વાર્તા ૧૩૨

ફાગણ સુદ ૭ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ માસ્તર છોકરાંને ભણાવે છે તેને એમ રહે જે હું ઘણાને ભણાવું તો ઠીક; તેમ અનાદિમુક્તને એમ રહે જે ઘણા જીવ સુખિયા થાય તો ઠીક. સત્ય આત્મા, સત્ય મૂર્તિ ને સત્ય સંત તથા એ ત્રણના સંબંધને પામેલા સત્‌શાસ્ત્ર એ ચારનો સંગ કરે તે સત્સંગી થયો. તેને પણ સુખભોક્તામાં અનાદિમુક્ત પહોંચાડે ત્યારે પહોંચાય. સત્સંગમાં જે મુદ્દો છે તે આપણને મળ્યો છે. મહારાજની મૂર્તિ રાખે તો સુખિયા થવાય. આવી જબરી વાતમાં હર્ષ થતો નથી ને માયિક વાતમાં હર્ષ થાય છે એ મોટું અજ્ઞાન છે. રામપરામાં એક હરિજન ગુણબુદ્ધિવાળા હતા, તે ભવૈયા જોવા ગયા. તેમને લઘુ કરવાનું બહુ થયું પણ માર્ગ (જગા) જતો રહે એટલા સારુ ઊઠ્યા નહિ ને લઘુ ચોરણામાં થઈ ગયું, એવું તાન માયિકમાં છે. પુરુષોત્તમ ભગવાનની કથા-વાર્તામાં એવું તાન થાતું નથી એ મોટું અજ્ઞાન છે. કથા-વાર્તામાં તો જેને જેટલી સ્થિતિ થાય છે તેને તેટલો હર્ષ થાય છે. અનાદિની પંક્તિમાં ભળ્યા વિના સુખ થાય નહિ અને મોટા સાથે મન બાંધે તો બધું પૂરું થઈ જાય. વાત તો અતિ જબરી છે, તે જો સમજાય તો દીવાના થઈ જવાય. “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા.” એમ મર્મમાં વાત કરીને પછી બોલ્યા જે, શાસ્ત્રમાં હોય તેનાથી નવા શબ્દ આવે, તે શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા એવા અનાદિમુક્ત બોલે છે, ને તેમાં મહારાજની મૂર્તિ આવે છે; તેથી આનંદ થાય છે. આજ તમને જે વસ્તુ મળી છે તે તો બહુ જ ભારે છે. તેને ખાઓ, ખાઓ કહીએ છીએ પણ કોઈ ખાય નહિ ને મોટા મુક્ત કોળિયા વાળીને દે તોપણ ઠીક ન લાગે. સત્સંગમાં ને લોકમાં પ્રમાણ કરે એવો ખરો સમાગમ કરવો. દાસપણે રહે ને નવા નવા સુખની ઇચ્છા કરે તો પડદા તૂટી જાય ને સુખ સમજાતું જાય ને મહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ નવું નવું સુખ મળતું જાય, પણ સુખની હદ આવે નહીં. અનાદિમુક્તને પણ એ સુખનો પાર આવતો નથી તો બીજાને તો પાર આવે જ ક્યાંથી ? આ સભામાં એનું એ જ સુખ છે પણ જીવ શૂનકાર થઈ ગયો છે, તે જ્યાં ત્યાં બંધાઈને વળગી પડે છે ને ભટકી પડે છે. આધુનિકને મુક્ત જાણીને તેમાં વળગે છે, પણ ખરી વસ્તુને બાઝતો નથી એટલે મુક્તને વિષે પ્રીતિ કરતો નથી. સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અનાદિમુક્ત હતા ને શ્રીજીમહારાજની મરજીથી આવેલા હતા, તેમણે આ મુક્ત ઓળખાવ્યા છે. જેના ભાગ્યમાં ખામી હશે તે આ મુક્તને ઓળખતા નથી ને જ્યાંત્યાં ઝાવાં નાખે છે; તે સુખિયા ક્યાંથી થશે ? મુક્ત ઓળખીને તે મુક્ત પાસેથી સુખ ભોગવવાની ત્વરા રાખે તો સુખિયા થઈ જાય. શ્રીજીમહારાજ અને અનાદિમુક્તને સાથે રાખે તો છેલ્લી અવધિ આવે. ઘણા જન્મ ગોથાં ખાધાં, આ વખતે નીકળવાનો દરવાજો ખરેખરો આવ્યો છે. આવા સમયમાં શૂનકાર થઈને ઊભો રહે એમાં શું સુખિયું થવાય ? જ્યાં સુધી ઇન્દ્રિયોને લાડ લડાવે ત્યાં સુધી સુખિયું થવાય નહિ અને મહારાજને તથા મોટાને વિષે ખરી આસક્તિથી જોડાય તો જન્માંતરે પૂરું થવાનું હોય તે આ જન્મે જ પૂરું થઈ જાય. ઉપાસનામાં ફેર હોય ને મોટાને જાણ્યા ન હોય તો જ્યાં ને ત્યાં ગબડી પડે; માટે ખરેખરો નિશ્ચય રાખવો. સર્વદેશીમાં સુખ છે, માટે એકદેશી ન થાવું ને એકદેશી થયા હોય તેનો સંગ ન કરવો. એકદેશીથી સત્સંગમાં ન રહેવાય ને તેની સાથે જીવ જોડે તેને પણ સત્સંગ બહાર કરે, માટે યુક્તિવાળા માણસો સત્સંગમાં હોય તેમને પણ ઓળખવા. જો ન ઓળખે તો જીવનો નાશ થઈ જાય ને મોક્ષમાં ઘણો જ વાંધો આવે, કેમ જે જેને સત્સંગનો અવગુણ આવ્યો હોય તે બીજાને પણ સત્સંગના અવગુણ ઘાલે; તેથી જીવનો નાશ થઈ જાય. જેને મહારાજના ભક્તમાં કેવળ દોષ દેખાય તે કનિષ્ઠ છે, ને જેને ગુણ ને દોષ બેય દેખાય તે મધ્યમ છે, અને જે એકલા ગુણ દેખે તે ઉત્તમ છે. જેને પોતામાં કેવળ દોષ હોય તે બીજામાં કેવળ દોષ દેખે, પોતામાં ગુણ ને દોષ બેય હોય તે બીજામાં ગુણ ને દોષ બેય દેખે, અને જેમાં કેવળ ગુણ હોય તે બીજામાં કેવળ ગુણ દેખે. સર્વના ગુણ જોવા અને એમ સમજવું જે, કેરી કાચી હોય ત્યારે તૂરી હોય ને મોટી થાય ત્યારે ખાટી હોય અને પાકે ત્યારે મીઠી થાય પણ કેરી ખરી. તેમ જ જેમાં દોષ હોય તે કાચા છે તે ધીરે ધીરે ટળશે ત્યારે પાકા થશે, એમ સમજવું. અને સત્સંગરૂપી સમુદ્રમાં રહેવું. મોક્ષરૂપી મોતીની પ્રાપ્તિ તો જ થાય પણ સત્સંગથી વિમુખ થયા હોય તેની પાસે મોક્ષ ન મળે. જો સર્વદેશી થઈને સત્સંગમાં મુક્તને ખોળે તો મળે ને મોક્ષ થાય. ।। ૧૩૨ ।।