વાર્તા ૯૮

ફાગણ વદ ૧૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સાધુએ ઝોળીનું અન્ન જમવું તે ઉપવાસી કહેવાય, અને પત્તરમાં બધું ભેળું કરીને તેમાં પાણી નાખીને જમે તે ગોળા જમ્યા જેવું કહેવાય, અને જુદું જુદું જમે તે સ્વાદિયો કહેવાય. નાના પ્રકારના રસ પ્રાપ્ત થાય તોપણ યોગ્ય હોય તેટલું જ જમવું અને થાળ કરવો તે શ્રીજીમહારાજને રાજી કરવા સારુ કરવો, પણ પોતાની આસક્તિથી કરવો નહીં. જો રસમાં આસક્તિ હોય તો કોઈક સારાં ભોજન જમાડે તેનો ગુણ આવે. ને કોરા રોટલા આપે તેનો અવગુણ આવે, માટે આસક્તિ ન રાખવી. આ વાત જીવમાં પેઠી હોય તો જેવું તેવું મળે તેમાં આનંદ થાય ને સારા વિષય મળે તેમાં ઉદાસ થવાય. ઘાટ ઊપજે તેને સમાવે તે સંત કહેવાય ને ન ઊપજે તે ભગવંત એટલે ભગવાન જેવા કહેવાય. જ્યારે ત્યારે ચોખ્ખું થયા વિના છૂટકો નથી. મહારાજને જેવા છે તેવા જાણ્યા હોય તો વાયુ તથા વરસાદ બહુ આવે કે ન આવે તો એમ જાણે જે મહારાજની મરજી પ્રમાણે થાય છે અને તે કોઈ જગ્યાએ અધર્મમાં ઊભો રહે નહીં. ને જે કામ કરે તે મહારાજને સાથે રાખીને કરે. મહારાજને ભેળા રાખ્યા વિના એકેય કામ પૂરું થાય નહીં. માટે મહારાજને ભેળા રાખવા, ને માન-સન્માનની તથા કોઈ શબ્દની કિંમત કરવી નહિ; જે આમ બોલ્યો કે આમ બોલ્યો. માન પાપરૂપ છે ને સન્માન સર્પતુલ્ય છે. માને કરીને લોભનો, કામનો, પ્રકૃતિનો સેવક થઈ રહે છે અને એ સર્વે દોષને ગુરુ માને છે. માની હોય તેને પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરવો પડે તો હા ન પાડે ને પોતાને જાણે (પોતાની ઇચ્છાએ) એકના લાખ ઉપવાસ કરે તેની ગણતરી નહીં. સભામાં પોતાની મેળે ઊભું થાવું હોય તો સો ફેરા ઊભો થાય પણ કોઈક સંત કે હરિજન ઊભો કરે તો એક ફેરો પણ ઊભો ન થાય. બીજા કોઈકને પ્રાયશ્ચિત્ત કરાવતા હોય ત્યારે તેનો પક્ષ લે જે નહિ કરે; તેને તો વિમુખ અને અધર્મી જાણવો. કોઈકના કહેવાથી ઊભો થાય કે પ્રાયશ્ચિત્ત કરે તો આખી સભા અને શ્રીજીમહારાજ રાજી થાય. જો મહારાજનું અંતર્યામીપણું જાણ્યું હોય તો તે કરવું કાંઈ કઠણ પડે નહિ, માટે બધું તપાસ કરવા જેવું છે. સિદ્ધપુરના રણછોડલાલભાઈએ પોતાના રૂપિયા ખરચીને મંદિર કરાવ્યું હતું. એ વાત આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કોઈકે કહી જે, રણછોડલાલભાઈએ મંદિરનું ધાબું વાળીને બગાડ્યું ને ખર્ચ બહુ કર્યું; તેથી મહારાજશ્રીએ તેમનું બહુ અપમાન કર્યું. ત્યારે રણછોડલાલભાઈ બોલ્યા જે, મહારાજ, કૃપાનાથ ! ઠાકોરજીના રૂપિયા હતા તે પહોંચ્યા એવું કર્યું. પછી કોઈક સંતે કહ્યું જે, રણછોડલાલભાઈએ પોતાના પદરના રૂપિયા ખરચીને મંદિર કર્યું છે. ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, તમે તમારા રૂપિયાથી મંદિર કર્યું તે અમે જાણતા નહોતા ને મંદિરના રૂપિયાથી કર્યું છે એમ જાણીને વઢ્યા તે અમે તમારો અપરાધ કર્યો. ત્યારે રણછોડલાલભાઈ બોલ્યા જે, મહારાજ ! આમાં તે તમે શું કહ્યું છે ? પણ ખાસડાં મારો તે ખંખેરીને તમને પાછા આપું ત્યારે હું રણછોડિયો તમારો દાસ ખરો, એમ બોલ્યા પણ અવગુણ લીધો નહીં. મહારાજને સાથે રાખે તો એવા ભક્ત થવાય ને મહારાજને પડ્યા મૂકે તો ક્રોધના, માનના, કામના, લોભના ઘાટ થાય. જુઓને ! શ્રી મુક્તાનંદ સ્વામી નાના સાધુને પણ કેવી રીતે માન દઈને બોલાવતા ! એવું દાસપણું રાખવું. શ્રી સદાનંદ સ્વામીને બાવળીમાં ભાણદાસ નામના વૈરાગીએ માર્યા તે વૈરાગીની લાકડી ભાંગી ગઈ તેનો ખરખરો કર્યો પણ પોતાને વાગ્યું તેનું કાંઈ ન કહ્યું; એવું નિર્માનીપણું રાખવું. ભગવાનના ભક્ત સાથે તો હારીને જ રાજી થાવું, તો તેની ભક્તિ આપણને મળે, ને જીતીને રાજી થઈએ તો આપણી ભક્તિ તેને જાય; પણ એ માર્ગ થોડાને હાથ આવે. કેટલાક તો સામો માણસ નમે તો રાજી થાય જે કેવો નમાવ્યો છે ! પણ લૂગડાં લઈ લીધાં તેની ખબર ન પડે. જે હાર્યો તે જ ખાટ્યો. આ સત્સંગમાં પોતાની ભૂલ ઓળખાય એ જ શ્રી સ્વામિનારાયણનો પ્રતાપ ને કૃપા છે. જે પોતાની ભૂલ જાણે તે તો ભૂલો પડેલો પાછો ઘેર આવ્યો કહેવાય. આ વાત પાત્ર થવાની છે. તે મોટા સાથે મન જોડે તો પોતાની ભૂલ ઓળખાય ને પાત્ર થવાય ને જીવમાં બળ આવે. પાત્ર થયા વિના મહારાજ રહે નહિ; જેમ મંદિર વિના દેવ રહે નહિ તેમ; માટે પાત્ર થાય તો મહારાજનું સુખ આવે. અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં જોડાવું, અને ક્રિયારૂપ પણ થાવું નહીં. ક્રિયારૂપ થાય તો મહારાજ પડખે રહી જાય. જે જે કારખાનાં, ધર્માદો વગેરે કરવું તે શ્રીજીમહારાજને સાથે રાખીને તેમની પ્રસન્નતાને અર્થે કરવું. પણ માન, મોટપ કે વખાણ સારુ ન કરવું. ક્રિયા કરતાં મહારાજની સ્મૃતિ ભૂલી જવાય તો ખોટ બહુ આવે. આ દેશમાં આ સાધુ ગયા તે સુધારો સારો કર્યો કે મંદિર સારું કર્યું. આવડત સારી છે, એમ વખાણે ત્યારે એમ જાણવું જે, એ બધું શ્રીજીમહારાજ વડે છે ને સેવા-ભક્તિ સર્વે શ્રીજીમહારાજની