વાર્તા ૨૨૬

વૈશાખ વદ ૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ તમારા ત્યાગીના ધર્મ જે બાઈ મનુષ્યને ન અડવું, પણ તે બૂડતું હોય તો તેને ઝાલીને બહાર કાઢવાની આજ્ઞા છે; તેમ કોઈની આસુરી બુદ્ધિ થાય ને તે આપણો અવગુણ લે તોપણ આપણે તેનો હાથ ઝાલીને તે સત્સંગમાં આવે એવી રીતે ગમે તેમ કરીને પણ તેનું સારું થાય તેમ કરવું; પણ પડ્યો મૂકવો નહીં. એ આપણો ધર્મ છે. માટે તેનું સારું ઇચ્છવું.

પછી પ્રથમ પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાવ્યું, તેમાં ઘાટ ટાળવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કેમ સંતો ! ઘાટ થયા કરે છે કે કેમ ? ત્યારે સાધુ અક્ષરજીવનદાસજી બોલ્યા જે, ઘાટ ન થાય એવી કૃપા કરશો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાંઈ કરવું નહિ ને આમ ને આમ કરો એમ કહેવું તે ઠીક નહીં. કાંઈક પ્રસન્નતાનાં સાધન કરવાં જોઈએ. પછી બોલ્યા જે, અમારાથી કોઈક જુદા પડે ત્યારે વિચાર થાય જે ત્રણ-ચાર વર્ષ થયાં. પાળી પાળીને થાક્યા અને આવો નીકળ્યો ! પછી તેને કંથેરના કાંટાવાળા ઝાંખરા વળગાડે તો કોઈક ઊભો થાય ને કોઈક થાય પણ નહિ, એટલે પાછો વળે નહિ, તો તેને બહુ ગોદા ન મારવા ને સારું ઇચ્છવું. તેને મૂર્તિ ન જોઈએ અને માયિક વસ્તુ જોઈતી હોય તે આપવી પણ તેને આપણો ગુણ આવે તેમ કરવું. આપણે એવા સ્વભાવ રાખવા પણ તેના જેવા ન થાવું; દયા રાખવી. તેમનું આ જન્મે અથવા બીજે જન્મે પણ અંતે સારું કરવું, વ્યવહાર એવો છે. પછી બોલ્યા જે, સાંભળજો ! આ વાત ખોટી નથી કહેતા. હવે કોઈ આઘા-પાછા થશો નહીં.

પછી તે જ દિવસે સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત વાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને માનસીપૂજા કરીને જાંબુના વૃક્ષ નીચે સર્વે બેઠા. અને સભામાં પ્રથમ પ્રકરણનું ૨૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે એ વાત આવી.

પછી સંતે પૂછ્યું જે, આવી સમજણ આવ્યા પહેલાં ભગવાન નિવાસ નહિ કરતા હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે પણ ઠીકરા આદિકના વાસણમાં ન રહે તેમ પાત્ર થાય ત્યારે શ્રીજીમહારાજ નિવાસ કરે પણ તે પહેલાં નિવાસ ન કરે, તે માટે પાત્રની તારતમ્યતાએ રહે છે.

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, જેના હૃદયમાં ભગવાન નિવાસ કરે તે મુક્ત કેવી સ્થિતિના કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એકાંતિકની સ્થિતિ કહેવાય, કેમ કે એનો દેહ માયાનો છે, તેમાં છે ત્યાં સુધી તે એકાંતિક કહેવાય. જ્યારે એ દેહનો વિયોગ થાય ત્યારે તે પરમએકાંતિક કહેવાય. ।। ૨૨૬ ।।