વાર્તા ૫૭
વૈશાખ સુદ ૧૧ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસીપૂજા કરીને બાવળ નીચે સભા થઈ.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પર્વતભાઈએ શું કર્યું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પર્વતભાઈ પોતાનો દીકરો કંઠપ્રાણ હતો તેને મૂકીને શ્રીજીમહારાજનાં દર્શન કરવા ચાલ્યા. તે ગામને સીમાડે પહોંચ્યા એટલામાં દીકરો મરી ગયો. તેથી મનુષ્ય તેડવા ગયું તોપણ પાછા વળ્યા નહિ ને ગઢડે ગયા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, દીકરો મરી ગયો અને પાછા કેમ વળ્યા નહીં ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એમાં શું ? એ તો છાણમાં જીવડા પડે ને મરી જાય એવું છે; ત્યાં સાત દિવસ સુધી જમ્યા નહિ અને પાણી પણ પીધું નહીં. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે ક્યાં જમો છો ? ત્યારે બોલ્યા જે, આપનાં દર્શન કરું છું તેમાં બધું આવી જાય છે. અને જે દાણા પાકે તે બધા શ્રીજીમહારાજને સદાવ્રતમાં આપી દેતા. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, થોડાક દાણા છોકરાંને ખાવા સારુ રાખતા હો તો સારું. ત્યારે તે કહે જે, કણબીનાં છોકરાં તો કૂકડાનાં બચ્ચાં જેવાં હોય. જેમ કૂકડાનાં બચ્ચાં ઉકરડામાંથી દાણા ખોતરી ખાય, તેમ તે પૃથ્વીમાંથી પેદા કરી ખાય. માટે એવી ચિંતા શું કરવા રાખવી પડે ? શ્રીજીમહારાજે સંતોને ખટરસનાં વર્તમાન આપ્યાં; ત્યારે પર્વતભાઈ તથા તેમના ઘરનાં સર્વે માણસોએ પણ ખટરસનાં વર્તમાન રાખ્યાં એવો મહિમા સંતનો જાણતા. ઇત્યાદિક ઘણીક વાતો છે તે લખે પાર આવે તેમ નથી. પર્વતભાઈ તો બહુ સમર્થ હતા. શ્રીજીમહારાજે પણ એમને ઘેર બહુ લીલાઓ કરીને ઘણાંક સુખ આપ્યાં છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, પર્વતભાઈમાં શી સામર્થી હતી ? અને શ્રીજીમહારાજે એમને ઘેર શી શી લીલાઓ કરી હતી ? તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ સર્વે સંતોને તથા કાઠીઓને લઈને ગઢડેથી ચાલ્યા તે ફરતા ફરતા અગત્રાઈ આવ્યા. ત્યાં તાપ ગાળવા એક ઝાડ તળે ઊતર્યા, ત્યાં હરિજનોએ ખાટલો લાવીને પાથર્યો, તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા અને સંતો તથા હરિજનો ખેતરમાં મોદ પાથર્યા વિના એમ ને એમ બેસી ગયા. તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારો વ્હાલીડો, કેમ ન આવ્યો ?” એમ બે-ચાર વાર બોલ્યા. એટલામાં પર્વતભાઈ કપાસની સાંઠીઓ ખોદીને આવ્યા ને ખભેથી કોદાળી નાખી દઈને દંડવત કરવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઈને બોલ્યા જે, “મારો વ્હાલીડો આવ્યો.” એમ બે-ચાર ફેરા બોલીને મળ્યા અને પોતાની પાસે મશરૂની ગાદી નાખીને તેમને બેસાર્યા. ત્યારે સર્વ સંત-હરિજનોને સંશય થયો જે આપણે સર્વે પૃથ્વી ઉપર બેઠા છીએ અને આ કણબીને શ્રીજીમહારાજે ગાદી ઉપર બેસાર્યા તે ઠીક ન કર્યું. પછી સાંજ વખતે ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા. પછી ફરતાં ફરતાં જ્યારે પાછા આવ્યા ત્યારે પણ એ ઠેકાણે આવ્યા ને બપોર થયા એટલે ત્યાં જ ઊતર્યા. એવામાં પર્વતભાઈ આવ્યા. તેમની કેડે કરોડો વિમાન આવ્યાં, તે જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, પર્વતભાઈ ! આ લશ્કર ક્યાં ફેરવો છો ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એ તો માગણ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એ ક્યાંથી આવેલા છે ? ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વે નિત્ય મારી કેડે ફરે છે, ને આત્યંતિક કલ્યાણ માંગે છે તેમને આપના ધામમાં મોકલું છું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આમને ધામમાં મોકલો તેને અમે જોઈએ. પછી પર્વતભાઈ એમના સામું જોઈને બોલ્યા જે, જાઓ અક્ષરધામમાં; એટલે બધાં વિમાન જતાં રહ્યાં. તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા ને સંશય ટળી ગયા.
