણથી થયો નહિ તેથી તેણે શૂદ્ર ભક્તનાં વખાણ કર્યાં. તે શૂદ્ર ભક્તો નાત-જાતને ત્યાગીને ભગવાન ભજે છે, તેમ જ અબડાસાના હરિભક્તો પણ મોક્ષનો દરવાજો આ ઠેકાણે જાણીને એંસી ગામની દસ-પંદર હજાર ઘરની નાત ત્યાગીને શ્રીજીમહારાજને શરણે થયા છે, એમના ઉપર શ્રીજીમહારાજનો બહુ જ રાજીપો છે. જેણે નાત-જાત, માબાપ, દીકરા, ભાઈ, સંબંધી સર્વેનો ત્યાગ કર્યો તેણે લોયાના ૩જા વચનામૃતમાં કહ્યા પ્રમાણે “મહાત્મ્ય જાણે તેનાથી અમારે અર્થે શું ન થાય ?” તેવું એમણે કર્યું છે. દસ-વીસ પેઢીની ભૂલ ઓળખીને શ્રીજીને શરણે થયા એમને ધન્ય છે. આવા મુમુક્ષુને શ્રીજીમહારાજ અને અમે અક્ષરધામમાં લઈ જઈશું, એ શ્રીજીનો ને મોટાનો પ્રતાપ છે. તે પુરુષોત્તમ ભગવાન પ્રગટ્યા ને મોક્ષનો બરાબર દરવાજો આપ્યો ત્યારે સર્વેમાંથી તૂટીને આ જોગમાં આવ્યા. બીજા અવતારોના જોગમાં ન આવ્યા ને આ મોટા અવસરમાં આવીને શ્રીજીમહારાજના ને સંતના થયા. તેમને તથા છાણીના શુદ્ર ભક્તને તથા સુંદરિયાણાવાળા વનાશા તથા પુંજાશાને ધન્ય છે. તેમણે કારસો વેઠીને સત્સંગ રાખ્યો છે માટે તેમનાથી સાધનભક્તિ ઓછી થાય તોપણ શ્રીજીમહારાજ એમના ઉપર બહુ જ રાજી છે. જેવો અભય પુત્રને ધન્ય, તેવો જ એમને ધન્ય છે. ધન્ય છે જીવા પટેલને જે એમણે પોતાના દીકરાને કાઢી મૂક્યો ને સત્સંગ રાખ્યો. આપણો તો સત્સંગમાં જ જન્મ છે માટે આપણા કરતાં એમને ઘણો જ ધન્ય છે. વળી પોતાની સ્ત્રીને પણ કાઢી મૂકીને કહ્યું કે, જો સત્સંગી થાઓ તો રહો, ને સત્સંગ ન રાખો તો સત્સંગ મૂકીને જાઓ. જો આવાનો લક્ષ લઈએ તો આપણે બહુ જ કામ આવે. કેટલાક સત્સંગી તો સાધુ જો લગારેક મરડે તો સત્સંગ મૂકીને બહાર જાય એવા હોય ને ઉપરથી તો અટાટોપ રાખે. તે અટાટોપ શું ? તો ઉપર ઉપરથી સ્વામિનારાયણનો વેશ રાખે, ત્યારે જાણવું જે એને શ્રીજીમહારાજનો નિશ્ચય નથી. જે ઉપાસક હોય તે તો સત્સંગની પ્રથાથી ઊલટી રીતે વર્તે નહીં. અબડાસાવાળાને શ્રીજીમહારાજનો નિશ્ચય પરિપક્વ છે. વાર્તાની સમાપ્તિ કરી.
