વાર્તા ૬૭

ફાગણ વદ ૬ને રોજ સવારે સભામાં કારિયાણીનું ૧૨મું વચનામૃત વંચાતું હતું; તેમાં કારણ દેહ છે તે જીવની માયા છે અને વજ્રસાર જેવી છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે પણ તપ આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહીં. જેમ આંબલીનો કાતરો આખો પૃથ્વીમાં ઘાલીએ તોય ઊગે અને ફોતરું કાઢી નાખીને ગર્ભ સોતો નાખીએ તોય ઊગે અને ગર્ભ કાઢીને કાળી છાલે સહિત નાખીએ તોય ઊગે, પણ ધોળા બીજને નોખું પાડીને પૃથ્વીમાં નાખીએ ને પાણી રેડીએ તોપણ ઊગે નહિ; તેમ તપ, આત્મનિષ્ઠા આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહીં. એ તો જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે કારણ દેહ બળી જાય અને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયમાં ક્યાંયે લેવાય નહિ ને તેમાં જોડાય નહિ, અને બ્રહ્મકોટિના તથા મૂળઅક્ષરકોટિના ઐશ્વર્યમાં પણ જોડાય નહીં. માટે જ્ઞાનપ્રલય કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું. અને ચેલો, ગુરુ, દીકરો નાશ પામે તે ઉત્પત્તિ, પ્રલયાદિક શ્રીજીમહારાજની લીલા જાણવી, પણ લૌકિક સ્વાર્થે કરીને શોક કરવો નહીં. જો શ્રીજીમહારાજની મૂર્તિરૂપી મોટી વસ્તુ હાથ આવે તો બીજું બધું ખોટું થઈ જાય.

એક સાધુનો ભણેલો શિષ્ય મરી ગયો તેથી તેના ગુરુ નિરાશ થઈ ગયા. એમ જ્ઞાન વિના થાય છે; માટે વસ્તુ વિચાર કરીને શ્રીજીની મૂર્તિ વિના સર્વે ખોટું કરી નાખવું. એક મહારાજ ને તેમનું સુખ ને તેમના મુક્ત એ સત્ય રાખવાં અને પોતાનું અધૂરું માનવું. બીજા સર્વેનું પૂરું થયું છે એમ જાણવું અને નિત્ય ચઢતો રંગ રાખવો. જીવને પોતાની માયિક બુદ્ધિએ કરીને ભગવાન તથા મોટા મુક્ત ઓળખાતા નથી. એ તો જ્યારે અનાદિમુક્તનો આશરો કરે ત્યારે તે મુક્ત પોતાની બુદ્ધિ જીવને આપે ત્યારે ભગવાનનું કે મોટાનું વર્ણન કરી શકે. જેમ વરસાદ ચારે ખાણના જીવને સુખિયા કરે છે તેમ અનાદિમુક્ત જીવોને શ્રીજીને સુખે સુખિયા કરે છે. મોટા અનાદિ છે તે તો મૂર્તિમાં જ રહ્યા છે. આપણે તેવા થાવું પણ અઠે દ્વારકા કરી બેસી રહેવું નહીં. તે ત્યાગી થયા કે સત્સંગી થયા એટલે પૂરું ન માનવું અને આ બ્રહ્મસભામાં કોઈનો અવગુણ ન લેવો. અવગુણ આવે તો પાછો ખદ્યોત જેવો થઈ જાય માટે બીજાનું જોવું નહીં. મોટાનો અવગુણ આવે તો મરી જવાય એટલે ઊતરી જવાય. શ્રીજીમહારાજે કહ્યું છે જે, સભા શૂન્ય થઈ ગઈ એટલે શ્રીજીમહારાજની ઉપાસના ન સમજાઈ. કથા-વાર્તા-ભક્તિમાં વલખાં કરે પણ મૂર્તિમાં જોડાય નહિ એમ સભા શૂન્ય કહી છે, માટે જીવને ચકડોળે ચઢાવવો નહીં. અને શ્રીજીના સન્મુખ વૃત્તિ રાખવી પણ તૂટક કરવી નહીં. શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી નોખા પડીને બીજે ડોળે ચઢી જવાય એ સભા શૂન્ય કહેવાય. માયામાં ઊંઘી જવાય તે શૂન્ય ન  જાણવું. કેમ જે આ સભામાં માયા તો આવે જ નહીં. કદાપિ કોઈકને આવે તો બ્રહ્મઅગ્નિમાં નહાવું એટલે મહાપ્રભુજીને અને મોટા મુક્તોને સંભારવા તો પવિત્ર થવાય. જેમ જળ ને અગ્નિ દેહને ચોખ્ખો કરે છે તેમ શ્રીજીમહારાજ તથા મોટા અનાદિમુક્ત છે તે જીવને ચોખ્ખો કરે છે. માટે જેને શ્રી પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામવું હોય તેણે બ્રહ્મઅગ્નિમાં ઝીલવું.

એક શિષ્યને ગુરુ ઘસડીને ધામમાં લઈ ગયા અને તેને મહારાજ ને મુક્ત બતાવ્યા; એવા ગુરુ કરવા પણ ગરબડિયા ગુરુ ન કરવા. એટલે ધન-સ્ત્રીના પ્રસંગવાળા તથા ઉપાસના ચોખ્ખી ન હોય એવા ન કરવા. જે ગુરુ પોતાના શિષ્યને પરાણે મૂર્તિમાં ઘસડી જાય તે મોટા છે ને મહારાજને વહાલા છે. શ્રીજીમહારાજ જય સ્વામિનારાયણ કહે છે તે પોતાને કહે છે; અને જય સચ્ચિદાનંદ કહે છે તે પોતાના અનાદિમુક્તને કહે છે તે એમ કહે છે જે તમે કાયમ રહો.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ભાગવતીતનુનો અર્થ શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભાગવતીતનુ એટલે ભગવાનની મૂર્તિ જાણવી; તે મૂર્તિમાં રાખીને સુખ આપે છે. જ્યાં સુધી સાધનનો ભાર હોય ત્યાં સુધી ધ્યાન કરે તોપણ મૂર્તિ દેખાય નહિ અને સત્સંગ પણ દિવ્ય સમજાય નહીં. કદાપિ મૂર્તિ દેખતો હોય અને તે મુક્તને ઓળખતો ન હોય પણ સર્વને વિષે દિવ્યભાવ હોય તો વાંધો નહીં. જે સત્સંગ દિવ્ય ન જાણે અને પોતાને સરસ માને અને બીજાને પોતાથી ન્યૂન માને અને તે કહે જે હું મહારાજની મૂર્તિને દેખું છું તો એ વાત ખોટી છે. ।। ૬૭ ।।