વાર્તા ૧૩પ
ફાગણ સુદ ૮ને રોજ સાંજે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી એ તો કાર્ય છે અને મહારાજ ને મુક્ત કારણ છે. તેમને ઓળખીને તેમનો મન, કર્મ, વચને જોગ કરીને પોતાનું પૂરું કરી લેવું. જેવી કારણમાં એટલે મહારાજ અને મુક્તમાં સુખ અને શાંતિ છે તેવી કાર્યમાં નથી; તોપણ કેટલાક કાર્યની જ વાતો કરે પણ કારણને સંભારે નહીં. કાર્યની વાતોએ કરીને કારણ જે મૂર્તિ તેમાં પહોંચાય નહીં. મહારાજનું સુખ તો મુક્ત આપે ત્યારે જ પમાય. શાસ્ત્રથી પણ મૂર્તિ પમાય નહિ, માટે સત્સંગમાં સત્સંગ ઓળખવો. જેમ ગૌમુખીમાંથી ગંગા નીકળે છે તેમ આ અનાદિમુક્તના મુખમાંથી શ્રીજીમહારાજના મહિમાની સુખરૂપ ગંગા નીકળે છે; પણ કેટલાક શ્રદ્ધા ને વિશ્વાસ વિનાના સમાગમ કરવા આવે છે, તે લૂખા ને લૂખા ચાલ્યા જાય છે ને મનુષ્યભાવ પરઠીને અનાદર કરે છે. શાસ્ત્રનો વિશ્વાસ આવે છે, પણ શાસ્ત્રનો અભિપ્રાય તો મોટા મુક્તથી જાણવામાં આવે છે. મોટાની સેવાથી પોતાની ભૂલ ઓળખાય છે. ને મોટા મુક્તના રાજીપાથી ભૂલ ટળી જાય છે, માટે શુદ્ધભાવે મોટાને સેવવા ને ગુરુભાવ ને દેવભાવ રાખવો તો મોટાના ગુણ તેમાં આવે.
પછી ગોધાવીના માસ્તર જગન્નાથે કહ્યું જે, મોટાના આશીર્વાદ હોય તો એ વાત સમજાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આશીર્વાદ તો ઠેઠ અક્ષરધામમાંથી ચાલ્યા આવે છે પણ આ લોકમાં તો ગાયનો વાઘ કરી મૂકે, તે બે શબ્દ કોઈકને એવા મારે જે મોટાનો અવગુણ ઘાલીને નોખા પડાવી દે. પછી તો કામ, ક્રોધાદિક ચોર તેને ઉપાડી જાય. અમારો વેપાર તો જીવને કાર્યમાંથી એટલે સત્સંગમાંથી દેહ મુકાવીને કારણ જે મૂર્તિ તેમાં પહોંચાડવા એ જ છે. મૂર્તિથી બહાર જેટલું સુખ મનાય છે તે અજ્ઞાન છે, તેને ટાળીને સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને કરવી, પણ મહારાજને મૂકીને કોઈ ક્રિયા કરવી નહીં. આ મંદિરમાં પાણો ચઢાવતાં ચાર જણથી ન ચઢ્યો ત્યારે ચારે જણને કોરે ખસેડીને હુંપણું લાવીને સાધુ હરિપ્રિયદાસે ચઢાવ્યો. તેને સ્વામી અક્ષરજીવનદાસજીએ કહ્યું જે, શ્રીજીમહારાજને વિસારીને હુંપણું લાવીને પાણો ચઢાવ્યો તે ઠીક ન કર્યું. સર્વે ક્રિયા શ્રીજીમહારાજને સાથે રાખીને એમની ને મોટા મુક્તની પ્રસન્નતાને અર્થે કરવી; પણ વખાણ માટે કે માન માટે ન કરવી. કચરો ને કંચન સમ જાણવાં ત્યારે સાધુ કહેવાય. સાકર ને મીઠું સમ થઈ ગયાં હોય તેણે પણ નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃતમાં ફેર પાડવો નહિ, તો જ મૂર્તિનું સુખ આવે ને તે જ પૂરો સાધુ કહેવાય. આજ્ઞામાં વર્તે ને વર્તાવે ને ઠરાવ સર્વે મેલાવે, એવાનો સંગ સદા રાખવો; પણ જીવને એ ઘણું કઠણ પડે છે. મોટાનો સમાગમ કરે પણ શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, તે મોટાને ખોટ દે છે. જૂનાગઢમાં નેવું લોટિયા (લોટ પીને રહેનારા) હતા, તેમણે આજ્ઞા લોપીને સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ખોટ દીધી. આજ પણ કેટલાક સત્સંગ બહાર પડીને, સત્સંગના નોર બહાર વર્તીને સ્વામીશ્રીને વગોવે છે. તમો સમાગમ કરવા આવો છો તે કોઈ મહાપ્રભુજીની આજ્ઞા લોપીને અમને ખોટ આપશો નહીં. આપણા મોટેરા ગોળા જમતા ને ક્યારેક અન્ન મળતું નહિ ત્યારે ઉપવાસ કરતા અને અતિ ક્ષુધા લાગી હોય ત્યારે તળાવમાંથી મૃત્તિકાની કપોટીઓ ખાતા. તમારે પણ તેમના ભેળા બેસવું છે, માટે કોઈ ચાળે ચઢી જાવું નહીં. ત્યાગી થવા નીકળ્યા તો દેહના સુખને ઇચ્છવું નહિ, અને સ્વભાવમાં ને સિદ્ધિઓમાં બંધાવું નહીં. સ્વભાવ, સિદ્ધિઓ, જડ માયા, ચૈતન્ય માયા, માન, ક્રોધ એ આદિકમાં બંધાઈ રહે તો મૂર્તિ સુધી પહોંચી શકાય નહીં. જેમ ઘોડાને પછાડી બાંધી હોય તે તૂટે નહિ ત્યાં સુધી એ ક્યાંય જઈ શકે નહિ, તેમ એ પછાડીઓ નહિ તોડો તો મૂર્તિ સુધી પહોંચાશે નહીં. ।। ૧૩૫ ।।