વાર્તા ૧૨૪
વૈશાખ સુદ ૧૫ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કારણ મૂર્તિનું ધ્યાન શી રીતે કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજરૂપ પોતાને માનીને એ તેજમાં મૂર્તિ ધારવી. તે મૂર્તિ ધારતાં ધારતાં દેહને ભૂલી જવાય ને ઉપશમ થઈ જાય તે ખરું ધ્યાન કહેવાય.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, પુરુષોત્તમના પ્રકાશરૂપ થઈને એકરસપણાને પામી ગયા પછી જાણપણું રહેતું હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ દેહરૂપી આવરણમાં રહ્યા થકા પણ જ્ઞાને કરીને આટલું ઓળખાય છે તો જ્યારે આવરણ ટળીને દિવ્યદૃષ્ટિ થાશે ત્યારે ઓળખાય તેમાં શું કહેવું ? ત્યારે તો જાણપણું બહુ રહેશે. જેમ હું મૂર્તિમાં રહ્યો છું ને સુખ લઉં છું તેમ જ સર્વે મુક્ત મૂર્તિમાં રહ્યા છે ને સુખ લે છે, એવું જાણપણું રહે છે. જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહીને મૂર્તિને જુએ છે. જેમ ફાનસમાં દીવો હોય તે દીવો ફાનસને દેખે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિને દેખે છે ને મૂર્તિનું સુખ ભોગવે છે અને જે મુક્ત જેટલું સુખ લે છે તે સર્વેને જાણે છે જે આ મુક્ત આટલું સુખ લે છે; એમ સર્વેને જાણે છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, ચરણની સેવા કરવી એમ કહે છે તે કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ચરણની સેવા એટલે મૂર્તિની સેવા જાણવી. ચરણની સેવા કહેવી તે નમ્ર વાણી છે. જે દાસ હોય તે એવી રીતે નમ્રતાપૂર્વક બોલે. એમ દાસને બોલવાની રીતિ છે એમ જાણવું; માટે ચરણસેવા એટલે સમગ્ર મૂર્તિની સેવા જાણવી. ।। ૧૨૪ ।।