વાર્તા ૨૩૩

જેઠ સુદ ૪ને રોજ સાંજના બાપાશ્રી, સંત-હરિજનો સહિત લખાઈવાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસીપૂજા કરી, પછી આંબાના વૃક્ષ નીચે સર્વે બેઠા અને પ્રથમ પ્રકરણનું ૩૬મું વચનામૃત વંચાતું હતું. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટા શાહુકાર આગળ ઉકરડામાંથી દાણા વીણી ખાતા હોય તે જેવા કંગાળ છે તેવા જ મોટા સંત આગળ જેને કચરો ને કંચન સરખાં ન હોય તેવા સાધુને કંગાળ કહ્યા છે. જડ અને ચૈતન્ય ભેગું કરે છે તેનું કેમ થાશે ? આ વાંચતા નહિ હોય ? આ દેહને-ચામડાને ભોગવવું, તેને ખવરાવો તોય શું અને ન ખવરાવો તોય શું ? દેહ મૂકી દીધો, ડાચું આમ ફાટી ગયું. એને વસ્ત્ર પહેરાવો તો શું શોભાવે ? તે શું શબ શોભે ? જે સાધુ જડ-ચૈતન્ય રાખે ને દેહને સુખી રાખે તે શબ શણગારવા બરોબર છે. ત્યાગીને કૌપીન તો જરૂર જોઈએ. કૌપીન વિના ત્યાગી ફરે તે નગ્ન જાણવો. જડ રાખવું, ચૈતન્ય રાખવું, કૌપીન ન રાખવી એવા સાધુને શું મનમાં હશે ? દ્રવ્ય રાખે તેવા ત્યાગીને મહારાજે પાપી કહ્યો છે માટે એ માર્ગે ન ચાલવું. ગુરુ હોય તો પડ્યો ખાડમાં. ચેલો હોય તો ગયો બીજા નર્કમાં. આપણે આપણું સાચવવું. વૈતરણી જેવી નદી વહેતી હોય તેમાં કોઈ પડે ? આ જીવના સ્વભાવ ઊંધા છે તે દુઃખ દે. એ પૈસા રાખનાર શું સમજતો હશે ? તે પોતાને ત્યાગી માનતા હશે ? પોતાના સ્વભાવ ન મેલાય, પ્રકૃતિ ન મેલાય, મદોન્મત્ત થઈને ફરે અને વળી મોટા મોટાની ખોટ કાઢે. આ ગૃહસ્થ આમ કરે છે, સાધુ આમ કરે છે, તે શું સમજીને કહેતા હશે ? શું મોં દેખાડીને ફરતા હશે ?

પછી પ્રથમ પ્રકરણનું ૩૭મું વચનામૃત વંચાવ્યું, તેમાં જેવા તેવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેવો તેવો એટલે જેની ક્રિયા સત્સંગની શૈલી પ્રમાણે ન હોય તે. રત્ના ભક્તને જમતાં બોલતાં ન આવડે. તેમના દીકરા માવજી લડતા જે, બાપા, તમને ખાતાય નથી આવડતું. શાક જમે તે મોંમાંથી પડી જાય, ખીચડી પણ પત્તરથી પડી જાય એવા હતા. એવાને જેવો તેવો કહ્યો છે. પછી તે (માવજી) શ્યામચરણદાસજી નામે સાધુ થયા. તે ઘેર હતા ને માંદા થયા હતા ત્યારે ફકીરે આવીને તેની ડોસીને કહ્યું જે, તમારો માવજી મરશે નહીં. ત્યારે કહે કે નક્કી નહિ મરે ? જો ન મરે તો લખી દે જે નહિ મરે, નહિ તો નીકળ ઘર બહાર; એમ કહીને ઘર બહાર કાઢી મૂક્યો. એવાને કાળ થકી, કર્મ થકી, માયા થકી રક્ષા મહારાજ કરે છે. જેમ માબાપ બાળકને નાગ, વાઘ, અગ્નિથી જાળવે તેમ એનું પ્રારબ્ધ મહારાજ છે તે જાળવે છે; એમ મહારાજે કહ્યું છે. આવા હોય તે જેવા તેવા જાણવા. મહારાજ કહે, એવાના પગની રજ અમે માથે ચઢાવીએ છીએ. તે ગઢડામાં સાધુના પત્તરમાંથી પ્રસાદી લઈને જમી ગયા. એમ સંતનો મહિમા દેખાડ્યો.

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, જડ-ચૈતન્ય ત્યાગ કરે તેને મિનિટે મિનિટે મૂર્તિનું બહુ સુખ કલ્પેકલ્પ સુધી રહે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખનું ભોક્તાપણું નવું ને નવું રહે ને અપારપણું રહે. જે મહારાજની મૂર્તિનો સુખભોક્તા થયો તેને ઝળળળ ઝળળળ મૂર્તિનું તેજ છૂટે, પૂરું ન થવાય કે હવે જમી રહ્યા, કલ્પેકલ્પ વીતી જાય ત્યાં સુધી   અપારપણું રહે. મહારાજની શું મોટાઈ કહેવાય ! એ સુખ એવું છે કે અપારપણું જ રહે. ।। ૨૩૩ ।।