વાર્તા ૮૫
ચૈત્ર સુદ ૨ને રોજ સવારે સભામાં કારિયાણીનું ૧૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં દેહ છતાં તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને મહારાજને રાજી કરવા એમ આવ્યું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમમાં છતા દેહે શી રીતે જવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સત્સંગમાં એ સર્વે ધામોના મુક્ત આવ્યા છે. તે બદરિકાશ્રમના મુક્તોનો જોગ કરે તે બદરિકાશ્રમમાં ગયા એમ જાણવું અને શ્વેતદ્વીપના મુક્તોનો જોગ કરે તે શ્વેતદ્વીપમાં ગયા એમ જાણવું. માટે શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ, અક્ષરધામ જે કહો તે આ ઠેકાણે છે. આ ઠેકાણે જે કરો તે થાય એવું છે. આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આ ઠેકાણે જપ, તપ, ધ્યાન જે કરો તે સિદ્ધ થાય એવો સમય આવ્યો છે. એક રુચિવાળાં પાંચ-દસ મંડળ હોય તેમાંથી થોડાંક મોટાને દર્શને અતિ હેતે કરીને આવતાં હોય ત્યારે જે રહી ગયા હોય તેને સંભારે, જે રહી ગયેલા આવે તો સારું અને તે રહી ગયેલાને પણ ત્વરા થાય, જે આપણે તરત એમને પહોંચી મળીએ એમ ભેળું થવાની આતુરતા થાય. તેમ જ મોટાને વિષે અતિશય હેતવાળા ને રુચિવાળા છે તેમને ભેળા લઈ જવાની અમારે આતુરતા રહે છે. મહારાજનો ને અમારો સિદ્ધાંત એવો છે જે જેને વિશ્વાસ આવે તે સર્વેને ભેળા લઈ જવા છે. જેને અંત અવસ્થા વર્તે તેને તો આ ટાણે છતા દેહે અક્ષરધામના જેવું સુખ આવે, માટે મુક્તનો વિશ્વાસ રાખવો. જે અક્ષરધામમાં મુક્ત છે તે જ આ પોતે છે, ને જેવું દેખે છે તેવું કહે છે એવો વિશ્વાસ આવે તેનું કાર્ય થઈ જ રહ્યું છે, અને એ સાચાં ઘરેણાં પહેરવા જેવું છે. જેને મોટાની વાતોમાં સંશય થાય ને પોતાને પહેલાંની જે વાત સમજાયેલી હોય તે મૂકે નહિ તો તે પિત્તળનાં ઘરેણાં પહેરવા જેવું છે. આ ખાનગી જ્ઞાનગોષ્ઠિ કરીએ છીએ, માટે એમ જાણજો જે આ છેલ્લો જોગ મળ્યો છે. આ જોગમાં આવેલા કદાપિ જીવરૂપ હશે તો તે પણ અનાદિ થઈ જશે. આ જોગવાળાને કદાપિ ઇન્દ્રિયોના ભાવ દેખાઈ આવે તોપણ મોક્ષ બગડે નહીં. જેમ મરેલો સર્પ દેખીને બીક લાગે પણ તેનાથી ડસીને જીવ લેવાય નહિ તેમ; માટે અપૂર્ણપણું માનવું નહિ, અને મન જ્યારે મૂર્તિ મૂકીને બીજે ડોળે ચઢે ત્યારે તેને સમજાવવું જે આવા મોટા મળ્યા તેમનો મહિમા સમજીને તેમની અનુવૃત્તિમાં રહે તો આ ફેરે જ અક્ષરધામમાં લઈ જાય. આ શબ્દ પરભાવના છે. જે વસ્તુ ક્યાંય ન મળે તે વસ્તુ આપી દે એવો મોટાનો પ્રતાપ છે. “જુઓ જીવન મોહ નિદ્રામાંથી જાગી રે, વરી એને થાવું અખંડ સોહાગી રે.” આજ તો નિજમંદિરનું સુખ એટલે મૂર્તિનું સુખ આપે છે, માટે નિજમંદિર તે અખંડ સોહાગ છે માટે કરી લેવું. આ લોકમાં રહેવું નથી; માટે જેમ માયાને આધીન થઈને સુષુપ્તિમાં જાય છે તેમ અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં ઉપશમ કરવું. આ જોગ ને આ સુખ ખોળ્યું પણ જડશે નહિ, માટે ખરો લક્ષ્યાર્થ કરવો; અને એકબીજાને સંભારીને કહેવું જે કરી લો, આ જોગ ફેર નહિ મળે. આગળ તો મોટા મોટાનો જોગ કરવામાં સંતને અને સત્સંગીઓને બહુ ઉપાધિ થતી તોપણ સમાગમ કરતા અને આજ તો સર્વે વાતે સાનુકૂળ છે.
