વાર્તા ૨

વૈશાખ વદિ ૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ વાંસ ઘસાઈને વન લાગે છે તેમ કામ, ક્રોધ, લોભ, માન એ સર્વે લગાણાં છે તે દેહને સૂકવી નાખે ને મુઠ્ઠી અન્ન ખાય તોપણ ટળે એવાં નથી. તે સ્વપ્નમાં ને સુષુપ્તિમાં પણ જીવને ઝાલે છે. દોષ છે તે વૈરભાવે ને સ્નેહભાવે એ બે પ્રકારે સ્વપ્નમાં આવીને ઉપવાસ પાડી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું, પણ તેને સંભારવાં નહીં. વૈરભાવની ને સ્નેહભાવની સ્મૃતિ ટાળી નાખવી. મનન કરવાથી ઘાટની મૂર્તિ બંધાય છે માટે મનન કરવું નહીં. એક મૂર્તિ આવે ત્યારે દોષ ટળે, પણ સાધને કરીને ટળે નહીં.

ત્યારે પુરાણી કૃષ્ણજીવનદાસજીએ પૂછ્યું જે, કામ જીત્યાનો શો ઉપાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે. તેમાં આત્મનિષ્ઠા એવી જોઈએ જે આંખોમાં ઊના ગજ નાખે ને કાનમાં ઊનું સીસું કરીને રેડે તોપણ ધીરજ ડગે નહીં. જેમ શ્રી અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યા તોપણ બીન્યા નહીં. ને ગોઠપ ગામના કડવા ભક્તને ઘણું જ શૂળ આવતું પણ લગારેય કાયરપણું આવતું નહીં. ને સદાય આનંદમાં રહેતા પણ સકામપણું મનમાં લાવતા નહીં. એટલે કોઈ પ્રકારે શ્રીજીમહારાજની પ્રાર્થના કરતા નહિ જે મટાડો કે તેડી જાઓ, એવા નિષ્કામી હતા ને એવી આત્મનિષ્ઠા હતી.

