વાર્તા ૫૯
વૈશાખ સુદ ૧૨ને રોજ સવારમાં સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મોટાં રામબાઈએ શું કર્યું હશે ? તે કૃપા કરીને કહો. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટાં રામબાઈ વાળાના જેતપુરનાં હતાં. તેમનાં પિયરિયાંએ તથા સાસરિયાંએ તેમને વ્યવહાર કરાવવા બહુ ઉપાધિ કરી, તેથી ભાદર નદીના ધરાના કાંઠા ઉપર રાત્રિએ પોતાનાં વસ્ત્ર મૂકીને ચાલી નીકળ્યાં; ને શ્રીજીમહારાજની પાસે ગઢડે જઈને ત્યાગી થઈને રહ્યાં.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, દાદાખાચરે શું કર્યું ? તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દાદાખાચરે પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજને અર્પણ કર્યું ને જેમ શ્રીજીમહારાજ કહે તેમ જ કરતા; કોઈ પ્રકારનો સંશય કરતા નહીં. એમની વાતો તો અપાર છે ને તે ઘણે ઠેકાણે લખાણી છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, માંચા ભક્તે શું કર્યું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માંચો ભક્ત પ્રથમ માર્ગીના પંથમાં હતા, પણ બ્રહ્મચર્યવ્રતમાં કુશળ હતા. એક કીમિયાવાળો એમને ઘેર આવીને ઊતર્યો હતો. તેણે ત્રાંબાનું રૂપું કરી બતાવ્યું, તેને લાકડી લઈને ગામ બહાર કાઢી મૂક્યો પણ રૂપામાં લોભાયા નહીં. જ્યારે શ્રીજીમહારાજ મળ્યા ત્યારે એકાંતિક ભક્ત થયા. જ્યારે મહારાજને દર્શને ગયા ત્યારે પોતાનો પાંચસે વીઘા કપાસ હતો તે સાંભરશે એમ જાણીને ભેળાવી દીધો. ।। ૫૯ ।।