આ ગામમાં રત્નો ભક્ત હતા. તેમને ગામધણી તથા પટેલે ઉપાધિ કરીને કાઢી મૂક્યા, તે કેરે સદાબા પાસે જઈને રહ્યા. તે ગઢડે મહારાજનાં દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું જે, વૃષપુર ગામ મૂકશો નહીં. પછી દર્શન કરીને કેરે આવતાં વૃષપુર સોંસરા ચાલ્યા. તેમને ગામધણી તથા પટેલે માર્યા ને આંખોમાં ધૂળ ભરી, ત્યારે રત્નો ભક્ત એમ બોલી ગયા જે, તમે મને દુઃખ દો છો પણ તમને સર્પ ને કૂતરાં દુઃખ દેશે. પછી રાત્રિએ ગામધણીને સર્પ ને કૂતરાં ફાડી ખાવા મંડ્યા ને ગામધણી રાડો પાડવા મંડ્યો તેથી ગામ બધું ભેગું થયું ને કહે જે, ક્યાં કૂતરાં ને સર્પ છે ? ત્યારે ગામધણી કહે જે, આ રહ્યાં બધાં, ને મને તોડી ખાય છે. પછી સવારે રત્ના ભક્ત પાસે કેરે જઈને સદાબાને બહુ કરગર્યો ને કહ્યું જે, રત્ના ભક્તને વૃષપુર મોકલો. પછી સદાબા ખાસડું લઈને ફરી વળ્યાં ને કહ્યું જે, તેં મારા હરિભક્તને બહુ દુઃખ દીધું છે તે હવે નહિ આવે. તને કૂતરાં ને સર્પ ભલે ફાડી ખાતાં. પછી સાત ખાસડાં ગળે વળગાડીને પગે લાગીને કહે જે, રત્ના ભક્તને નહિ મોકલો તો આજ રાત્રિએ મારું મોત છે. પછી ગામના માણસોએ સદાબાને કહ્યું જે, મોકલો, હવે એને ગરજ બહુ થઈ છે. પછી સદાબાએ હા પાડી એટલે ગાડામાં સામાન ભરીને તેડી ગયો. એટલું દુઃખ રત્ના ભક્તને પડ્યું તોપણ સત્સંગ મૂક્યો નહીં. અને પહેલાં અહીં રહેતા ત્યારે પણ નાત પટેલિયા ભેળા થઈને કંઠી તોડી નાખતા ને પટેલોનું ખાધા-ખર્ચ જે થાય તે એને માથે નાખતા, તોપણ પટેલિયા જાય એટલે ફેર કંઠી બાંધતા ને ફેર આવીને તોડાવી નાખતા. એમ વારંવાર દુઃખ દેતા, તોપણ સત્સંગ મૂક્યો નહીં. આખી કણબીની નાતમાં એ એકલા જ સત્સંગી હતા.
