વાર્તા ૨૧૭
વૈશાખ વદ ૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે મન છે તે આ સભા મેલીને ક્યાંય જતું રહે. એટલામાં ધનજીભાઈએ આવીને બાપાશ્રીને પ્રાર્થના કરી જે જમવા પધારો. પછી બાપાશ્રી બોલ્યા જે, ભલે ચાલો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ રમૂજ કરી કે, ધનજીભાઈને ત્યાં આપ એકલા જમવા પધારશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે એકલા જમતા હશું ? સર્વેને ભેળા જમાડીએ છીએ. પછી જમવા પધાર્યા અને જમીને પાછા મંદિરમાં પધાર્યા અને વચનામૃતની કથા વંચાતી હતી.
પછી વઢવાણવાળા માસ્તર કેશવલાલે પૂછ્યું જે, ભગવાનની વાત કરતો હોય અને આજ્ઞા લોપતો હોય તેની વાત સાંભળવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, થાય ખરી. એ વાચ્યાર્થવાળો હલકારો તો બહુ કરે પણ લૂખો હોય અને લક્ષ્યાર્થવાળો મહારાજની મૂર્તિને લઈને વાતો કરે અને તેજોમય ઝળળળ ઝળળળ મહારાજની મૂર્તિ ધારીને વાતો કરે. અને તે તો મૂર્તિમાં રહીને ધીમે ધીમે બોલે પણ ધડાકા ન મારે. એને એક નિશાન મહારાજ સામું હોય, અને વાચ્યાર્થવાળો વાતો કરે તે આ લોકમાં ખૂબ મળતું આવે પણ તેની વાતો ફળ વિનાનાં થોથાં જેવી હોય.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ વિચરતું હોય તેનો નિશ્ચય સંપૂર્ણ હોય પણ આત્મામાં દેખતો ન હોય અને એક તો દેખતો હોય, એ બેયને સરખી પ્રાપ્તિ થાય કે કાંઈ ફેર રહે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાંઈ ફેર રહે ખરો. કેમ કે એ દેહાભિમાની કહેવાય, તે જોગ કરતાં કરતાં આત્મામાં દેખે. એ તો ખરેખરો ચઢી ચૂક્યો જે, આત્માને વિષે મહારાજ પધરાવી દીધા અને ઓ તો દેહ રૂપે દેખે છે.
પછી શેઠ બળદેવભાઈએ કહ્યું જે, મનુષ્યરૂપને દિવ્ય જાણતો હોય તો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેહ રૂપે વર્તે છે તેને ધક્કો લાગે છે. ઓલ્યાને ધક્કો ન લાગે, જો સાચો ભાવ હોય તો બધુંય પૂરું થઈ જાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, તેણે ઓના જેવો નક્કી વિશ્વાસ કરી રાખ્યો હોય તો કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેખતો તો ન હોય પણ પરિપક્વ નિશ્ચય હોય તો તો બરાબર કહેવાય. જો નિશ્ચયરૂપી પાયો નક્કી કરી રાખ્યો ન હોય તો તેને સંગદોષ લાગે ખરો. પરિપક્વ નિશ્ચયવાળાને તો કાંઈ વાંધો નહીં. જીવના સ્વભાવ એવા છે જે મોટાને લાખો વાતો પૂછી હોય ને નિશ્ચય કર્યો હોય અને મોટાની દૃષ્ટિ પણ એવા ઉપર પડી હોય પણ ચઢી બેસે ઝાડની ટોચે. ‘હમ બી હૈ’ એવું સંગદોષથી થાય. અમે ગોધલા પાળી પાળીને ખૂબ મજબૂત કરીએ અને પછી જો આડા સૂએ તો પેટ બળે. આપણે તો અધમ જેવા જીવને વિષે પણ અહિંસા ધર્મ રાખવો એટલે દયા રાખવી. તેવાને પણ ઉદ્ધારવા છે, માટે એવાનું સારું થાય એમ સૌ ઇચ્છજો. એવાનું બહુ અવળું કહે કહે કરવું નહીં. સંગદોષે કરીને કોઈક