વાર્તા ૧૦૭

ભાદરવા વદ ૭ને રોજ બપોરે સભામાં માલણિયાદના ચતુરભાઈએ પૂછ્યું જે, બ્રહ્મરૂપ ક્યારે થવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પરિપક્વ ઉપાસના થાય અને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તતા હોય એ સર્વેને દિવ્ય જાણે, અને મહારાજ વિના બીજા કોઈ કાળ-કર્માદિકને તથા દેવ-અદેવને કર્તા ન જાણે. તે ઉપર વાત કરી જે, અમારી નવી વાડીના પડામાં એક પીરનો ઓટો હતો. ત્યાં બધા લોકો પગે લાગવા ને દીવા કરવા આવે તેથી જમીન ખૂંદાઈ જાય. પછી એક દિવસ રાત્રિએ બધા હરિજનોને લઈને ગયા તે ઓટો ખોદીને નાખી દીધો ને ફરતા લીંબડાનાં ઝાડ હતાં તે કાપીને લાકડાં રાતોરાત મંદિરમાં લાવીને નાખી દીધાં. માટે મહાપ્રભુજી વિના બીજાને કર્તા જાણે તો તે મહારાજનો દ્રોહી છે, તે કેવી રીતે તો જ્યારે કાળનું વિષમપણું હોય ત્યારે બીજે જતું રહેવાય, તે કાળનું કર્તાપણું જાણ્યું કહેવાય. પરિપક્વ નિશ્ચયવાળાને વિષમ કાળમાં ભાગી છૂટવાનું કહ્યું નથી. જેને જીવવાની આસક્તિ હોય તેને એ વચન કહેલું છે એમ જાણવું. અને કર્મમાં હોય તો થાય એમ જાણે તેણે કર્મનું કર્તાપણું જાણ્યું કહેવાય. અને માયા વિના દેહનો વ્યવહાર કેમ નભે એમ સમજે, તથા માયાએ કરીને જગત થાય છે એમ સમજે તેણે માયાને કર્તા જાણી કહેવાય. અને જગત સ્વાભાવિક થયા જ કરે છે એમ સમજે તથા સ્વભાવ ન મુકાય તેણે સ્વભાવને કર્તા જાણ્યો કહેવાય. માટે શ્રીજીમહારાજ વિના કોઈને કર્તા જાણે નહિ, અને વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ જ્ઞાન હોય અને અન્વય-વ્યતિરેકપણું જાણે ત્યારે બ્રહ્મરૂપ થવાય.

પછી હળવદના ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, તેમનાં લક્ષણ કેવી રીતે જાણવાં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તથા મૂર્તિમાં રહે એ ઉપાસના પરિપક્વ જાણવી. કોઈકને ધ્યાન, ભજન આદિક ક્રિયા કદાપિ ઓછી હોય પણ મોટા પાંચ વર્તમાન પાળે તે સર્વને દિવ્ય જાણવા, અને શ્રીજીમહારાજ સત્સંગ વિના બીજે અન્વય એટલે પોતાના તેજ દ્વારે રહ્યા છે. તે જીવથી લઈને મૂળઅક્ષર પર્યંત પોતાના તેજ દ્વારે અંતર્યામીપણે રહ્યા છે. અને સત્સંગમાં વ્યતિરેક એટલે મૂર્તિમાન રહ્યા છે એમ જાણવું. તેમાં ચાલોચાલ સત્સંગીમાં તો અંદર પડદે રહ્યા છે તોપણ અન્વય ન કહેવાય; અને એકાંતિકમાં તો સાક્ષાત્કાર રહ્યા છે. સત્સંગમાં તો વ્યતિરેક જ છે.

જે શ્રીજીમહારાજને સર્વેથી પર જાણે અને બધી આજ્ઞા પાળે પણ મૂર્તિની અખંડ સ્મૃતિ ન રાખે તે ચાલોચાલ સત્સંગી જાણવો. અને જે શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને ને બીજે બધેથી લૂખો થઈને અખંડ મૂર્તિની સ્મૃતિ રાખે તે એકાંતિક કહેવાય. જે સર્વોપરી ન જાણે ને આજ્ઞા બધી પાળે તોપણ તે પ્રાકૃત ગુણબુદ્ધિવાળો કહેવાય, તેમાં તો અન્વય રહ્યા છે. અને જે શ્રીજીમહારાજની બાંધેલી ધર્મમર્યાદારૂપ આજ્ઞા ન પાળે અને તેણે ભેખ લીધો હોય અથવા ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય પણ તે તો સ્વામિનારાયણનો છે જ નહિ, માટે એ તો સાધુયે ન કહેવાય ને સત્સંગીયે ન કહેવાય; અને તેમાં તો બીજા અવતારો દ્વારે અન્વય રહ્યા છે. જે સિદ્ધદશાવાળા અનાદિમુક્ત છે તેમાં તો સદાય ભેળા જ છે, પણ જુદા પડતા નથી. આપણે તો કારણ મૂર્તિનું જ કામ છે ને કરવાનું પણ એ જ છે. નિયમ-ધર્મ પાળીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. મહારાજે કહ્યું છે કે અમે ધારીએ છીએ તેમ થાય છે. આજ તો આ સભામાં પણ મૂર્તિ મળે છે, જેને જોઈએ તે આવો. મહારાજ આજ કૃપાસાધ્ય છે. આમ સમજે તો બધુંય સમજાણું અને તેને જ અન્વય-વ્યતિરેકપણું જાણ્યું કહેવાય. ઇન્દ્રિયોમાં જે જ્ઞાન છે તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય અને જીવમાં જ્ઞાન હોય તે લક્ષ્યાર્થ જ્ઞાન જાણવું. ત્યાં દૃષ્ટાંત જે, એક બ્રાહ્મણ સત્સંગીનો વેશ બનાવીને કોઈક સત્સંગીને ઘેર આવ્યો તેને સત્સંગી જાણીને સારાં ભોજન તેને વાસ્તે કરાવ્યાં. એટલામાં તે બ્રાહ્મણને છીંક આવી, તે જય અંબા બોલી ગયો, તેને દંભી જાણીને ખાટી છાશ ને ખોરી જારની ઘેંસ કરીને ખૂબ મીઠું નાખીને પીરસી, તે બ્રાહ્મણને ખારી ઝેર લાગી. ત્યારે બોલ્યો જે આ તો ખારું ઝેર જેવું છે. પછી હરિજન બોલ્યા જે, એ તો અંબાનો પ્રતાપ છે. એમ ઉપરથી દંભ બતાવે છે ને માંહી કાંઈ ન હોય તે કહેવામાત્ર છે માટે તે વાચ્યાર્થ જાણવું અને જે સાચું હોય તે લક્ષ્યાર્થ જાણવું. આ કહ્યાં તે લક્ષણ પોતામાં હોય તો બ્રહ્મરૂપ થવાય. ।। ૧૦૭ ।।