વાર્તા ૧૬૧
ફાગણ સુદ ૬ ને રોજ સાંજે સભામાં ‘ભક્તચિંતામણિ’ વંચાતી હતી તેમાં સંતનાં લક્ષણ આવ્યાં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ બનાવટિયા હીરા થાય છે, તે સાચા હીરા જેવા જણાય છે તેથી કેટલાક ઝવેરી પણ છેતરાઈ જાય છે. જો સાચો ઝવેરી હોય તો તેને ખબર પડે જે આ બનાવટિયો હીરો છે. તેમ આ સત્સંગમાં કેટલાક મુક્ત થઈ પડ્યા છે તેમને કેટલાક ખોટા માને છે તે ભેળા સાચા મુક્તને પણ ખોટા માને છે, તે જો સાચા ઝવેરી મળે તો હીરાને ઓળખાવે. જેમ સાચી મા મળે તો બાપને ઓળખાવે તેમ સાચા મુક્ત મળે તો શ્રીજીને ઓળખાવે. બીજા તો ક્યાંય ફગાવે. માટે સાચા મુક્ત ઓળખીને તેમનો જોગ કરવો, તો શ્રીજીમહારાજ મળે અને કલ્પેકલ્પ વીતી જાય તોપણ સુખનો પાર ન આવે એવું નિર્ગુણ સુખ આપે. આ જીવ ઝીણા છે તોપણ તેમને શ્રીજીમહારાજે ને મુક્તોએ કેવડું સુખ આપી દીધું છે ! એવડી બધી દયા છે. રાજાના વૈભવ રાંકને સોંપી દે તો ગંડવા થઈ જાય, તેમ આ સુખ તમને આપ્યું છે, એ સુખ આ સભામાંથી મળે છે તે પાત્ર થઈને લેવું. શ્રીજીમહારાજે એવો રસ મેલ્યો છે તે મનુષ્યભાવમાં સેવા-સમાગમનું સુખ આપે છે. જો મનુષ્યભાવ ટળી જાય ને બીજી તાણ મૂકી દે તો દેહ છતાં સુખ આવે ને મૂર્તિ, સભા ને અક્ષરધામ તે અણુ જેટલું છેટે ન રહે, પણ બહારવૃત્તિવાળાને લાખો ગાઉનું છેટું છે. આ તો બ્રહ્મસભા છે ને સુખદાયી છે. આ સભામાં શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત વિરાજે છે તેનો ખરો અનુભવ થાય તો આથી બીજું સુખ નથી. જેમ દીવો ફાનસમાં હોય પણ કાચના આવરણને ભેદીને અજવાળું કરે છે, તેમ જીવ પોતે દિવ્ય થાય તો આવરણ ન રહે ને મૂર્તિનું સુખ આવે. આ સભા પાસેથી જેટલું સુખ લઈએ તેટલું મળે એવું છે પણ વિશ્વાસ નથી. શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત આ સભામાં સાક્ષાત્ બિરાજે છે એવી આ સભા ભાસતી નથી, એ જ નાસ્તિકભાવ છે. બ્રહ્મકોદાળ કરતાં પણ આ સભામાં છાના નાસ્તિક છે, તેને જેમ કહીએ તેમ મનાતું નથી અને મુક્તનો ખપ પણ છે. આ સભાનો અક્ષરધામની સભા જેટલો મહિમા સમજાય તો દેહ મૂકીને છેટે જાવું નથી. માયાનો પડદો ટળે તો આ સભા દિવ્ય, તેજોમય, ઝળઝળાટ તેજમાં મૂર્તિ ને મુક્ત દેખાય. ખરેખરા સિદ્ધ થાય તો આ સભાને દિવ્ય ભાળે. જ્યાં લગી માયિક દૃષ્ટિ છે ત્યાં સુધી માયિક લાગે છે. સાધુ તેડવા આવે તો ભૂજના કે અમદાવાદના આવ્યા એમ દેખે પણ દિવ્ય ન દેખે, પરંતુ આનંદઘન આ સભા છે તે તેડી જાય છે, અને મોટા મોટા અનાદિમુક્ત સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી આદિ અનંત મુક્ત દેહ મૂકીને ગયા છે, તે પણ આ સભામાં બેઠા છે; છતાં નાસ્તિકભાવ છે, તેથી મર્યાદા રહેતી નથી. મોટા મોટા અદૃશ્ય થઈ ગયા તેમના જેવો નવા સાધુનો મહિમા જાણે તો મોક્ષ થઈ ગયો જાણવો. જેમ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ કોઠારમાં હતી ત્યારે તે મૂર્તિ પાસે કોઈ કાંઈ માગતા નહોતા અને હોમ-હવન કરીને પધરાવ્યા પછી તે મૂર્તિ પાસે મોક્ષ માંગીએ છીએ, તો એક દિવસમાં એટલો ફેર પડ્યો; તેમ સંત કર્યા છે તેમને એવા દિવ્ય કલ્યાણકારી જાણવા. જ્યારે કથા થાતી હોય ત્યારે મુક્ત એમ જાણે જે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ બોલે છે, ને સાધનિક એમ જાણે જે લખ્યું છે તે વંચાય છે. બત્રીસ લક્ષણે યુક્ત સંત થાય તેને આ કથા પ્રત્યક્ષ મહારાજ બોલે છે એમ જણાય, અને આ પ્રત્યક્ષ ભગવાન ને મુક્ત દિવ્ય ભાસે. માયિક અક્ષર બત્રીસ છે, તેમાં કેટલુંયે બોલાય છે ને વંચાય છે, તે માયિકમાં એટલું અપારપણું છે તો આ સભા ને મહારાજમાં શું ન હોય ? એ તો અપાર છે, માટે નાસ્તિકભાવ ટાળવો. જીવ ઝીણો અને મહારાજ ને મુક્ત મોટા તેનો પાર ક્યાંથી પમાય ? આ સભાને શ્રીજીમહારાજે મોકલી છે ને મહારાજ પણ ભેળા બિરાજે છે ને સુખ આપે છે, તે જે મુક્ત છે તે દેખે છે. આવું બીજે સુખ નથી. આ સભાનું ને મૂર્તિનું સુખ માયિકભાવ ટળે તો જણાય ને ત્રણે અવસ્થામાં સુખિયા થઈ જવાય. આજ ત્રણે અવસ્થામાં મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે, એવા તમને મળ્યા છે, તે અનુભવે મળ્યા હોય તો પૂરા મળ્યા કહેવાય. જીવાત્માને વિષે સાક્ષાત્કાર થાય તે અનુભવ કહેવાય. આ વાત એકાંતિક ભક્ત આગળ કરવી. જ્યારે કુસંગીને વાત કરવી ત્યારે રામકૃષ્ણ નામે મહારાજ થયા હતા. અને આજ સ્વામિનારાયણ નામે થયા છે એમ કહેવું. નિશ્ચયની વાત અટપટી છે, જેને નિશ્ચય ન થયો હોય તે કહે જે, જાઓ, તમારો છેલ્લો જન્મ; એમ કહે તો ખરા પણ તેમાં કાંઈ વળે નહીં. જેણે શ્રીજીમહારાજની મૂર્તિ રાખી હોય ને મહારાજના ગુણ આવ્યા હોય, તે તો સંકલ્પમાત્રમાં કલ્યાણ કરે. જેમાં શ્રીજીમહારાજના જેવા ગુણ હોય તેને કલ્યાણની કૂંચી આપે છે, ને તેને જ કલ્યાણની સોંપણી કરે છે, અને જે એવા ગુણે યુક્ત ન થયા હોય ને કહે જે કલ્યાણ કરીશ, પણ તેનાથી કાંઈ ન થાય ને પોતાનું ધર્મ-જ્ઞાનાદિક સુકૃત હોય તે પણ જાતું રહે. શ્રીજીમહારાજે પોતાના જે લાડીલા ને ખાનગી હજૂરી છે તેને કલ્યાણની કૂંચી સોંપી છે. જેમ રાજાનો દેશ લેવા બીજો રાજા આવે ત્યારે પોતાને ચઢવું પડે, તેમ આ જીવને લેવા શ્રીજીમહારાજ ને એમના મુક્ત આવ્યા છે. આજ ન્યાલકરણ પધાર્યા છે, જે લેવું હોય તે લો. ખોટ બધી આ સભાના જોગથી નીકળે છે ને જાત-કુજાત જોતા નથી, સર્વેને ન્યાલ કરે છે. ।। ૧૬૧ ।।