એક સમયે શ્રી બ્રહ્માનંદ સ્વામી ભૂજથી કેરે જતા હતા. તેમને નારાયણપુરની વાડીમાં મૂળજી ભક્ત તથા ભાણજી ભક્તના બાપ ગોવો ભક્ત ક્યારા વાળતા હતા તેમણે દેખ્યા અને વિચાર કર્યો જે, આ સ્વામિનારાયણના સાધુ રાત્રિ પડવા આવી છે તે ક્યાં જશે ? એમ જાણીને જોઈ રહ્યા. તે સ્વામી કેરા તરફ ગયા, અને ગોવા ભક્તનો બાપ કોસ છોડીને ડહેલામાં બળદ બાંધીને ઘેર ગયા ને ગોવો ભક્ત કેરે ગયા અને ત્યાં સદાબાને ઘેર સ્વામી હતા તેમની વાતો સાંભળી. પછી સર્વ સભા ઊઠી ગઈ, પણ ગોવો ભક્ત ઊઠ્યા નહિ; ત્યારે સ્વામીએ તેને પૂછ્યું જે, તમારે ક્યાં રહેવું ? ત્યારે તેણે કહ્યું જે, નારાયણપુરમાં. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, તમે કેમ બેસી રહ્યા છો ? તમારે કાંઈ પૂછવું છે ? ત્યારે તે બોલ્યા જે, તમે અત્યાર સુધી વાતો કરી જે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને જીવનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છે. તે આત્યંતિક મોક્ષ સ્વામિનારાયણ ભગવાન વિના બીજા કોઈ અવતારથી થાય નહિ એ ખરું, પણ અમને શી રીતે ખાતરી થાય ? ત્યારે સ્વામી બોલ્યા જે, આ પૃથ્વી ઉપર જેટલી ગાયો અને જેટલી સ્ત્રીઓ ને જેટલાં બાળક છે એમને માર્યે જેટલું પાપ થાય એટલું પાપ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ન હોય તો અમને થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન અમારી પાસે તો છે પણ તારા દેખ્યામાં ન આવે. જો તારે મનુષ્ય દેહનો લાભ લેવો હોય અને આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો તું ગઢડે જા. ત્યાં અમે જે સમ ખાધા તે વાત તને કહે તો તું સ્વામિનારાયણને ભગવાન માનજે. પછી તે વાડીએ આવીને બળદને નીરણ કરીને ઘેર ગયા ને વાળુ કરીને બધી વાડીઓએ ફરીને લોકોને કહ્યું જે મારી સાથે ગઢડે આવો તો શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ત્યાં દર્શને જાવું છે. પછી બીજા ચાર જણા તૈયાર થયા, પછી એ પાંચે જણા ગઢડે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, ગોવા ભક્ત ! તમે અમારા બ્રહ્માનંદ સ્વામીને આવા આકરા સમ
ખવરાવ્યા ? અમે સાક્ષાત્ ભગવાન છીએ અને આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ. અને બીજા જોડે ચાર જણ હતા તેમાં ગંગદાસ નામે ભક્ત હતા તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે માર્ગમાં આવતાં સંકલ્પ કર્યા હતા જે ભગવાનના પગમાં સોળ ચિહ્ન હોય તો ભગવાન ખરા. તે જુઓ ! અમારા પગમાં સોળ ચિહ્ન છે એમ કહીને બતાવ્યાં. પછી તે વર્તમાન ધારીને સત્સંગી થયા ને પાંચ દિવસ રહીને ઘેર આવ્યા. એ પાંચ ને રત્નો ભક્ત એ છ સત્સંગી આખી કણબીની નાતમાં હતા. હવે આ આખી નાત સત્સંગી થઈ છે.
સદાબાને પણ એમના પતિએ ઘણું દુઃખ દીધું હતું. એક દિવસ તો ઓરડા વાસીને તરવાર તાણી, એટલામાં બધા ઓરડા ઊઘડી ગયા ને મહારાજે ફોજ દેખાડી, ને બાંધીને મારવા માંડ્યો ને કહ્યું જે, આ ફેરે તો છોડી મૂકીએ છીએ, પણ જો હવે એમને દુઃખ દઈશ તો જીવથી મારી નાખીશું એમ બીક બતાવી. ત્યારથી સદાબાને દુઃખ દેતો નહીં. એવાં કષ્ટ વેઠીને પણ આગળ સત્સંગ કર્યો છે અને આજ તો ત્યાગી-ગૃહીને સર્વ વાતે સાનુકૂળ છે. આવા સમયમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે અને ધન-સ્ત્રી આદિમાં લેવાઈ જાય તે તો અતિશય અભાગિયા કહેવાય. ।। ૮૫ ।।