વાર્તા ૮૯

ચૈત્ર સુદ ૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ બાળક તુચ્છ પદાર્થ સારુ રોયા કરે છે, તેમ જીવ મહારાજનું સુખ મૂકીને સ્વાદ, માનાદિક પંચવિષયમાં પ્રીતિ રાખે છે તેથી મૂર્તિનું સુખ મળતું નથી.

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ખાવું-પીવું એે આદિક પંચવિષયના રાગ છે તે ખાવું-પીવું બંધ કરવાથી ટળતા હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મનને જે રુચે તે ન આપવું ને જેવું તેવું જે મળે તે જમવું ને ધ્યાનનો અભ્યાસ રાખવો તો આસક્તિ ટળી જાય. એવી રીતે નિયમે કરીને આસક્તિ ટળે છે; જેમ સુરાખાચરની ટળી ગઈ તેમ.

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, સુરાખાચરની આસક્તિ કેવી રીતે ટળી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સુરાખાચરને સ્વાદ બહુ હતો. તે દસ-પંદર વાસણમાં જુદા જુદા પ્રકારનાં ભોજન જમતા અને સ્વાદુ ન થાય તો કજિયો કરતા. એક વખતે તેમનાં પત્ની શાંતિબાઈને શ્રીજીમહારાજે કહ્યું જે, તમને કથામાં આવતાં મોડું કેમ થાય છે ? ત્યારે તે બોલ્યાં જે, તમારા ભક્તને જમતી વખતે ઝાઝાં વાનાં જોઈએ છે ને તેમાં મરચા-મીઠામાં ફેર પડે તો કજિયો કરે છે, તેથી મારાથી કથાના જોગમાં અવાતું નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આજથી તમારે એક-બે વાનાં કરવાં ને તે પણ મરચા-મીઠા વિનાનાં મોળાં કરવાં. અમે સુરાખાચરને નિયમ આપશું જે તમારે જમતી વખતે કાંઈ માગવું નહિ ને બોલવું નહીં. પછી સુરાખાચરને મહારાજે નિયમ આપ્યો અને તે બાઈએ, મહારાજે કહ્યું હતું તેવી રીતે કર્યું. પછી સુરાખાચર જમવા બેઠા, તે મીઠામોળું ને થોડું જોઈને જાણ્યું જે મારો ધણી આવી પહોંચ્યા; નહિ તો આવું કરે નહીં. એમ શ્રીજીમહારાજની મરજી જાણીને અમૃતની પેઠે જમી ગયા. તેવું છ મહિના જમ્યા. પછી શાંતિબાઈને મહારાજે પૂછ્યું જે, કેમ ! ભક્ત કાંઈ બોલે છે ? ત્યારે તે કહે જે, ના મહારાજ ! તમારા ભક્ત હવે જેવું મળે તેવું જમે છે ને કજિયો કરતા નથી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, હવેથી દેવની એટલે અમારી બુદ્ધિએ સેવા કરજો. પછી સારાં સારાં ભોજન કરીને જમાડવા માંડ્યાં, પણ સુરાખાચરને રાગ ટળી ગયા, ને સારા-નરસાની સ્મૃતિ ન રહી ને સારું-નરસું સરખું થઈ ગયું. એમ નિયમે કરીને આસક્તિ ટળે, પણ પોતાની મેળે ત્યાગ કરે તો આસક્તિ ન ટળે. નિયમ લેવા તે પણ મોટાની પાસે દીન થઈને હાથ જોડીને લેવા તો મોટા સહાયમાં ભળીને પાર પાડે. કેટલાક લાજે કરીને તથા દંભે કરીને વ્રત-ઉપવાસ કરે ને છાનું ખાય, તેણે તો શ્રીજીમહારાજને તથા સત્સંગને છેતર્યા; માટે એને તો પાપ લાગે. જેમ દહાડિયા ધણીના દેખતા બહુ કામ કરે અને ધણી ન હોય ત્યારે બેસી રહે તેમ દેખાડવા સાધન કરે તે પ્રેમીનું લક્ષણ પાળ્યું કહેવાય. અને જેમ ધણીના દેખતાં કામ કરે તેમજ ધણી ન દેખે તોપણ તેવી જ રીતે કામ કર્યા કરે, તેમ મહારાજને રાજી કર્યા સારુ ધ્યાન-ભજન આદિક સાધન કરે ને મહારાજની વાતોમાં હીંસોરા થાય તે પ્રેમી કહેવાય. એટલી વાત કરીને પછી સમાપ્તિ કરી. પછી બાપાશ્રી પોતાને ઘેર જમવા પધાર્યા ને સંતોએ થાળ કર્યા ને શ્રી ઠાકોરજીને જમાડ્યા. ને પછી પંક્તિ થઈ ને સંત જમી ઊઠ્યા કેડે ઓસરીમાં કથા વાંચવા બેઠા, તે વખતે બાપાશ્રી સભામાં પધાર્યા. ત્યારે સંતોએ જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામિનારાયણ આ સભામાં આ ઊભા, જેને જોઈએ તે લો. પણ આ જીવને મંદવાડ છે તે ભજિયાં-વડાં ભાવે છે. તે શું ? તો, મહારાજની મૂર્તિ વિના અન્ય પદાર્થમાં રુચિ તે જ મંદવાડ છે. તે આ ફેરે મહારાજ ને મોટા મળ્યા છે તે રહેવા દેશે નહીં. જેમ તરસી ગાયો હીંસોરા કરતી જળના તળાવ ઉપર આવે તે જળ પીને તૃપ્ત થાય છે તેમ તમે સમુદ્ર ઓળંગીને હીંસોરા કરતા આવ્યા છો તે અમે જાણીએ છીએ; અને શ્રી પુરુષોત્તમનો રસ લઈને તમને આપીએ છીએ. આવા મોટાને વિષે સદા ચઢતો ભાવ રાખે છે, તેને પ્રસન્ન થઈને સુખ આપીએ છીએ.

એટલામાં નારાયણપુરથી પ્રેમજીભાઈનો દીકરો ભીમજી આવીને દંડવત કરીને સર્વેને પગે લાગીને બોલ્યો જે, મારા બાપને માંદાઈ ઘણી છે માટે મને મોકલ્યો છે તે આ સંત સહિત દર્શન દેવા પધારો. પછી બાપાશ્રીએ કહ્યું જે, અમે સર્વે સાંજે ત્યાં આવશું. પછી તે ગયો અને બાપાશ્રી તથા સર્વ સંત-હરિજનો સાંજે નારાયણપુર ગયા અને મંદિરમાં ઉતારો કરીને પ્રેમજીભાઈને ઘેર ગયા. ત્યાં બાપાશ્રી બોલ્યા જે, હવે ક્યાં સુધી આ મંદવાડ રાખી મૂકવો છે ? પછી પ્રેમજીભાઈએ કહ્યું જે, એ તો તમારા હાથમાં છે. ત્યારે બાપાશ્રી તાવ પ્રત્યે બોલ્યા જે, હવે જાતો રહે. એટલે તરત તાવ ઊતરી ગયો ને ઊલટી બંધ થઈ ગઈ ને ખાવા માંડ્યું ને સુવાણ થઈ ગઈ. પછી બીજે દિવસે સંત-હરિજન સર્વે દહીંસરે ગયા. તેમને વળાવીને બાપાશ્રી વૃષપુર પધાર્યા; અને સંત-હરિજન રામપુર થઈને ભૂજ ગયા ને ત્યાંથી ગુજરાત તરફ આવ્યા. ।। ૮૯ ।।