વાર્તા ૨૩૮
સંવત ૧૯૮૨ના માગશર માસમાં બાપાશ્રી પોતાના મોટા દીકરા કાનજીભાઈની તથા નાના દીકરા મનજીભાઈના દીકરા રામજીની આંખો સજ કરાવવા નિમિત્તે કૃપા કરી ગુજરાત દેશમાં પધાર્યા હતા ને સરસપુરના મંદિરમાં ઊતર્યા હતા, ત્યાં જે વાતો કરી છે તે લખી છે.
સંવત ૧૯૮૨ના માગશર સુદ ૧૧ને રોજ સવારે સરસપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૭૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં નિશ્ચયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ સત્સંગનું ખૂંદ્યું ખમે તે આત્મનિષ્ઠા કહેવાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો અપમાન થાય ત્યારે મંડળ મૂકીને બીજે જાય અને ત્યાં અપમાન થાય તો એથી પણ બીજે જાય. અને જો આત્મનિષ્ઠા ખરેખરી હોય તો આચાર્ય, સાધુ, હરિજનનો અવગુણ ન આવે ને પદાર્થ સારુ ભડાભૂટ ન કરે. જો આવો નિશ્ચય શ્રીજીમહારાજનો કર્યો હોય તો “મેરે તો તુમ એક આધારા, તુમ બિન સબ જગ જરત અંગારા.” એવું થાય. અક્ષર પર આનંદ ઘન એટલે અક્ષરથી પર આનંદ ઘન જે પોતાનું તેજ તેમાં શ્રીજીમહારાજ પોતાના મુક્તો સહિત રહે છે, ત્યાં તેજના ફુવારા છૂટે છે, તેમાંથી ખુશબો આવે છે, તે ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે માટે તે મૂર્તિમાં રસબસ થઈ રહેવું. ભક્તિ-સેવા કરીએ તેમાં મહારાજ ભેગા ને ભેગા રહે એવી રીતે કરવી. રસ તો એનો એ છે પણ કડવો લાગે છે, વાંચીને કહી જઈએ પણ તે તરત રહેતું નથી તેમ વર્તાતું પણ નથી. જીવમાં મહારાજનો સાક્ષાત્કાર કરવો તો ડખા-બખેડા થાય નહીં. દેહાભિમાન હોય તો મોટા અનાદિમુક્તનું પણ અપમાન કરી નાખે. જો આત્મનિષ્ઠા થઈ હોય તો બધું દિવ્ય થઈ જાય અને મોટાને વિષે મનુષ્યબુદ્ધિ આવે નહીં. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણમાં મૂર્તિમાંથી વૃત્તિ ડગે નહીં. ત્યારે પરિપૂર્ણ નિશ્ચય થયો જાણવો. સાધન ઉપર બહુ તાન થઈ જાય તો મહારાજને ભૂલી જવાય, પણ જે વસ્તુ ખપે તે વસ્તુ ઉપર તાન રાખવું. નિશ્ચયની વાત અટપટી છે. કહેતાં બીક લાગે છે કેમ જે અવતારાદિકમાં વૃત્તિ જાતી રહે ને બીજે પણ જાતી રહે. આ મહારાજે ધર્મધુર માર્ગ બાંધ્યો છે. સાધનમાં દહાડો જતો રહે, કથા-કીર્તનમાં દહાડો જતો રહે, પણ તેમાં કાંઈ ન વળે ને સુખ પણ ન આવે. મૂર્તિમાં જ સુખ છે. ભૂજમાં અમૃતબાઈને સાધનમાં તાન હતું. તે આ લોકમાં તો વિખ્યાતિ થાય, પણ વળે કાંઈ નહીં. સાધન તો પોતાના પતિને રાજી કરવા સારુ જ કરવાં, પણ તેનો ભાર ન રાખવો. નિશ્ચયરૂપી પાયો પાકો જોઈએ, હલર-વલર કરવું નહીં. ધ્યાન-ભજનમાં તાન રાખીને મૂર્તિ સિદ્ધ કરવી જોઈએ. ધણી હાથ આવે તો રસના આદિકમાં તાન