વાર્તા ૪૭
વૈશાખ સુદ ૩ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, બીજું બધું થાય પણ સાધુ થાવું એ ઘણું કઠણ છે. એ તો ધર્મામૃત પ્રમાણે વર્તીને કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિક દોષ ટાળીને આત્માને વિષે મૂર્તિ સિદ્ધ કરે ત્યારે સાધુ કહેવાય પણ ભગવે લૂગડે સાધુ ન કહેવાય. જીવ પંચવિષયનાં ને આ લોકનાં સુખ સારુ લઢી મરે છે પણ ભગવાન સારુ કોઈ લઢતું નથી. ચાર દિવસ રહેવાનું તેને અર્થે કજિયા કરે એવા અવળા સ્વભાવ છે. પૃથ્વીના, ધનના, લેવા-દેવાના, ખાધાના એવા કેટલાયે પ્રકારના ટંટા છે. આ લોકમાં તુચ્છ સુખ સારુ લઢી મરે છે ને પાછું ફેર ભોગવવા તો આવવું નથી, માટે જેને મહાપ્રભુજી પામવા હોય તેણે આ લોકમાં છોકરાં શું કરશે માટે કાંઈક ધન, વાડી મેળવી આપું એમ કદી ઇચ્છવું નહીં. જીવથી તો કાંઈ બની શકે તેમ નથી. મેળવી આપું એમ જે જાણે અને તે સત્સંગી હોય તોપણ તે અજ્ઞાની છે. કોઈકને મહારાજ તેડી જાય તેના કેડે શોક કરે જે હમણાં શ્રીજીમહારાજે રાખ્યો હોત તો સારું ! તે કેવું છે તો ચક્રવર્તી રાજ્ય મળે તોપણ સરપટાના ભારા ઉપાડવા મેલે નહિ તેવું છે, પણ એમ ન જાણે જે અક્ષરધામમાં શ્રીજીમહારાજનું સુખ તો મહા અલૌકિક છે અને માયિક સુખ તો કુશકા કૂટ્યા જેવું છે. જીવે દુઃખને વિષે સુખ માની લીધું છે તેથી શોક કરે છે. માટે એ અજ્ઞાન ટાળવું. શોક તો જ્યારે મહારાજની આજ્ઞા લોપીને કોઈકનો દેહ પડ્યો હોય ત્યારે કરવો જે, એણે મહારાજની આજ્ઞા લોપી છે તેથી મહારાજ એ બિચારા ઉપર કુરાજી થયા હશે તો એની શી ગતિ થશે ? એવો શોક કરવો. આ જીવને મહારાજના અલૌકિક સુખમાં વૃત્તિ ચોંટતી નથી ને માયિક દુઃખમાં વળગી રહે છે. તેણે આત્માનું નુકસાન કર્યું માટે આત્મઘાતી થયો. તે પંચમહાપાપીથી પણ ઘણો પાપી છે. શા માટે જે, ચોરાશીમાં આથડવું પડે. મહાપ્રભુજી વિના બીજે હેત રહે તે મોટું પાપ છે, જેમ ભરતજીને મૃગનો દેહ લેવો પડ્યો તેમ. રબારીનો છોકરો મરે ત્યારે રુએ તે એમ બોલે જે, કાગડો થઈને દૂધ પીવા આવજે અને વાઘ થઈને બકરું ઉપાડવા આવજે, એ અજ્ઞાન છે. તેમ જ સાધુને શિષ્ય મરે ત્યારે શોક કરે જે એવો નહિ મળે ને પદાર્થ, પુસ્તક, આસન, તુંબડી એ આદિક પદાર્થ સારુ કજિયા કરે તે પણ રબારી જેવો જ અજ્ઞાની છે.
આપણે અહીં એક વાર મૂળીના પુરાણી સાધુ ત્યાગવલ્લભદાસજી હાલ જે વઢવાણ ગયા તે આવ્યા હતા ને અહીં બેઠા હતા. આ ઈશ્વર બાવો જોડે બેઠા હતા. એવામાં દેવરાજભાઈ રામપરાવાળા આવ્યા, તેમને બહુ આનંદભર્યા જોઈને અમે કહ્યું જે, તમે આનંદમાં છો તેનું કારણ આ ત્યાગવલ્લભદાસજીને કહો. ત્યારે તે બોલ્યા જે, “શ્રીજીમહારાજે ને તમે મારા ઉપર બહુ દયા કરીને મારે માથેથી અર્ધી વેઠ ઉતારી જે, બે દીકરા ને એક મારાં માતુશ્રી તેમને મહારાજ અને તમે ધામમાં લઈ ગયાં. હવે એક ઘરનું મનુષ્ય ને બે દીકરા છે એટલી વેઠ રહી છે. તેનું જેમ મહારાજની અને તમારી મરજી હોય તેમ કરો, પણ અત્યારે તો અર્ધો ભાર ઊતર્યો તેનો આનંદ છે. ભૂજ જઈને ત્રણ રસોઈઓ દઈને આપનાં દર્શને આવ્યો.” ત્યારે અમે કહ્યું જે, કેમ ત્યાગવલ્લભદાસજી ! તમારા ચેલા ધામમાં જાય તો કેમ થાય ? ત્યારે ત્યાગવલ્લભદાસજી કહે જે, આવું તો મારાથી ન રહેવાય. પછી અમે બોલ્યા જે, આ દેવરાજભાઈ આખો દિવસ વાડીનું કામ કરે છે અને રાત્રિએ રાત્રિએ અમારી પાસે આવીને સમાગમ કરી જાય છે ને નિયમ એકે ચૂકતા નથી એવા બળિયા છે અને મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે. જો મૂર્તિ રાખે તો સુખી થવાય. આ લોક થોડાક દિવસમાં સમેટીને પૂરું કરી જાવું. લોક તો કદાપિ સમેટાય પણ દેહ સમેટાતો નથી. વખાણ છે તે તાવમાં સાકર પાયા જેવું છે. આ જીવમાં લાખ, કરોડ દોષ હોય ને સાજા દોષનું જ ઝાડ હોય ને એક પણ ગુણ ન હોય તોપણ પોતાને સવાશેર માને એવો અવળો છે. સત્સંગમાં નભ્યો જાય છે તેનું કારણ એ છે જે એને કોઈએ ટોક્યો નથી માટે નભે છે; જો ટોકે તો જતો રહે માટે એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને જેમ ભગવાન ને સંત કહે તેમ કરવું તો દોષમાત્ર ટળી જાય ને મહાસુખિયો થઈ જાય. ।। ૪૭ ।।