વાર્તા ૨૦

વૈશાખ વદિ ૧૦ને રોજ છેલ્લા પ્રકરણનું ૨૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં માનસીપૂજાની વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે માળા, માનસીપૂજા જે જે બતાવ્યાં છે તે સાધનકાળનાં બતાવ્યાં છે, ને કેટલાંક સિદ્ધકાળનાં બતાવ્યાં છે. માટે માનસીપૂજામાં ચૈતન્યને વિષે મૂર્તિ ધારીને દિવ્ય ભોજન જમાડવાં અને વસ્ત્ર-ઘરેણાં પણ મૂર્તિના જેવાં જ દિવ્ય તેજોમય ધારવાં, પણ ચિત્ર-વિચિત્ર ન ધારવાં. સર્વે ક્રિયા પોતાના ચૈતન્યમાં કરાવવી, પણ જુદાં જુદાં સ્થાન કલ્પવાં નહીં. એમ કરતાં કરતાં ઉપશમ થાય ને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિને જોઈ રહેવું. બીજો સંકલ્પ કરવો નહિ, મૂર્તિ વિના બીજું સર્વે વિક્ષેપકર્તા છે. મૂર્તિનો સાક્ષાત્કાર ન થયો હોય તેણે ઉપર કહ્યા પ્રમાણે કર્યા કરવું, અને ધ્યાન કરવું. ધ્યાન કરતાં અકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું; અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી; જીવસત્તાએ જોવાય છે એમ જાણવું. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને દેહની ક્રિયા તો મહારાજની ઇચ્છાથી થાય છે. જ્યારે મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે સુખ વિના બીજું દેખે જ નહિ, જેમ સૂર્યના રથમાં બેઠા હોય તેને રાત્રિ છે જ નહિ તેમ. ધ્યાનનું સુખ તો બહુ અલૌકિક છે પણ જીવને આગ્રહ થતો નથી. અંતર્વૃત્તિએ કરીને શ્રી પુરુષોત્તમના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તો બહુ સુખ આવે ને મહાસુખિયો થઈ જાય, એવું મૂર્તિનું સુખ છે. તે સુખ આવે તો સર્વે વિષય, માન, મહોબત, સેવા-ભક્તિ, તે જેમ પાણીમાં વસ્તુ નાખીએ તે દેખાય જ નહિ, તેમ વીસરી જાય અને એક મૂર્તિ જ દેખાય, માટે મૂર્તિની સ્મૃતિ અખંડ રાખવી. રાગમાં, રંગમાં, કથામાં, વાર્તામાં મૂર્તિની સ્મૃતિ ભૂલી જવાય તો ચાળે ચઢી ગયા એમ જાણવું. શાસ્ત્ર ભણીને પાનું ઝાલીને કથા વાંચે ને જો મૂર્તિ ભુલાય નહિ તો તો ઠીક. જો મૂર્તિ ભૂલી જવાય તો જેમ રાંડીને ખૂણે બેઠી એવું કહેવાય, માટે અખંડ તેલધારાવૃત્તિ મૂર્તિમાં રાખવી એ મૂર્તિ દેખ્યા તુલ્ય છે. મુક્ત મળ્યા વિના એકલા સાધનવાળાને મૂર્તિની પ્રાપ્તિ થાતી નથી અને સત્સંગ પણ દિવ્ય જાણી શકાતો નથી તેથી લૂખો રહે છે. જ્યારે અનાદિમુક્ત મળે ત્યારે કાર્ય-કારણ ઓળખાય અને સત્સંગ બધો દિવ્ય જણાય, ત્યારે મૂર્તિની પ્રાપ્તિ થાય. માટે કારણ જે મહારાજની મૂર્તિ તેને મૂકીને કાર્ય જે સત્સંગની સેવા હોય તોપણ મહારાજની મૂર્તિરૂપી નિશાનને ચુકાવી દે છે. શ્રીજીમહારાજે કાંકરિયાની ચોરાસી કરી ને પછી એ પ્રવૃત્તિ ટાળી નાખી, એ વાત પોતાના એકાંતિક ભક્તને અર્થે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં કહી છે. એકાંતિકને કાર્યમાં સમાસ નથી અને નવા આદરવાળાને સમાસ કરનારું છે. શા માટે ? તો, એથી બીજબળ થાય છે. આત્યંતિક કલ્યાણ તો મૂર્તિથી જ થાય, તે મધ્ય પ્રકરણના ૮મા વચનામૃતમાં શ્રીજીએ યજ્ઞનો વિધિ બતાવ્યો છે. કાર્ય તો જેમ આકાશમાં રીંછડીઓ (એટલે ડુવાળા) બધે ભરાઈ જાય છે અને વરસાદ થાય એવો ભાવ જણાવે છે પણ વરસે નહીં. અને કદાપિ વરસે તો પૃથ્વી ભીની કરે પણ રેલ ચલાવે નહિ એવું છે. કારણ જે મૂર્તિ તે તો જેમ મુશળધાર વરસાદ વરસે તે પૃથ્વી દેખાય જ નહિ એવી રેલ ચઢાવે ને એકલું જળ જળ થઈ રહે, તેમ જળને ઠેકાણે મૂર્તિ છે તે એકલી મૂર્તિ અણુ અણુ પ્રત્યે ભાસે એવું છે. માટે સેવા-ભક્તિ આદિક સાધન કરતાં ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. જે ધ્યાન કરે તેને કોઈ વ્યવહારમાં જોડવા નહિ અને ધ્યાન કરનારે પણ કોઈ વ્યવહારમાં જોડાવું નહીં. શ્રીજીમહારાજના સુખની અવધિ નથી. સિદ્ધમુક્તને પણ એ સુખમાંથી પૂર્ણ થવાતું નથી. સુખમાં વિભાગ ઘણો છે. જ્યારે અનુભવજ્ઞાન થાય એટલે જે સુખની વાતો કરીએ છીએ તે સુખની પ્રાપ્તિ થાય ને તેને ભોગવે ત્યારે જાણ્યામાં આવે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ભાવ ટળી જાય. આ સ્થૂળ દેહમાં રહ્યો હોય તોપણ આ લોકની ખબર રહે નહિ અને કાંઈ પણ વર્ણન કરી શકે નહીં. સુખમાં જોડાઈ જાય ને સુખમાં ચાલ્યો જાય, ને નવાં નવાં સુખ લેતો જાય, તે સુખનો પણ પાર પામી શકે નહિ ને તે સુખનું કે મૂર્તિનું વર્ણન કરી શકે નહિ કેમ જે, મહારાજ એની સ્મૃતિને રોકી રાખે છે. તે અનુભવી, ઉપશમ અવસ્થાવાળો ને કર્તા-અકર્તા કહેવાય. એની ક્રિયા મહારાજને આધીન હોય પણ અનાદિમુક્તના જેવો સ્વતંત્ર ન હોય. અનાદિમુક્તમાં સ્વતંત્રપણું છે તે અનુભવીમાં નથી, માટે અનાદિમુક્ત છે તે અનુભવી કરતાં શ્રેષ્ઠ છે. ।। ૨૦ ।।