પછી ‘ભક્તચિંતામણિ’ વંચાતી હતી. તેમાં ૭૨મા પ્રકરણમાં કુશળકુંવરબાઈની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને રાજ્ય સોંપવાનું કર્યું પણ મહારાજ રહ્યા નહિ ને તે બાઈ મહારાજની મૂર્તિ ધારીને બેસી રહ્યાં અને પંદર દિવસે દેહ પડી ગયો ત્યારે મહારાજ ધામમાં લઈ ગયા. તમે ને તમારા સ્વામી એવા છો, એટલે શ્રીજીમહારાજ ને સંત એવા છે જે જીવને મૂકે નહિ, લઈ જ જાય. આ સંતનો એવો મહિમા સમજવો અને શુદ્ધ સત્ત્વગુણમાં રહેવું ને સર્વે ક્રિયા શુદ્ધ સત્ત્વમાં રહીને કરવી. તે શુદ્ધ સત્ત્વ તે શું ? તો આત્માને વિષે મૂર્તિ પધરાવવી ને સદા સાથે રાખીને કથા-વાર્તા, આદિ ક્રિયા કરવી પરંતુ મૂર્તિને ભૂલીને કોઈ ક્રિયા કરવી નહિ તે શુદ્ધ સત્ત્વ કહેવાય. તેમાં રજ, તમ તથા માયાનો સત્ત્વગુણ તે ન ભળે, પણ જો શ્રીજીમહારાજને સાથે ન રાખે તો વાતચીત અથવા જે જે ક્રિયા કરે તેમાં રજ, તમ તથા મલિન સત્ત્વગુણ એટલે માયાનો સત્ત્વગુણ તે ભળી જાય. અમારે અહીં લોકનાથાનંદ સ્વામી તથા બદરિનાથાનંદ સ્વામી આવ્યા હતા. તેમના ભેળા લક્ષ્મણદાસજી નામે સાધુ હતા. તેમણે એક મહિનો વૃષપુરમાં રામાયણ વાંચ્યું. તેમને અમે છેલ્લે દિવસે કહ્યું જે સ્વામી, તમે દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં હિલોળા દીધા કે દોરડું મૂકી દઈને દીધા ? ત્યારે તે બોલ્યા જે, એ શું કહ્યું કાંઈ સમજાયું નહીં. ત્યારે અમે કહ્યું જે, શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રાખીને કથા કરી હતી કે મૂર્તિ ભૂલીને કરી ? અમે તમારી કથા એક મહિનો સાંભળી પણ ક્યાંય મહારાજનું નામ તો આવ્યું નહિ; માટે એવા લૂખા રહેવું નહીં. આજ કોઈ એમ કહે જે, અક્ષરધામમાંથી મુક્ત ઊતરી આવ્યા છે ને ભૂજમાં છે, તો આ સભામાં સાધુ કે સત્સંગી કોઈ ઊભો રહે નહિ; બધાય ત્યાં જાય. આ સભામાં શ્રીજીમહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાય બેઠા છે પણ તેમને વિષે મનુષ્યભાવ છે તેથી અહીં ન રહેવાય ને ભૂજ જવાય. આ લોકને વિષે રાજા છે તે મનુષ્ય છે તોપણ તેને વિષે મનુષ્યભાવ નથી લાવતા ને જેમ કહે તેમ કરવું પડે છે, તો આ તો દિવ્ય મૂર્તિઓ છે માટે તે અત્યારે ખરા બપોર કહે તોપણ જીવમાંથી હા પાડવી જોઈએ; કેમ કે એમને તો રાત્રિ-દિવસ છે જ નહીં. આપણે જેમ દિવસે સૂઈ, ઊઠીને નહાતા નથી ને પૂજા કરતા નથી અને રાત્રિએ સૂઈએ તો સવારે ઊઠીને દાતણ, નાહવું, પૂજા, બધું કરવું પડે છે તેમ મોટાને રાત્રિ-દિવસ નથી, માટે તે જે કહે તે સત્ય માનવું તો મનુષ્યભાવ ટળે ને દિવ્યભાવ આવે ને કલ્યાણ થાય. તમે એવા છો પણ તમને તમારી સામર્થીની ખબર પડતી નથી. જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતાના બળની ખબર પડી નહિ; પણ જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે પડી. તેમ તમારામાં અપાર સામર્થી છે પણ તમને ખબર નથી. તમે એક જીવને અક્ષરધામમાં મૂકો તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ થાય, તે કેવી રીતે તો ઉદ્ભિજ, જરાયુજ, સ્વેદજ અને અંડજ એ ચાર ખાણમાં એ જીવને ફરવું પડે છે તે ફરવાનું મટી જાય, તેથી બ્રહ્માંડના જીવને ઉગાર્યા જેટલું ફળ એક જીવને ઉગારવાથી થાય છે. આ સભાને એવી જાણે તેને બહુ સુખ આવે પણ તે વિના સુખ ન આવે. આ સભાનો મહિમા સમજીને વાતચીત કરવી ને સાંભળવી, તો સમાસ ઘણો થાય. ।।૧૫૯ ।।