વાર્તા ૨૧

વૈશાખ વદિ ૧૦ને રોજ બપોર પછી બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને મળ્યા ને પછી માનસીપૂજા કરીને સંતોએ બાપાશ્રીને કહ્યું જે, વાત કરો. બાપાશ્રી બોલ્યા જે, પ્રશ્ન પૂછો તો વાત કરીએ.

ત્યારે સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, શ્રી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે કે, “પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી” તે ત્રિલોકી કેવી રીતે સમજવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિ સુધી તો બધું નાશવંત છે. તેને તો બ્રહ્માનંદ સ્વામીએ ગણ્યું જ નથી ને તેથી પર પહેલી મૂળપુરુષરૂપ ઈશ્વરકોટિ, બીજી બ્રહ્મકોટિ અને ત્રીજી અક્ષરકોટિ એમ ત્રિલોકી કહી છે. તેથી શ્રીજીમહારાજની પાઘડી ન્યારી કહી છે. આ કાર્ય ત્રિલોકી છે. મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના એકાંતિક ને તેથી પર પરમએકાંતિક અને તેથી પર અનાદિ એ કારણ ત્રિલોકી છે; તેથી મહારાજની પાઘડી ન્યારી છે એમ કહ્યું છે.

પછી સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે, “નાભિ અજને થયાનું ઠેકાણું, બ્રહ્માનંદનું ત્યાં મન લોભાણું.” એમ કહ્યું તેનો અર્થ શો સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની નાભિ જે નીરખે તે અજ એટલે મુક્ત થાય; માટે અજનો અર્થ મુક્ત સમજવો. એ નાભિમાં શ્રી બ્રહ્માનંદ સ્વામીનું મન લોભાણું એમ કહ્યું છે. આ પ્રશ્ન સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને સભામાં પૂછ્યો હતો. તેનો ઉત્તર શ્રીજીમહારાજે શ્રી બ્રહ્માનંદ સ્વામી પાસે કરાવ્યો હતો.

પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, “હું તો જાઈશ ગિરધર જોવા રે, મા મુને વારીશ મા” એમ કહ્યું છે. તે મા કઈ જાણવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજને ભજતાં અંતરાય કરનારી માયા છે તે મા જાણવી. વાર્તાની સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા. ।। ૨૧ ।।