વાર્તા ૨૩૦
જેઠ સુદ ૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો વાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસીપૂજા કરી. પછી સર્વે જાંબુડાના વૃક્ષ નીચે બેઠા.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, અમે ૧૯૫૧ની સાલમાં ગુજરાત તરફ ગયા હતા, ત્યાં ધોળકામાં આ સ્વામી વૃંદાવનદાસજી મહંત હતા. તેમને પરભાવની વાતો કરી તે જીવમાં પેસી ગઈ, પછી તેમણે મહંતાઈ મૂકી દીધી ને ઉપશમમાં જ રહે છે. આપણે ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમનારાયણની મૂર્તિ તેને બાઝવું. આવો જોગ ક્યાંથી મળે ? એમ કહીને પછી બોલ્યા જે, ઉપાસના કોને કહીએ, તો શ્રીજીમહારાજની મૂર્તિ વિના “સબ જગ જરત અંગારા” એવું થઈ જાય, તેને ઉપાસના કહીએ. મૂળજી તથા કૃષ્ણજીને એવી ઉપાસના હતી તો મહારાજ વિના બીજું સર્વે વિષ જેવું લાગ્યું, તેથી ઘર મેલીને નાઠા તે ગઢડે આવ્યા અને મહારાજે પાછા મોકલવા માંડ્યા તોપણ ગયા નહીં. અને મહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તોપણ તે વિમુખપણાની માનીનતા રાખી નહિ ને ઘેલાને સામે કાંઠે જઈને બેઠા, પણ મહારાજને મૂક્યા નહિ તો આફૂડા મહારાજે બોલાવીને સાધુ કર્યા. એવી સમજણ થાય તો પરિપક્વ ઉપાસના કહેવાય. પછી બહેચરભાઈને કહ્યું જે મૂર્તિના ઘરાક થયા છો ? ત્યારે બહેચરભાઈ બોલ્યા જે, બાપા, કોસ હાંકવાનું કહો તે કેમ આવડે ? ત્યારે બાપાશ્રી કહે જે, આફૂડું આવડે. મૂર્તિના ખપવાળાને આફૂડું આવડે. પછી રાજી થઈને કહ્યું જે, બધું મહારાજ સારું કરશે. ખૂબ કેડ બાંધીને ભગવાન ભજો. અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. મેખોન્મેખ આંખમાંથી પાણીની ધારા ચાલે ત્યાં સુધી જોવું, એમ ખરેખરું અંતર્દૃષ્ટિથી જોઈ રહેવું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, આ ડખામાં મૂર્તિને આધારે જિવાય છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય અને ડખા, દેહ ને દુઃખ એ સર્વે લીલા કહેવાય. જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય એમ કહ્યું છે તે આ સાધુની સભા તે અવતાર છે અને આ લીલા થાય છે તે લીલા છે. આ લીલામાંથી ભગવાનની મૂર્તિ સાંભરી આવે. મહારાજની મૂર્તિને લગતા થાવું. તે અભ્યાસ ન કરે અને ચાલોચાલમાં ચાલ્યા જાય તો ન થવાય. ।। ૨૩૦ ।।