વાર્તા ૯૩
ફાગણ વદ ૮ને રોજ રાત્રિએ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ચાર પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તે કેવી રીતે સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ભેદ સાધનદશાવાળા મુક્તની સ્થિતિના છે. જે શ્રીજીમહારાજની મૂર્તિને જ દેખે અને પોતાની પણ સ્મૃતિ ન રહે તે ઉત્તમ ભેદ છે; અને જે પોતાની સ્મૃતિએ સહિત મૂર્તિ દેખે તે બીજો ભેદ છે; અને જે મહારાજને, પોતાને ને અક્ષરધામને દેખે તે ત્રીજો ભેદ છે; અને મહારાજને, પોતાને, ધામને અને અનંત મુક્તને દેખે તે ચોથો ભેદ છે. એમ સાધનદશાવાળાની સ્થિતિ કહી છે અને અક્ષરધામમાં કહ્યા છે, તે જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામ કહ્યું છે; માટે અહીંની ને અક્ષરધામની એકતા કહી છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં અક્ષરધામને વિષે મહોલ, બાગ-બગીચા કહ્યા છે તે કેવી રીતે સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ પૃથ્વીને વિષે જે જે ગામોમાં જેને જેને ઘેર શ્રીજીમહારાજ વિરાજ્યા તે સર્વે શ્રીજીમહારાજને સંબંધે કરીને અક્ષરધામ તુલ્ય દિવ્ય જાણવા; માટે આ લોકને વિષે શ્રીજીમહારાજ જેને ઘેર વિરાજ્યા તે મહોલ જાણવા; અને જેના ગોખમાં, ઝરૂખામાં, બાગમાં, બગીચામાં જ્યાં જ્યાં વિરાજ્યા તે સર્વે અક્ષરધામ તુલ્ય જાણવા. એ સર્વે આ પૃથ્વીનાં વર્ણન કર્યાં છે, પણ અક્ષરધામમાં નથી; માટે શ્રીજીમહારાજના સંબંધે કરીને તે સ્થાનોને અક્ષરધામ સમજવાં. ।। ૯૩ ।।