વાર્તા ૨૦૨
વૈશાખ વદ ૪ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવો પણ વિમુખનો પક્ષ ન રાખવો એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનો આશ્રિત હોય પણ તે શ્રીજીમહારાજના કહેલા ધર્મ ન પાળતો હોય તેને વિમુખ જાણવો. જે અધર્મીનો પક્ષ રાખે તે આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થાય, માટે અધર્મી હોય તેનો પક્ષ ન રાખવો. અને તેનો પક્ષ ન રાખવે કરીને કોઈનો ચૂડો નહિ ભાંગે; શ્રીજીમહારાજને ચૂકશો તો ચૂડો ભાંગશે એટલે કલ્યાણ નહિ થાય. જેને શ્રીજીમહારાજને વિષે ને મોટા મુક્તને વિષે દૃઢ આત્મબુદ્ધિ થઈ હોય ને દેહાભિમાન ટળી ગયું હોય તેનાથી ધર્મનો પક્ષ રહે. આ ટાણે દેવની મિલકત કરાવવા સારુ સ્વામી વૃંદાવનદાસજીએ તથા આ ઈશ્વર બાવે અમારી આજ્ઞાથી દેવનો પક્ષ રાખીને દુઃખ માથે લીધું છે, પણ લેશમાત્ર દેહાભિમાન રાખ્યું નથી. “હિંમતે મરદા તો મદદે ખુદા.” માટે હિંમતમાં રહેવું તો મહારાજ સારું કરશે. અને અન્ન-વસ્ત્રાદિક નહિ આપે કે મંદિરમાં રહેવા નહિ દે, એમ બીક રાખવી નહીં. અને દેવનો પક્ષ માથા સાટે રાખવો તો શ્રીજીમહારાજ પ્રસન્ન થાશે, પણ પાર્ટી બાંધીને પાર્ટીનો પક્ષ રાખવો નહીં. ધર્મનો પક્ષ રાખવો. જો પાર્ટીનો પક્ષ રાખીને ધર્મનો ત્યાગ કરે તો તે શ્રીજીમહારાજનો ભક્ત હોય તોપણ આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થાય, માટે તપાસ રાખવો. બાપાના ધામમાં જાવું છે તે છેટું થાય નહિ એમ વર્તવું. ગુરુ હોય તેણે શિષ્યને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સિદ્ધ કરાવવાં. અમે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને - શ્રીકૃષ્ણદાસજી, યોગેશ્વરદાસજી, મુક્તજીવનદાસજી તથા રામકૃષ્ણદાસજી - એ ચાર સાધુ આપ્યા હતા. તેમને સ્વામીએ કેવી સાધુતા દૃઢ કરાવી હતી ! તેમ પોતાના શિષ્યને ધર્મ દૃઢ પળાવવો ને જ્ઞાન શીખવવું. ઠોઠ જેવો હોય છે તે પણ નિશાળે જાય છે તો ભણીને પંડિત થાય છે, એમ આપણી પાસે આવીને સાધુ થાય તેને ધર્મ, જ્ઞાન આદિક શુભ ગુણ ભણાવવા. અમે અમારાં છોકરાંને ચેષ્ટાનાં પદ પૂરાં થાય ત્યાં સુધી બેસવાની આજ્ઞા કરી છે તો ગમે તેવું કામ હોય તોપણ નિયમ ચૂકતા નથી ને કોસ હાંકીને વાડીમાંથી ખાવાનું પેદા કરે છે ને ભગવાન ભજે છે અને કેટલાકનાં છોકરાં કાનોમાં ફૂલ ઘાલતાં તે આજ કોઈ માંડવી, કોઈ કરાંચી, કોઈ કલકત્તા ને કોઈ આફ્રિકા સેવે છે ને સંતનાં દર્શનનો કે કથા-વાર્તાનો પત્તોય નથી ને કુસંગી જેવા થઈ ગયા છે, માટે આશરે આવે તેને નિયમમાં રાખવા. સ્વામીશ્રી