વાર્તા ૧૯૬

જેઠ વદ ૧૧ને રોજ સવારે સભામાં વરતાલનું ૧લું વચનામૃત વંચાતું હતું, તેમાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ શોભારામ શાસ્ત્રીએ મહારાજને પૂછ્યું એવો વખત આ મુક્તને જોગે કરીને તમારે છે કે નહીં ? ત્યારે સંત બોલ્યા જે, એવો જ વખત અમારે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજના જેવો જ મુક્તનો જોગ કહેવાય, એવું ન જાણે તો નાસ્તિકભાવ છે. પછી એમ આવ્યું જે, નિશ્ચય હોય તો નાડીપ્રાણ ન તણાય તોપણ નિર્વિકલ્પ સમાધિ જ છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જુઓ નાડીપ્રાણ ન તણાય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે એમ જાણજો. પછી નિશ્ચયનું રૂપ કર્યું જે, મીંઢળ તોડીને રાજ્ય પડ્યાં મૂકીને ધનનો, સ્ત્રીનો ને સ્ત્રી હોય તો પતિનો ત્યાગ કરે અને કહીએ જે આ ટાણે અહીં આવો તો સર્વે કામ પડ્યા મૂકીને આવે ને દેહ માંદો હોય તો દેહ પણ આડો ન આવે; જેમ મૂળજી બ્રહ્મચારીએ મહારાજને પાણી પાવા સારુ ઓટા ઉપરથી પડતું મૂક્યું, પણ દેહ આડો ન આવ્યો જે મને વાગશે, એમ વચન પળે તો નિશ્ચય છે એમ જાણવું પણ તે કઠણ છે. અયોધ્યામાં સીતાની પાસે જઈને માથાં ભટકાડી આવે અને અહીં મોટા મુક્ત ને મહારાજ બેઠા હોય તેનો મહિમા ન જણાય; પરંતુ પ્રગટ ઉપર જ નિષ્ઠા થાય ને તેમના મુક્ત ઉપર જ નિષ્ઠા રહે, પણ બીજા પરોક્ષનો ભાર એક લેશમાત્ર ન આવે, એવો નિશ્ચય હોય તે નિશ્ચય જાણવો. એમ કહીને પછી વાત કરવા લાગ્યા જે, આગળ કેટલાક ઋષિઓ શાસ્ત્ર કરી ગયા છે તે તમોગુણમાં લખી ગયા છે જે, “શૂદ્ર વેદ સાંભળી જાય તો તેના કાનમાં ઊનું સીસું રેડવું.” અને બ્રહ્મચારી અવકીર્ણી થયો તેણે “કાણિયો ગધેડો મારીને તેનું ચામડું ઓઢીને ફરવું ને માગી ખાવું.” એવું પ્રાયશ્ચિત્ત લખ્યું છે, પણ તે યથાર્થ નથી. પછી સભા સામું જોઈને બોલ્યા જે, જાગો, ઊંઘ ગરી આવી તે સાંભળી જાશે ને તમને સાંભળવા નહિ દે. આ ભગવાન ને આ સંત બેઠા છે તેમાં પણ ગરી આવે એવી છે. પછી સંતને કહ્યું જે, તમે ભગવાનને ને સંતને બતાવો તો સંત સાચા. પછી સંતોએ કહ્યું જે, આ મહારાજ ને આ સંત. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, આ પ્રતિમા તે સાક્ષાત્‌ મહારાજ ને આ સભા તે સંત, તે અમારાથી ના પડાય નહિ, માટે તમે બત્રીસ લક્ષણે યુક્ત સંત ખરા, બરાબર એમ બોલ્યા. પછી બોલ્યા જે, આઠ વાગ્યા હોય તો સમાપ્તિ કરો, તે પહેલાં સમાપ્તિ કરો તો મહારાજના ગુનેગાર થાઓ, માટે આઠ વાગ્યા પહેલાં સમાપ્તિ કરવી નહિ; એવી આજ્ઞા કરીને પછી સમાપ્તિ કરી. ।। ૧૯૬ ।।