બાળક થઈ ગયું તો જે વસ્તુ તેને જોઈએ તે આપીને રાજી કરીને તેને રસ્તે ચઢાવવો. કોઈક માયિકે રાજી થાય. આ છોકરું છે તે રૂપિયા આપો તો રાજી ન થાય અને કોડીએથી રાજી થાય. જીવના સ્વભાવ એવા થાય છે તે બહુ કૂટો તો સમું ન થાય. એણે નનામા કાગળો લખ્યા પણ અમે તો હસ્તામળ દેખીએ છીએ. આપણે શું ? તે પોતાનું બગાડે છે. આપણે તો એક સ્વામિનારાયણ છે. એ લોકો ભૂંઠા પડે છે. પ્રકૃતિના કાર્યમાં માલ શું છે ? આપણે એક શ્રીજીમહારાજને પકડીને તે આપણા ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એક વેપાર છે. બીજો વેપાર છેય નહિ ને કોઈ કરશોય નહીં. આપણે એક રુચિવાળાને તો હારીને જ રાજી થાવું. જો હારીને રાજી થઈએ તો મહારાજ ધણી થાય. અમે મૂળીમાં યજ્ઞ કરવા ગયા હતા, તે યજ્ઞ બગાડવો અને અમને પાછા વાળી મૂકવા એવો ઠરાવ હતો, તોપણ અમે જઈને યજ્ઞ કર્યો. મૂળીના વાસ્તે રાત્રિ-દિવસ વલખાં કર્યાં ને કાગળો વાંચી વાંચીને થાકી પડ્યા. દહાડો ઊગે ને કાગળ આવે, હવે તો બ્રહ્માનો દિવસ થઈ ગયો તોપણ કાગળ લખતા નથી. એવા ધક્કા લાગે છે, તે મહારાજને મૂકીને પરા જાતા રહેવાય; માટે એવા ન થાવું. પર્વતભાઈ, દાદાખાચર, માંચાખાચર, સોમલાખાચર, વસ્તાખાચર આદિના ગુણ ગવાય છે તેવા ગુણ શીખવા. જેવા દાદાખાચરના ગુણ ગવાય છે તેવા જ કોઈકના ભાવનગરિયા સ્વભાવ હોય તે પણ ગવાય. દાદાખાચરનું સારું દેખાશે તે ઠીક નહિ, એમ જાણીને જીવાખાચર ઘોડીએ ચડીને મંદિર બંધ કરાવવા ભાવનગર ગયા. તે સચ્ચિદાનંદ સ્વામી પહોંચ્યા તે ઘોડીએથી હેઠે પાડી નાખ્યા, તેમને ખાટલે સુવારીને ઘેર લાવ્યા. તેમને જોવા મહારાજ પધાર્યા અને કહ્યું કે તમે ઘોડે ચઢાઉ બરાબર છો ને કેમ પડી ગયા ? ત્યારે તે કહે જે, કોઈકે મારો ટાંટિયો ઝાલીને પછાડ્યો. પછી મહારાજે સભામાં વઢવા માંડ્યું, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, કોઈ બીશો નહિ, એમને પાડનારો સાક્ષાત્કાર હું છું તે મને વઢે છે. પછી મહારાજ બોલ્યા જે ભાઈ, કોઈએ એવા ભાવનગરિયા સ્વભાવ ન રાખવા. તેમ ચાલો આપણે જઈએ ને તેમનું ખોટું દેખાડીએ એ ભાવનગરિયા સ્વભાવ કહેવાય. ભત્રીજાનું સારું જોઈને કાકાથી દેખી ખમાયું નહિ, તેમ અમારે પણ કાકા-ભત્રીજાનું ચાલે છે. અમને ભત્રીજો માવજી એવો મળ્યો છે તે એવા સ્વભાવ વર્તાવે છે. શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “મારે એકે ન રહ્યો આધાર, ક્યાં જઈ ઊભિયે” એમ એમને હતું. માટે મુક્તને તો એક શ્રીજીમહારાજ વિના બીજો આધાર નથી. શ્રીજીમહારાજ સંવત ૧૮૩૭થી પ્રગટ થયા ત્યારથી કરીને સંવત ૧૮૮૬ની સાલે અંતર્ધાન થયા તોપણ એવો ને એવો જોગ છે, કારણ કે શ્રીજીમહારાજનો અને તેમના અનાદિમુક્તનો જોગ એકસરખો છે. અત્યારે ધ્યાન, કથા-વાર્તા કરીને આનંદ થાય છે, આ જોગે કરીને જન્મ ધરવા ન દઈએ. અધિકારમાં કાંઈ માલ નથી. ખરો અધિકાર તો સંતના ચરણમાં રહીએ તે જ છે. ।। ૨૧૭ ।।