વાર્તા ૫૪

વૈશાખ સુદ ૧૦ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, માળા-માનસીપૂજામાં બોલવા કરતાં સાન કરવામાં વૃત્તિ ઘણી વિક્ષેપ પામે છે; કેમ જે બોલવામાં એક સંકલ્પ થાય અને સાન કરવામાં ઘણા સંકલ્પ થાય માટે સાન કરવી નહીં.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજ અને મુક્ત દિવ્ય છે તે માયિક અન્નને જમતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જો ભક્ત સાચે ભાવે માયિક વસ્તુ અર્પણ કરે તો તે ભક્તનો ભાવ જોઈને મહારાજ ને મુક્ત એ વસ્તુને દિવ્ય કરીને અંગીકાર કરે છે અને તેનું ફળ (પોતાની મૂર્તિનું સુખ) આપે છે. તે પ્રથમ પ્રકરણના ૭૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે.

ચરણરજની પ્રસાદી નાખીને પાણી પીવું તે કરતાં મહારાજની મૂર્તિને પોતાના ચૈતન્યને વિષે પાઈને પીવું તે ઉત્તમ છે. પ્રતિમાને જમાડેલી વસ્તુ પણ પોતાના ચૈતન્યને વિષે મહારાજને જમાડીને જમવી. જો ભક્ત નિષ્કામભાવે જમાડે તો પ્રતિમા જમે છે અને પોતાના પ્રતાપે ઓછું થવા દેતા નથી. જેમ જેતલપુરના યજ્ઞમાં એક કુલ્લામાંથી ઘી કાઢ્યું પણ ખૂટવા દીધું નહિ તેમ. પ્રતિમા ને ધામની મૂર્તિ તે એક જ છે, તેને સરખી ન જાણે તેની સમજણ ખોટી છે અને તે નાસ્તિક છે અને તેની વાત ન સાંભળવી. પ્રતિમા બોલતી નથી, તે પોતાના ભક્તોને જાળવે છે, કેમ જે કોઈકને બોલાવે ને કોઈકને ન બોલાવે તો હર્ષ-શોક થઈ આવે; માટે પાત્ર થયો હોય તેને તથા પાત્ર ન થયો હોય તે સર્વેને સરખાં દર્શન આપે છે, માટે બોલતાં નથી પણ પ્રત્યક્ષ છે.

સાધનદશાવાળાને જોગ કરવામાં પ્રતિમા કરતાં મુક્ત અધિક છે તે વાત વરતાલના ૧૦મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહી છે; પણ પ્રતિમાથી મુક્ત વિશેષ ન જાણવા, ફક્ત જ્ઞાન લેવામાં વિશેષ જાણવા. પ્રતિમા છે તે ઇષ્ટદેવ છે અને મુક્ત તો ભક્ત છે. કેટલાક આધુનિક પ્રતિમા કરતાં મુક્તને અધિક જાણીને તેમનું ધ્યાન કરે છે તે અજ્ઞાની છે. એમને કોઈ મોટા મળ્યા નથી અને શ્રીજીમહારાજનો તથા મોટા મુક્તનો સિદ્ધાંત એમને હાથ આવ્યો નથી. તે તો જ્યારે શ્રીજીમહારાજના અનાદિ અથવા પરમ એકાંતિકમુક્ત મળે ને તેમના થકી જ્ઞાન પામે ત્યારે અન્વય-વ્યતિરેક સ્વરૂપ સમજાય ને શ્રીજીનો સિદ્ધાંત હાથ આવે. કોઈ દિવસ મુક્તનું ધ્યાન તો થાય નહીં. જે મુક્ત હોય તે પોતાનું ધ્યાન કરાવે જ નહિ અને શ્રીજીમહારાજની આજ્ઞામાં ફેર પડવા દે જ નહીં. એ તો પ્રતિમાને વિષે જ જોડે પણ પ્રતિમાથી લૂખા થાવા દે નહીં. જેને શ્રીજીનો અથવા એમના મુક્તનો સંબંધ ન હોય તેને અન્વય-વ્યતિરેકની ખબર ન હોય તેથી તેને શાસ્ત્રના અર્થ સમજાય નહીં. અને પોતાનામાંથી માન, મોટપ અને વિષય તે ટળ્યા ન હોય તેથી ગુરુ થવાની ને વિષય ભોગવવાની ઇચ્છાઓ રહી હોય, તે મુમુક્ષુઓને આડું-અવળું સમજાવે ને પ્રતિમા કરતાં પોતે મોટા થઈ પડે ને લોકને છેતરીને વિષય ભોગવે; તેને મહાપાપ લાગે અને નરકે જવું પડે. જે એવાને વળગ્યા હોય તે જો વિશ્વાસુ હોય અને કેવળ મોક્ષના ખપવાળા હોય તેમની તો મહાપ્રભુજી રક્ષા કરે ને જે તે ઉપાયે કરીને એવાના જોગથી છોડાવે. કદાપિ આ ફેરે ન છૂટે તો બીજો જન્મ ધરાવીને મુક્તનો જોગ મેળવે અને મોક્ષ કરે. જેને મોક્ષની ઇચ્છા હોય ને શ્રીજીમહારાજને પ્રસન્ન કરવા હોય તેણે એવા અવળે રસ્તે ચાલનારાનો સંબંધ ન રાખવો ને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું પણ કોઈ મુક્તનું ધ્યાન કરવું નહીં.

જ્યારે શ્રીજીમહારાજે દેહોત્સવ કર્યો ત્યારે દાદાખાચર બહુ દિલગીર થઈને ચેહમાં પડવા ગયા ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, શ્રીજીમહારાજ સદાય સત્સંગમાં છે; આપણને મૂકીને જતા રહ્યા નથી. જ્યાં મહારાજ અને આપણે બેસતાં તે બેઠકે જાઓ, તમને દર્શન આપશે. પછી ત્યાં ગયા અને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે તો મરીએ એવા નથી, અમે તો એક રૂપે હતા તે ચાર રૂપે થયા છીએ અને સત્સંગમાં સદાય પ્રગટપણે વિરાજમાન છીએ; માટે જતા રહ્યા એમ ન જાણશો.” એમ કહીને પોતે પહેરેલો હાર હતો તે દાદાખાચરને પહેરાવીને બોલ્યા જે, “તમારા આત્માને વિષે અમને ધારો.” પછી દાદાખાચરે પોતાના ચૈતન્યને વિષે મહારાજનું ધ્યાન કર્યું તો તેજોમય દિવ્ય સ્વરૂપે પોતાના આત્માને વિષે મહારાજને દેખ્યા. પછી ધ્યાનમાંથી જાગ્યા અને મહારાજને પૂછ્યું જે, હે મહારાજ ! આપનાં ચાર સ્વરૂપ કહ્યાં તે કિયાં સમજવાં ? ને ધ્યાન કયા સ્વરૂપનું કરવું ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો મૂર્તિઓ રૂપે ને બીજું સંત રૂપે ને ત્રીજું આચાર્ય રૂપે ને ચોથું શિક્ષાપત્રી, વચનામૃત આદિ શાસ્ત્ર રૂપે; એ ચાર રૂપે થયા છીએ. તેમાં પ્રતિમા રૂપે થયા છીએ તે પ્રતિમાનું ધ્યાન કરવું; અને સંત થકી જ્ઞાન-ઉપદેશ ગ્રહણ કરીને અમારો મહિમા સમજવો ને તેમની અન્ન-વસ્ત્રે કરીને સેવા કરવી; અને આચાર્ય થકી દીક્ષામંત્ર લેવા ને તેમની અન્ન-દ્રવ્યે કરીને સેવા કરવી; અને શાસ્ત્રમાં જે અમારાં વચન છે એ પ્રમાણે વર્તવું. એમ વાત કરીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી દાદાખાચરે સ્વામીશ્રી પાસે આવીને સર્વ વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, જો ખરેખરો દિવ્યભાવ પ્રતિમાને વિષે આવે ને એ મૂર્તિમાં લગની થાય અને બીજું બધું વિસરી જાય તો પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવાં થાય. અને તેમની સાથે બોલે, વાતો કરે, જમે, ઇત્યાદિક સર્વે મનોરથ પરિપૂર્ણ કરે. માટે પ્રતિમાને વિષે દિવ્યભાવ લાવીને તેનું ધ્યાન-ભજન કરવું, પણ આધુનિકને સંગે કરીને અવળે રસ્તે ચઢી જવું નહીં. ।।૫૪।।