છે, ને મંદિર તો ગૃહસ્થોએ કર્યું છે, અને આપણને તો ફક્ત પાસે રાખ્યા હતા; એમ સમજીને મહારાજને ધણી રાખવા, પણ પોતે ધણી થાવું નહિ તો સુખિયા થવાય. જો માન, સન્માન કે ક્રિયાના ધણી થાય તો દુઃખિયા થવાય. મહારાજને જે વખતે ભૂલી જવાય તે વખતે તે વાંઝિયો કહેવાય. જેમ માબાપ મહેનત કરીને પૈસા ભેળા કરીને છોકરાને આપે ત્યારે તે છોકરો કહે જે, એ તો મેં કર્યું, તેમ કર્તા થાય તેનાથી દાસપણું રહે નહીં. રાજાના કારભારી રાજાને વિષે દાસત્વપણું ન રાખે તો એક ઘડી પણ રહેવા દે નહિ, તેમ શ્રી સ્વામિનારાયણના સંપ્રદાયમાં આવીને શ્રી સ્વામિનારાયણની મૂર્તિને સાથે ન રાખે તો તેને સુખ ન આવે. માયિક પદાર્થને રાખનાં પડીકાં જેવા જાણીને ઇન્દ્રિયો-અંતઃકરણને પાછાં વાળીને મહારાજની મૂર્તિમાં જોડી દેવાં ને કહેનારા ઉપરી રાખવા. ઉપરી ન હોય તો જીવ શૂનકાર થઈ જાય ને કહેનારા હોય તો સુખી રહેવાય ને જ્ઞાન વધે, માટે દાસપણું રાખીને મંડ્યા રહેવું તો સુખિયા રહેવાય. અમારે નારાયણપુરવાળા જાદવજીભાઈ હતા, તેમાં વ્યાવહારિક બુદ્ધિ ઘણી હતી ને મહારાજને સાથે રાખતા ને સુખિયા પણ ઘણા હતા. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ત્યાં સુધી ઘાટ થાય ને જ્યારે જીવમાં મહારાજનો નિશ્ચય થાય ત્યારે ઘાટ ન થાય. માટે બાળ અવસ્થામાંથી એકદમ વૃદ્ધ થઈ જાવું ને મૂર્તિમાં જોડાઈ જાવું, ને એક મૂર્તિ ને મુક્ત તે જીવન માનવું. જેમ માછલાંને જળ જીવન મનાણું છે તો મોટા મોટા મગર ને મોટા મોટા હાથી તણાઈ જાય પણ માછલું ઘણે ઊંચેથી ધારોડો પડતો હોય તેના સામું ચઢી જાય છે; તેમ મહારાજનું સુખ લેવામાં બળ આવે. મોટા તો ધક્કો મારે તો સર્વે આવરણ ટાળીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં લઈ જાય, માટે મહારાજની ને મોટાની સાથે રસબસ થઈ રહેવું. મોટા સાથે જીવ જોડ્યો હોય તેનો દેહ અપમૃત્યુએ કરી પડે તોપણ તેનું આત્યંતિક કલ્યાણ થાય. મોટાની દૃષ્ટિએ દેહ પડે તેનું પણ તેવું જ કલ્યાણ થાય; તેમાં ફેર પડે તો તેના જોખમદાર અમે છીએ. પછી વાર્તાની સમાપ્તિ કરી, ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય’ એમ વર આપ્યો.

બીજે દિવસે આચાર્ય મહારાજ ભેળા સર્વે સંત દહીંસરા, ખાખર, રામપરા આદિ ગામોમાં ફરવા ગયા અને વૈશાખ સુદ ૬ને રોજ ભૂજ આવ્યા અને ત્યાં બીજે દિવસે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. પછી સર્વે ગુજરાત તરફ આવ્યા. ।। ૯૮ ।।