એક સમયે શ્રીજીમહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ ગઢડે ગયા ને પોતાના ખેતરમાં ઘઉં પાકેલા હતા તે એક મુસલમાનને સોંપી ગયા. તે મુસલમાને રાત્રે ઘઉં કાપવા માંડ્યા, તેને પર્વતભાઈએ સોટીઓ મારી. તે દાતરડું અને ઘઉં મૂકીને જતો રહ્યો. જ્યારે પર્વતભાઈ દર્શન કરીને આવ્યા ત્યારે એ મિયાંને કહ્યું જે, અમે તને સોટીઓ મારી હતી. ત્યારે તે સિપાઈએ કહ્યું જે, તમો તો સાક્ષાત્ ખુદા છો, ઇત્યાદિ ઘણી વાતો છે.
હવે શ્રીજીમહારાજે એમને ઘેર લીલા કરી તેમાંથી કિંચિત્ કહીએ છીએ. પર્વતભાઈએ પોતાના દીકરા મેઘજીભાઈનો વિવાહ કર્યો. તેમના દેશમાં ગાવા આવે તેમને ખારેકો દેવી પડે તે પણ પોતાને મળે નહિ; એવો દુર્બળ વ્યવહાર હતો. તેમનાં પત્ની કેસરબાઈએ કહ્યું જે, ખારેકો નથી તેથી કોઈ ગાવા આવતું નથી. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, જો શ્રીજીમહારાજ આપણે ઘેર પધારે તો ઘણાક લોકો ગાવા આવે, માટે તમારાં કલ્લાં મને આપો. પછી તેમણે આપ્યાં. તે કલ્લાં ને એક બળદ વેચીને તેનું સીધું લઈને ઓરડામાં ભરીને પછી ગઢડે આવીને શ્રીજીમહારાજને તથા સંતોને તથા સર્વે હરિજનો ને બાઈ-ભાઈને અગત્રાઈ તેડી લાવ્યા ને શ્રીજીમહારાજને ઢોલિયો પાથરી આપ્યો. તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા. અને પર્વતભાઈ પણ શ્રીજીમહારાજના ઢોલિયા પાસે બેસી ગયા. પણ કોઈની સંભાવના રાખી નહીં. ત્યારે કાઠીઓએ શ્રીજીમહારાજને કહ્યું જે, તમે તો પર્વતભાઈને બહુ વખાણતા પણ હજી સુધી અમારી ખબર તો લેતા નથી. ત્યારે શ્રીજીમહારાજે પર્વતભાઈને કહ્યું જે, કેમ આ સર્વેની ખબર લેતા નથી ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, મહારાજ ! હું તો ગુમાસ્તો છું અને ધણી તો આપ છો માટે એમને ખાવું હોય તો ખાય ને મને પણ આપશે તો હું પણ ખાઈશ. પછી શ્રીજીમહારાજે સર્વે સંત તથા હરિજનોને કહ્યું જે, તમો સર્વે જે સીધું હોય તે બધું વાપરી નાખો ને ખડ-જોગાણ હોય તે બધું ઘોડાને ખવરાવી દો ને બગાડ ઘણો કરો, એટલે પર્વતભાઈ ધણી થશે. પછી એમ કર્યું પણ પર્વતભાઈ તો ઊલટા રાજી થયા. પછી કંસાર-ખીચડીની રસોઈ સંતો પાસે કરાવીને શ્રીજીમહારાજે અખંડ ધારે ઘી પીરસવા માંડ્યું, તે જોઈ પર્વતભાઈ બહુ રાજી થયા અને બોલ્યા જે, મને ન્યાલ કર્યો માટે ‘ન્યાલકરણ બાપો’ એમ શ્રીજીમહારાજનું નામ પાડ્યું, પણ ઘી બગાડ્યું એવો સંશય થયો નહીં. તે જોઈને કાઠી તથા સર્વે સંતો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે, પર્વતભાઈના જેવી આપણી સમજણ થઈ નથી. પછી સર્વે જમી રહ્યા