વાર્તા ૬૩
વૈશાખ સુદ ૧૪ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૩૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધામને વિષે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિની એકતા આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધામમાં રહી જે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ છે તેમજ પ્રતિમા છે તે પણ એ જ મૂર્તિ છે. માટે જેવી મૂર્તિ અક્ષરધામમાં છે તેવી જ પ્રતિમાઓ દિવ્ય જણાય; અને જેવો શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક પરોક્ષ થયેલા એટલે અદૃશ્ય થયેલા મુક્તનો મહિમા છે, તેવો જ આ સંત-હરિજનોનો મહિમા જણાય તો આજ શરદઋતુ છે, તે મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. જો શ્રોતા-વક્તા બેયની આતુરતા હોય તો મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય પણ નપુંસકથી ન થાય, તે કરોડો જન્મે પણ ન થાય. તે શ્રોતા-વક્તાની વિક્તિ જે જેને વાતમાં વિશ્વાસ ને શ્રદ્ધા (આસ્તિકપણું) ન હોય ને સંશય થાય તે નપુંસક શ્રોતા જાણવો, તેને સમાગમનું સુખ ન આવે; અને જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને સંશય ન થાય તે શ્રોતા ઉત્તમ જાણવો, તેને સમાગમનું સુખ આવે. જે વક્તાને મહાપ્રભુજીની મૂર્તિનો સંબંધ ન હોય તે વક્તા નપુંસક જાણવો અને જે વક્તાને મૂર્તિનો સાક્ષાત્ સંબંધ હોય તે વક્તા ઉત્તમ જાણવો. મહારાજના સંબંધ વિનાની જે જે વિદ્યા ભણવી, કથા કરવી, વાર્તા કરવી, સેવા-ભક્તિ કરવી તે સર્વે નપુંસક છે ને નિર્બીજ છે. જે સત્સંગ કરે છે ને મહારાજને કર્તા ને અંતર્યામી જાણે છે તોપણ મનમાં ખોટા ઘાટ થાય છે તેને ઊપજવા દે છે. તેણે મહારાજની અને મુક્તની મર્યાદા ન રાખી માટે તે પણ નપુંસક ને નિર્બીજ છે. જે મહારાજને અને મોટાને સદાય અંતર્યામી જાણે ને ભેળા જાણે ને ખોટા ઘાટ ન થવા દે ને મર્યાદા રાખે તે સબીજ ને આસ્તિક છે. માટે અદૃશ્ય થયેલી મહારાજની મૂર્તિ અને અદૃશ્ય થયેલા સંતને જેવા જાણે છે તેવા આજના સંતને તથા પ્રતિમાને જાણે તો પોતે દિવ્ય થઈ જાય. ।। ૬૩ ।।