નિર્ગુણદાસજીના સાધુ રામકૃષ્ણદાસજી અમદાવાદના મંદિરમાં શ્રી ઠાકોરજીનાં દર્શન કરવા ગયા હતા ત્યાં માનસીપૂજા કરવા બેઠા તે ઊંઘ આવી ગઈ. પછી મોડેથી જાગ્યા ત્યારે આસને આવ્યા. તેમને સ્વામી બહુ લઢ્યા; તેમ ગુરુની પાસે ચેલાનું આસન કરાવવું, પણ ગુરુ ક્યાંય ને ચેલા અર્ધો માઈલ છેટે હોય તે શું કરતા હશે ? માટે આસન પાસે કરાવવું. જેમ ગાયનું વાછરડું ગાયની પાસે હોય તેમ પોતાના શિષ્યને પોતાની પાસે રાખવા. અને રાત્રિએ અગ્નિ જે દીવો તેની સાખ રાખવી પણ દીવા વિના રહેવું નહીં. દીવો હોય તો કોઈ ચાળો ન કરે પણ ગુરુ ક્યાંય હોય ને શિષ્ય ક્યાંય હોય, ગુરુ કથા કરતા હોય ને શિષ્ય ક્યાંય સૂતા હોય તેની ખબર ન લે, તે શિષ્યમાં શું ગુણ આવે ? કોઈ ખોટું ન લગાડશો. અમે તો મહાપ્રભુજીની મરજી જોઈને બોલીએ છીએ, અમથા નથી બોલતા. જુઓને - જડભરતને ત્રણ જન્મ ધરવા પડ્યા. માટે તપાસ કરવો. એને તો વિજાતિ મૃગલું હતું. તેમાં કાંઈ પણ સ્વાર્થ નહોતો તોપણ બંધાઈ ગયા; તો ત્યાગીને તો ગોદડી, તુંબડી, આસન, પટારો, પુસ્તક, ગુરુ, ચેલા એવાં ઘણાં ઠેકાણાં બંધાવાનાં છે. એ તો અહીં બેઠા હોય ને અમદાવાદ કે મૂળી જઈને પટારો જોઈ આવે ને શિષ્યને કાંઈક કહી આવે. આ સભામાં બેઠા હોય તોપણ ચોરી કરીને ક્યાંય જઈ આવે. અમારે અહીં એક કણબી સવલો નામે હતો, તે લોકને કહે જે, અહીં ચોર છે ને પછી પાનબાજરીમાં ને બધે કચરામાં ફરે ને પછી કહે જે, આ પાનમાં ચોર જાતો રહ્યો, એમ લોકોને છેતરે. તેમ કામ-ક્રોધાદિક શત્રુ છે તે જીવને માયારૂપી કચરામાં ફેરવે છે પણ જીવ ઓળખતો નથી ને આપણે સાધુ થયા છીએ તે આપણને કામાદિક શત્રુ શું કરનારા છે ? એમ જાણીને ગાફલાઈ રાખે પણ એ તો ક્યાંય ઉપાડીને લઈ જાય એવા છે. એક વાણિયાના ઘરમાં ચોર પેઠા, ત્યારે તેની સ્ત્રીએ કહ્યું જે, ચોર પેઠા. ત્યારે કહે જે, જાગું છું. પછી કહે જે, પટારો તોડ્યો. તો કહે જે, જાગું છું. પછી કહે જે, લઈને ગયા. તો કહે જે, જાગું છું. પણ ઊઠ્યો નહિ ને પછી કહે જે દાટ વળી ગયો. એમ થાય માટે દાટ વળવા દેવો નહિ ને ખાનપાનમાં ક્યાંય આસક્તિ રાખવી નહિ; એક મૂર્તિમાં જ આસક્ત થાવું અને કામ વ્યાપે તે ટાણે યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો ને કોઈ વસ્તુમાં તથા ચેલામાં, આસનમાં, ખાવા-પીવામાં ક્રોધ આવે તે ટાણે સર્પનો દેહ આવ્યો જાણવો; માટે કામ-ક્રોધાદિક વિકારનો ત્યાગ કરીને સાધુ થાવું, પણ સ્વભાવને વશ થાવું નહિ ને સ્વભાવ હોય તો તે ટાળવા. સ્વામી અચ્યુતદાસજીને ચાર-પાંચ ગાઉ ચાલવું પડ્યું તોપણ શાંત રહ્યા તેવા થાવું. ।। ૨૦૨ ।।