ને સર્વે સીધાનાં વાસણ ઊંધાં વાળી મૂક્યાં, તે બધાં સવારે જ્યારે જુએ ત્યારે સવળાં દેખ્યાં અને ઘી-ગૉળ આદિક સર્વે સામાન ભરેલો જોઈને આશ્ચર્ય પામ્યા. એવી રીતે નિત્ય ખાલી કરે ને નિત્ય ભરાઈ જાય એમ સોળ દિવસ સુધી સર્વે જમ્યા. શ્રીજીમહારાજને રાજી કરવા સારુ લોકો ગાવા પણ બહુ આવતા. અને મેઘજીભાઈનો વરઘોડો ચઢ્યો તે સમયે રોઝો ઘોડો શણગાર્યો ને શ્રીજીમહારાજે પોતાનાં વસ્ત્ર મેઘજીભાઈને પહેરાવ્યાં ને કહ્યું જે, ઘોડે બેસો. ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, હું નહિ બેસું, કાકો બેસે; પછી શ્રીજીમહારાજ ઘોડે બેઠા. પછી વરઘોડો ચાલ્યો ને પાર્ષદો તથા કાઠીઓ બંદૂકોના અવાજ કરવા લાગ્યા ને આગળ વાજાં વાગવા લાગ્યાં અને સ્ત્રીઓ મંગળ ગાવા લાગી. પછી ચાલતાં ચાલતાં જ્યાં સાધુના ઉતારા નજીક આવ્યા ત્યારે ભૂમાનંદ સ્વામીએ વંડી ઉપર ડોકાઈને જોયું ત્યાં શ્રીજીમહારાજને દેખ્યા. તેમણે બધા સંતોને બોલાવ્યા તે સર્વે સંત આવ્યા ને શ્રીજીમહારાજની આગળ થઈ ગયા. શ્રી ભૂમાનંદ સ્વામીએ “સર્વે સખી જીવન જોવાને ચાલો રે” એ કીર્તન ઝિલાવવા માંડ્યું ને વરઘોડો ફેરવીને વેવાઈને માંડવે ગયા ને ત્યાં માંયરું થયું. ત્યારે શ્રીજીમહારાજે મેઘજીભાઈને કહ્યું જે, માંયરામાં બેસો. ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, કાકો બેસે. પછી શ્રીજીમહારાજ મેઘજીભાઈને સાથે લઈને માંયરામાં બેઠા અને ગોરે મેઘજીભાઈને કહ્યું જે, લાંબો હાથ કરો. ત્યારે કહ્યું જે, કાકો લાંબો હાથ કરે; એટલે શ્રીજીમહારાજે કન્યાનો હાથ ઝાલ્યો. તે વખતે શ્રી ભૂમાનંદ સ્વામી બોલ્યા જે, “હાથેવાળો હરિ સંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સફળ કરી લીધો રે.” પછી ફેરા પણ શ્રીજીમહારાજ ફર્યા અને કંસાર પણ શ્રીજીમહારાજ જમ્યા. પછી વર-કન્યાને પર્વતભાઈને ઘેર વળાવવા માંડ્યાં ત્યારે પણ ગાડીમાં મેઘજીભાઈ બેઠા નહીં. તેમને સાથે લઈને શ્રીજીમહારાજ ગાડીમાં બેઠા ને વાજતે-ગાજતે પર્વતભાઈને ઘેર પધાર્યા. ત્યાં કેસરબાઈએ પોંખવા માંડ્યા, ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, કાકાને પોંખો; એટલે શ્રીજીમહારાજને પોંખ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારી આંખમાં દારૂનું કણું પડ્યું છે તે કોઈ કાઢે એવું છે ? પછી મેઘજીભાઈની પત્નીએ તે કણું જીભે કરીને કાઢ્યું. તેને શ્રીજીમહારાજે વર દીધો જે, અમો તમને આ જન્મે જ અક્ષરધામમાં લઈ જઈને અખંડ અમારી સેવામાં રાખશું. એવી લીલાઓ કરીને સુખ આપ્યાં છે તેનો લખે પાર આવે તેમ નથી. ।। ૫૭ ।।