વાર્તા ૮૬
ચૈત્ર સુદ ૩ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૨૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જ્વળ પ્રકાશમાન જુએ છે. અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે શ્રી પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે, ને નારદ-સનકાદિક જેવો એટલે મુક્ત જેવો સુખિયો પણ થાય છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ મંદિરમાં મૂર્તિ હોય તો મંદિર કહેવાય અને મૂર્તિ ન હોય તો મંદિર ન કહેવાય; તેમ જેને મૂર્તિ આત્માને વિષે સાક્ષાત્ દેખાય તે પૂરો સાધુ કહેવાય, અને જેને અંતરને વિષે મૂર્તિ દેખાય તે મધ્યમ સાધુ કહેવાય, અને જેને અખંડ સ્મૃતિ રહે તે કનિષ્ઠ સાધુ કહેવાય, અને આજ્ઞા તો એ ત્રણેય યથાર્થ પાળતા હોય, અને આજ્ઞા યથાર્થ પાળે પણ અખંડ સ્મૃતિ ન રહે તે ચાલોચાલ કહેવાય, અને જે આજ્ઞામાં ફેર પાડે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહીં. માટે સાધુનો વેશ લીધે સાધુ ન કહેવાય અને સત્સંગીનો વેશ લીધે સત્સંગી ન કહેવાય. જેમ રાજાને ઘેર શૂદ્ર ભિખારણનો ચાંલ્લો થયો હોય તો તે એમ જાણે જે મારો પતિ રાજા છે તેથી તેને ભિખારણનો ધંધો જે માગી ખાવું તે ગમે જ નહિ, અને ભિખારણના સ્વભાવ સર્વે મૂકી દે. તેમ જેને એવો નિશ્ચય હોય જે મારા પતિ શ્રીજીમહારાજ છે, ને મુક્ત પ્રગટ મળ્યા છે; એવો વિશ્વાસ અતિ દૃઢ હોય તે કામ, ક્રોધ, માન, સ્વાદ એ આદિક દોષ મૂકી દઈને શ્રીજીમહારાજમાં વૃત્તિ જોડી રાખે અને એક મૂર્તિ વિના બીજે ક્યાંય રાગ રાખે નહિ અને મહારાજ તથા તેમના મુક્તને વિષે દૃઢ પ્રીતિ રાખે ને કોઈ વિષયને વિષે તથા ઐશ્વર્યને વિષે પ્રીતિ ન રાખે તો તે સુખિયો થઈ જાય. ।। ૮૬ ।।