વાર્તા ૧૮૯
જેઠ વદ ૪ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ સત્સંગમાં સાધુ ને સત્સંગી તે પોતપોતાના નિયમ બધા પાળતા હોય પણ શ્રીજીમહારાજનો મહિમા પૂરો સમજી શકે નહિ અને કોઈ મોટા પણ મળ્યા ન હોય તેને અંત વખતે પ્રાપ્તિ કેવી થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તેને મહારાજ ને મોટા કૃપા કરીને જ્યાં મોટા મુક્તનો જોગ હોય ત્યાં રાખીને મહિમા સમજાવીને લઈ જાય. અને જે શાસ્ત્રમાંથી યથાર્થ મહિમા સમજ્યો હોય ને તેને મોટાનો જોગ ન મળ્યો હોય તોપણ તેને મહારાજ ને મોટા કૃપા કરીને જેવો મહિમા સમજ્યો હોય તેવી પ્રાપ્તિ અંત વખતે કરાવે; પણ જેને મોટાનો જોગ થયો હોય તે તો ઇયળ-ભ્રમર ન્યાયે બીજા અનંત જીવોને મુક્ત કરે. જોગ વિનાનાને અંત વખતે સુખની પ્રાપ્તિ થાય, અને જોગવાળાને છતે દેહે સુખની પ્રાપ્તિ થાય એટલો વિશેષ છે.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, એક મહારાજની સમીપે રહે ને એક મહારાજની મૂર્તિમાં રહે તેને સુખમાં શો ફેર રહેતો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહેનારાને સુખ લેવાની ગતિ અધિક છે, કેમ જે તે સમગ્ર મૂર્તિમાં રહીને રોમ રોમનાં સુખ એકકાળાવિચ્છિન્ન લે છે, અને પરમએકાંતિકની એવી ગતિ નથી, માટે એટલું સુખ લઈ શકતા નથી. આ સમાગમ કરવા સમુદ્ર ઉલ્લંઘીને આવો છો, ને દેહને દુઃખ પડે છે તે ગણતા નથી તેનું ફળ જે આ સમાગમે કરીને સંપૂર્ણ મહિમા સમજાય છે, ને સુખ લેવાની સામર્થી સંપૂર્ણ આવે છે; એવી સામર્થી જેને અનાદિનો જોગ ન હોય તેને આવતી નથી. મહારાજની મૂર્તિમાં સુખ બહુ છે.
તે જ દિવસે બપોરે સભામાં સંતે કહ્યું જે, મહારાજની મૂર્તિનું દર્શન કરાવો તો તે મૂર્તિને બાઝી પડીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હમણાં તો મહારાજ પોઢ્યા છે, તે ચાર વાગે જાગશે ત્યારે દર્શન કરાવશું. પછી વળી કહ્યું જે, સુખ દેખાડો, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સર્વે સંત છે એ જ સુખ જાણવું. એ સુખ મોટા થવા જાય તેને મળતું નથી, તેના તો બાર વાગી જાય. એમ બોલતા જ ઘડિયાળમાં બાર વાગ્યા, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જુઓ ! ઘડિયાળે સાખ પૂરી, માટે દાસપણું રાખવું. તે જેમ સ્વામી કહે તેમ કરવું તે દાસપણું છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી પ્રત્યે બોલ્યા જે, આ તમે લખો છો તે શ્રીજીમહારાજનો સિદ્ધાંત સજીવન કરવા સારુ લખો છો અને કોઈક સારુ લખો છો એટલે પાછળવાળાને કામ આવે તે માટે લખો છો. તો ખૂબ ખબડદાર થઈને લખજો. અને તમે વચનામૃતની ટીકા લખી ગયા હતા તે લખી રહ્યા કે હજી કાંઈ બાકી છે ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, પૂરી થવા આવી છે, ફક્ત છેલ્લા પ્રકરણની બાકી છે. પછી બાપાશ્રી બોલ્યા જે, ભલે લખજો અને અમે સદાય ભેગા રહીને સહાય કરીશું ને પૂરું કરાવી દઈશું ને માંહે પૂરો સિદ્ધાંત આવ્યો છે. ।। ૧૮૯ ।।