શ્રી ગોપાળાનંદ સ્વામી સો-દોઢસો સાધુએ સહિત ગામડામાં ફરતાં ફરતાં સારંગપુરની નદીમાં આવ્યા. ત્યાં બેસીને વાતો કરતા હતા. ત્યારે એક સંતે પૂછ્યું જે, આત્મનિષ્ઠાનું શું રૂપ હશે ? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, બે ઘડી પછી જણાશે. એટલામાં વૈરાગીઓએ આવીને પથ્થર ફેંકવા માંડ્યા, એટલે એ નદીના કાંઠા ઉપર ઘાટી બાવળી હતી, તેમાં સર્વે સંતો પેસી ગયા, તે કાંટા ઘણા વાગ્યા, અને ગામમાંથી મનુષ્યો આવતા દેખીને વૈરાગી જતા રહ્યા. પછી તે મનુષ્યોએ જાણ્યું જે, આ બાવળીમાં વૈરાગી પથ્થર નાખતા હતા તે કોઈને મારતા હશે, એમ જાણીને બોલ્યા જે, વૈરાગી જતા રહ્યા છે. માટે બાવળીમાં કોઈ હોય તો બહાર આવો. પછી સંત બહાર નીકળ્યા ને શ્રી ગોપાળાનંદ સ્વામીને કહેવા લાગ્યા જે, કાંટેથી શરીર ભરાઈ રહ્યાં છે તે પૃથ્વી ઉપર પગ મુકાતા નથી ને સુવાતું-બેસાતું પણ નથી. પછી સ્વામીશ્રીએ સત્સંગી પાસે ચીપિયા મંગાવીને સર્વેના કાંટા તાણી કાઢ્યા, ને રાખ ભભરાવીને રૂ દબાવ્યું, ને ધીરે ધીરે ગઢડે લાવ્યા. અને સંતો મહારાજનાં દર્શન કરીને પોતાને થયેલી પીડા કહેવા લાગ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા છે કે નથી કાઢ્યા ? ત્યારે સંતે કહ્યું જે, તેમના કાંટા તો નથી કાઢ્યા. પછી શ્રીજીમહારાજે પોતે ચીપિયેથી સ્વામીશ્રીના કાંટા કાઢ્યા તે પોણો શેર થયા પણ સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહિ, એવી આત્મનિષ્ઠા જોઈએ ! અને માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક, શત્રુ-મિત્ર એ સર્વે સરખું થઈ જાય ને કામ, ક્રોધ, લોભ, ભય એમાં ન લેવાય એવી આત્મનિષ્ઠા હોય. અને મહાત્મ્ય એવું જોઈએ જે પ્રકૃતિપુરુષ અને તેનું કાર્ય તે અતિ તુચ્છ થઈ જાય અને મહાપ્રભુજીને બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિ તે થકી પર જાણે અને સર્વેના અંતર્યામી જાણે અને બીજું વ્યતિરેકપણું સમજે જે સર્વેમાં અન્વયપણે એટલે પોતાના તેજ દ્વારે રહ્યા થકા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો સર્વે તુચ્છ થઈ જાય છે. પછી ખાન, પાન, માન, મહોબત, પદાર્થ તેમાં માલ મનાય નહીં. અને કોઈ શબ્દ બોલે તેની કિંમત કરે નહિ જે, આમ બોલ્યો કે આમ બોલ્યો. નિંદા-સ્તુતિ સરખાં થઈ જાય; અને એક શ્રીજીમહારાજ સાંભરે તો કામ જિતાઈ જાય. અને જો અંતર્યામીપણાની ને અન્વય-વ્યતિરેકપણાની વાતો કરે ને જો મર્યાદા ન રહે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. તેણે કરીને મહાપ્રભુજી વિના અન્યમાં પ્રીતિ હોય તે ટળે નહીં. એ તો જ્યારે લક્ષ્યાર્થ જ્ઞાન થાય ત્યારે ક્યાંય પ્રીતિ રહે નહીં. પણ જીવને નાસ્તિકપણું ઘણું રહે છે તેથી વિષયને ને દેહને વશ થઈને મર્યાદા લોપે છે ને ઇન્દ્રિયોને લાડ લડાવે છે ને ઇન્દ્રિયો માગે તે આપે છે, પણ મહારાજની તથા મોટાની બીક રહેતી નથી તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય; અને મહારાજને અંતર્યામી જાણે ને યથાર્થ મર્યાદા પાળે તે લક્ષ્યાર્થ જ્ઞાનવાળો કહેવાય અને તે સત્સંગી કહેવાય. આવું લક્ષ્યાર્થ જ્ઞાન શ્રીજીમહારાજના પરમએકાંતિક તથા અનાદિમુક્તના જોગે કરીને થાય છે. તે જોગ કર્યો ક્યારે કહેવાય તો જેમ પાણી લાગે છે તેમ અંગ ફરી જાય, ને સર્વ સત્સંગ પ્રમાણ કરે ત્યારે જોગ કર્યો કહેવાય, અને જોગ કરીએ છતાં શબ્દ લાગે ને સ્વભાવ રહે અને ધ્યાન-ભજનમાં વિક્ષેપ થાય તો સંગ કર્યો ન કહેવાય. માટે અંગ ફરે એવો સત્સંગ કરવો ને સર્વે ક્રિયામાં મહારાજને ને મોટાને અંતર્યામી જાણીને બીક રાખવી તો યથાર્થ મહાત્મ્ય જાણ્યું કહેવાય અને કામ જિતાઈ જાય.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કામ મૂળમાંથી બળી જાય તેનો શો ઉપાય હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની નાની-મોટી સર્વે આજ્ઞાઓ પાળે ને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને તે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારે, એમ ધારતાં ધારતાં જ્યારે પોતાના આત્માને વિષે મહારાજની મૂર્તિ દેખે ત્યારે કામાદિક દોષ ટળી જાય છે. અને બીજો ઉપાય એ છે જે, મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે એટલે તેમનો અત્યંત રાજીપો થઈ જાય તો કામાદિક સર્વે દોષ બળી જાય છે અને મહાપ્રભુજીને સુખે સુખિયો થઈ જાય છે. એટલી વાત કરીને પછી કથાની સમાપ્તિ કરી. ।। ૨ ।।