વાર્તા ૨૪૨
માગશર વદ ૨ને રોજ સવારે વચનામૃતની કથા વંચાતી હતી, તેમાં નારદ-સનકાદિકની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ નારદ-સનકાદિક કહ્યા તે પરોક્ષ ન જાણવા. આ ઠેકાણે પોતાના સિદ્ધમુક્તોને એ નામે કહ્યા છે એમ સમજવું. પછી બોલ્યા જે, જીવાત્માને ફરતી ઇન્દ્રિયો છે તે ગોલોક કહેવાય અને મહારાજના તેજની કિરણો છે તે ગોલોક કહેવાય છે. આજ મહારાજ અને સંત શીખવવા આવ્યા છે. તે મહારાજ તથા સંત પોતાનું સ્વરૂપ શિખાવે છે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં સ્વરૂપ સમજાવે છે. એવામાં સંતો દર્શને આવ્યા ને બાપાશ્રીને પગે લાગ્યા. તેમને કહે જે આજ સંગદોષે કરીને આવા દેશકાળ આવ્યા છે તે આપણા ઘરમાં ન હોય. ત્યારે તે બોલ્યા જે, મહારાજની મરજી હશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મરજી આવી ન હોય. જીવનું ક્રિયમાણ છે. ભક્ત કાળનો આહાર કરે છે, તેમના ઉપર કાળનું બળ ન ચાલે. તે તેવો થયો તેની વાત છે.
પછી પ્રથમ પ્રકરણનું ૨જું વચનામૃત વંચાવ્યું, તેમાં જનકની વાત આવી. ત્યારે બાપાશ્રી કહે જે, આજ તો એવા સત્સંગી લાખો છે. અવતાર કહેવાના પરોક્ષ ને બતાવવાના સંત, તે આ સંત અવતાર છે. સન્માન, સેવા, ફળ, ફૂલ, ખાન, પાન, માન, મહોબત મળે તે સર્વે સિદ્ધિઓ છે. મહારાજ કર્તુમ્, અકર્તુમ્ અને અન્યથાકર્તુમ્ છે એટલે સેવા અંગીકાર કરે ખરા; પણ સંતો રાગે રહિત કરે તો. પણ જો ઠીક મળ્યું છે એમ જાણીને ગ્રહણ કરે તો સિદ્ધિઓ અંત લે. ઇન્દ્રિયો-અંતઃકરણ વકરીને પાડા જેવા થઈ જાય ને પોતે આહાર ન કરે ને મહારાજને અર્પી દે તો બાધ ન કરે. એવામાં બળોલના હરિભક્ત માલુભાઈ દ્રાક્ષ તથા વરિયાળી પ્રસાદી કરવા લાવ્યા હતા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, આ સિદ્ધિઓ. જુઓ ! વાતો બંધ રહી. પ્રસાદી છે તો કલ્યાણકારી, જે જમે તેનું કલ્યાણ થાય. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે સાકરના પડિયા વગેરે ઘણી સિદ્ધિઓ આવતી. તે સર્વે સાધુને આપી દેતા. એમ કહીને પછી બોલ્યા જે, આ ધનજીભાઈના ગામનો ઉપલ્યા વાસનો એક ભક્ત હતો, તે નિત્ય એક કોરીનું અફીણ ખાતો; એવો વ્યસની-પાપી હતો. તે વડવાડીમાં બેઠો હતો, ત્યાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત નારાયણપુરની ભાગોળમાં રંગ ઉડાડતા હતા અને રાસ રમતા હતા; એવું તેના દેખવામાં આવ્યું. ત્યાં તેને શ્વાસ ચઢ્યો અને તાવ આવ્યો. પછી તે ઘેર ગયો. ઘેર પણ “એ સાધુ આવે છે, મારા ઉપર રંગ ઉડાડે છે, મને વટલાવશે” એ પ્રમાણે બોલતો બોલતો અગિયાર વાગે દેહ મૂકી ગયો. તે અતિ પાપી હતો, પણ અંતકાળે મહારાજની ને મોટાની સ્મૃતિ થઈ આવી અને તેમનો વાયરો અથડાયો તેણે કરીને તે ઠેઠ અક્ષરધામમાં ગયો; એવો મહારાજનો ને મોટાનો પ્રતાપ છે. પછી ખંભાતના હરિજનો દર્શને આવ્યા ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કૃષ્ણારામ મહારાજને મળેલા છે, તે અમને પાછા વાળીને ખંભાત લઈ જવા આવ્યા હતા. પરંતુ દહીંસરાનો કણબી ધનજીભાઈનો ફુઓ રવજી, તેણે અમને જવા દીધા નહીં. તે મરીને ભૂત થયો અને કહે જે, બધા ભેગા થાઓ ને મારો ગુનો માફ કરો; પણ કોઈ ભેળા થયા નહિ ને તે બહુ હેરાન થઈ ગયો. પછી થોડાકને જાદવજીભાઈએ ભેળા કર્યા ને અમે આશીર્વાદ આપ્યો ને કલ્યાણ કર્યું. અને માનકુવાના ગાંગજી પટેલે આપણને છપૈયે જતાં સિદ્ધપુરથી પાછા તેડાવ્યા, તોપણ આપણે છપૈયે જઈને પંદર હજાર રૂપિયાની ઊપજ કરી આપી. અમે તો જેમ બાળકને માવતર જાળવે છે તેમ બધાયને અક્ષરધામમાં લઈ જઈશું. અમારે ઘેર બીજો વેપાર નથી. અમે તો કલ્યાણ કરવારૂપી એક જ વેપાર રાખ્યો છે.
પછી પ્રથમ પ્રકરણનું ૫મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાનું આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ રાધિકા કોણ ? પછી તેનો ઉત્તર પોતે જ કર્યો જે, આ સંત-હરિજનો સર્વ રાધિકા, ગોપીઓ જે કહો તે આ છે અને શ્રીજીમહારાજ ભગવાન છે, બીજે લેવા જાઓ તો માર પડે. પછી બોલ્યા જે, “ગિરધર નાય ને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય.” તે પ્રેમાનંદ સ્વામી ઓલી ગોપીઓને ક્યાં જોવા ગયા હતા ? તેમણે તો આ સંતોને જ ગોપીઓ કહી છે. માટે વચનામૃત આદિ શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ તથા રાધિકાદિ પરોક્ષ નામો આવે તે મહારાજને તથા મુક્તને લગાડવા. પછી બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન બોલ્યા જે, “અબળા અબળાને શું વરવું રે રઢ લાગી; એક પુરુષ દીઠા અલૌકિક રે રઢ લાગી” માટે સાચાને ખોળવું.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, રાધિકા સન્મુખ એટલે પરમએકાંતિક અને લક્ષ્મીજી લીન કહ્યા એટલે અનાદિ, એ બેમાં સુખ કોને વિશેષ હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પરમએકાંતિકથી અનાદિને સુખ વિશેષ હોય. આ અર્થ પરભાવનો છે. ।। ૨૪૨ ।।