વાર્તા ૧૯૧

જેઠ વદ ૫ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જ્યાં મહારાજ ને મોટા મોટા સંત હોય ત્યાં આનંદ આનંદ હોય. અમે નવલખીએ રાત રહ્યા હતા ત્યાં કથા-વાર્તા કરી તે માસ્તરો આવીને બેઠા ને કથા-વાર્તા સાંભળી. જ્યાં મહારાજ ને મોટા વિચરે તે ભૂમિ ચૈતન્ય કહેવાય. જે પૃથ્વી ઉપર મહારાજ ને મુક્ત વિચર્યા, જમ્યા, હર્યા, ફર્યા તે સર્વે ભૂમિ પ્રસાદીની ને પવિત્ર થઈ. જેમ એક લૂગડાને કે એક પથ્થરને એક કોરે અડે તોપણ બધું પવિત્ર થાય, તેમ પૃથ્વી શ્રીજીમહારાજના સંબંધને પામી તે સાજી પ્રસાદીની થઈ ગઈ. ઇત્યાદિક ઘણીક વાતો કરીને પછી સર્વે સૂતા. પછી અઢી વાગે બાપાશ્રી બોલ્યા જે, સંતો, નાહવા ચાલો. આજ તો વાડીએ બેસીશું કેમ કે વરસાદ આખા પીપલાણા, પંચાળામાં વરસે છે તે આપણે અહીં આજ નહિ આવે. પછી બાપાશ્રી તથા સર્વે  સંત ચાલ્યા તે વાડીએ જઈ નાહ્યા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, આ કૂવા સદ્‌. સ્વામી નિર્ગુણદાસજીએ પ્રસાદીના કર્યા છે. અહીં સ્વામીશ્રી અમારા ભેગા ફરતા ને વાતો કરતા જે, અમે ફલાણા ગામના ફલાણા હરિભક્તને તેડીને ધામમાં મૂકી આવ્યા. અને લુણાવાડામાં એક હરિભક્તે દેહ મૂક્યો ત્યારે સ્વામીએ કહ્યું જે, લુણાવાડામાં સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા અમે ફલાણા હરિભક્તને તેડી આવ્યા; એવી ઘણીક વાતો કરતા. સ્વામીશ્રી તો બહુ સમર્થ હતા. એમ કહીને પછી માનસીપૂજા કરવા બેઠા ને માનસીપૂજા કરીને પછી ત્યાંથી પાછા સર્વે મંદિરમાં આવ્યા. ।। ૧૯૧ ।।