રહે નહીં. જો “વાલા એ રસના ચાખણહાર, છાસ તે નવ પીવે રે લોલ.” જો મૂર્તિનો રસ ચાખ્યો હોય તો બીજા કોઈ પદાર્થમાં તાન રહે નહીં. ખોળીએ તો એ વસ્તુ આ જ છે. કેમ હશે કે નહિ હોય ? ત્યારે સંત બોલ્યા જે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય જગન્નાથ આદિમાં ભટકે. કેમ છે કોચબીન ? ધોતિયાં પહેરવાની કે ખાધા-પીધાની ખબર નહોતી તે હવે થાવા માંડી છે તેની ખબર રાખજો. માયા જગ-ઠગણી છે એમ જાણીએ તોય ફેર પડતો જાય છે. કાલે સાધુએ કહ્યું જે, અમને ન તેડ્યા, તે દેહાભિમાન બોલાવે છે. સમૈયા પામર અને વિષયીને પણ સમાસ કર્તા છે, એકાંતિકને તો પરભાવ ને અવરભાવ એક જ છે, અને ખાવા-પીવામાં માન-મહોબતમાં લેવાય તે પામર અને વિષયીનું લક્ષણ છે. એ સત્સંગમાં અભાવ લઈ લે છે, એ ધર્મરાજાના ઘરના અધિકારી છે. આપણો સિદ્ધાંત શો છે ? કે એનું પણ કલ્યાણ કરવું છે, જે એનું પણ ભલું થાજો. આજ સત્સંગમાં એવા મુક્ત છે જે સંકલ્પમાત્રે કરીને બ્રહ્માંડને ઊંધું કરી નાખે તોપણ પામર ને પતિત જીવનું માન-અપમાન સહન કરે છે તે જીવોના રૂડા માટે છે. આપણે ભેગા થઈએ છીએ તે એ બધું ટાળીને મૂર્તિમાં જોડાવું છે. “પણ ચલ બે રંડી હમ ખાખ બને હૈ.” એમ ન થાવું. મૂર્તિમાં જોડાવું છે. પાકો સત્સંગ થયો હોય તે કોઈ પદાર્થમાં ન જોડાય. કોઈ જાણે જે હું પટેલ છું, દાક્તર છું, પંડિત છું એ બધું મૂર્તિ મળે તો જાતું રહે. આજ એકાદશી છે તે કોઈ ઇન્દ્રિય મૂર્તિ વિના બીજે ન જાય એવું કરવું. કોઈ મૂળીના અધિકારી થાશે, કોઈ અમદાવાદના અધિકારી થાશે પણ સ્વામિનારાયણને ઘેર મોટા થઈએ તો ઠીક એમ નથી થાતું. આ લોકમાં અધિકાર આવે તે તો રાખનાં પડીકાં છે. રસ આદિક પાપમાં લેવાવું નહીં. સાધન કરી કરીને મોટા થયા એ તે કેવડા મોટા થયા ? એમાં કાંઈ સુખ ન આવે. મહારાજની મૂર્તિથી એ સાધનો છેટાં રાખે. આજ મોટા મોટા સત્સંગમાં બેઠા છે, તેમનો જોગ કરીને પૂરું કરી લેવું. આ સભા અક્ષરધામની જ છે અને ત્યાં જ વાતો થાય છે. શ્રીજીમહારાજે નરનારાયણના સમ ખાધા છે, માટે આ સભા અક્ષરધામની જાણે તો સુખના સમુદ્રમાં ઝીલે. દાસાનુદાસ થાય તો મૂર્તિમાં જોડાય. ત્રિવિધના તાપ સહન કરીને મૂર્તિમાં જોડાઈ જાવું, તેમાં સુખ છે. જેમ દૂધ ને સાકર એકરસ થઈ જાય છે, તેમ મૂર્તિમાં રસબસ થઈ જાય તો ત્રિવિધ તાપ ન નડે. ગઈ કાલે સાધુ બોલવા મંડ્યા, તે કાંઈ બોલ્યાની ખબર રહી નહિ, જે અમે કોણ છીએ અને કહે જે, અમને યજ્ઞમાં તેડાવતા નથી. તેમને અમે કહ્યું જે યજ્ઞ તો નિત્ય થાય છે, જો કરો તો. વાચ્યાર્થ કામ ન આવે. લક્ષ્યાર્થ હોય તો કામ આવે. ભગવાનના ભક્ત આજ્ઞા લોપે તેટલું દુઃખ અને પાળે તેટલું સુખ. ।। ૨૩૮ ।।