વાર્તા ૭૬
ફાગણ વદ ૧૧ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૨જું વચનામૃત વંચાતું હતું. તેમાં પરોક્ષના જેવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો સર્વે અર્થ પ્રાપ્ત થાય એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પરોક્ષના જેવો પ્રત્યક્ષનો મહિમા જણાતો નથી, તેથી પૂર્વના ઋષિનું મનાય અને આજના મુક્તનું ન મનાય. ગઢડામાં શ્રી આનંદાનંદ બ્રહ્મચારીએ કહ્યું જે, પૂર્વના ઋષિઓ ઊન, દૂધ, કેળનું પાણી તથા મૃગચર્મ એ સર્વેને પવિત્ર કહી ગયા છે તે મનાય છે. અને હું સાક્ષાત્ શ્રી પુરુષોત્તમનારાયણનો મુક્ત છું, ને હું કહું જે, દૂધ કરતાં ઘેલાનું પાણી પવિત્ર છે ને મૃગચર્મ તથા ઊન કરતાં કપાસ પવિત્ર છે તો તે કોઈ ન માનો; કેમ જે પ્રત્યક્ષનો મહિમા જાણ્યામાં આવ્યો નથી. ભૂજમાં અમૃતબાઈ હતાં તે ચાર મહિના ચીભડાં જમે, ચાર મહિના ગલકાં જમે, ચાર મહિના ભીંડા જમે, એમ પંદર વર્ષ કાઢી નાખ્યાં, એવાં તપસ્વી હતાં. ધર્મમાં પણ એવાં જે કોઈનો પડછાયો અડે કે દોરો અડી જાય તો તે હમીરસર તળાવમાં ટાઢમાં નાહી આવે ને બ્રહ્મચારી પાસેથી છાશ લેતાં તે પણ બ્રાહ્મણના છોકરાને નવરાવીને માર્ગમાં પાણી છાંટતાં છાંટતાં લઈ જાય. એક દિવસે બ્રહ્મચારીએ એ ડોસીને છાશ આપવા અમને મોકલ્યા તે ન લીધી ને કહ્યું જે, બ્રહ્મચારીએ કણબી સાથે છાશ મોકલી તે નહિ લઉં. પછી એ છાશ અમે પાછી લાવીને બ્રહ્મચારીને આપી, તે છાશ એક મોઢ બ્રાહ્મણનો છોકરો નાગોડિયો કૂતરાં રમાડતો હતો તેને નવરાવીને તેની પાસે લવરાવીને પીધી. પછી રાત્રિએ શ્રીજીમહારાજે સ્વપ્નમાં કંસારા સોનીની છાશ લુહાણા પાસે લવરાવીને પાઈ અને પછી કહ્યું જે, કાલે અમારા મુક્તની લાવેલી ન લીધી; ત્યારે આ પીધી તે કોની છે ? અને કોણ લાવનાર છે ? પછી તો ઘણો પસ્તાવો થયો. પછી બીજે દિવસે અમારી પાસે મંગાવીને પીધી અને કહ્યું જે, “તમે તો સાક્ષાત્ અનાદિમુક્ત છો. તે મેં તમને ઓળખ્યા નહિ અને કણબી જાણીને સંશય કર્યો, તેનો શ્રીજીમહારાજે આજ રાત્રિએ મને દંડ દીધો.” માટે વિધિ તો પાળવો પણ ટાણું ઓળખવું ને મુક્ત ઓળખવા, જે આપનારા કોણ છે. પરોક્ષના કરતાં પ્રત્યક્ષના મુક્તની પ્રતીતિ વધારે રાખવી પણ તે મનાતું નથી. ભૂજમાં સુતાર સુંદરજીભાઈએ દેહ મૂક્યો ત્યારે પટારામાંથી શાલ કાઢવા શ્રીજીમહારાજ ગયા ત્યારે એમનાં પત્નીએ કહ્યું જે, મહારાજ ! તમે તમારા ભક્તને અડ્યા છો, માટે પટારે અડશો નહીં. ત્યારે મહારાજે કહ્યું જે, એ તો અમે ભૂલી ગયા. પછી બીજા પાસે કઢાવીને દેન દઈ આવ્યા. જ્યારે મહારાજે પછી દિવ્ય તેજોમય પોતાના અનંત મુક્તે સહિત દર્શન આપ્યાં ત્યારે ખબર પડી ને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! તમે દિવ્ય છો, પણ હું તમારે વિષે દિવ્યપણું ભૂલી ગઈ અને મનુષ્યભાવ આવી ગયો. ત્યારે મહારાજ બોલ્યા જે, અમને ભગવાન જાણીને ઘેર રાખ્યા ને બહુ સેવા કરી પણ જ્યારે ટાણું આવ્યું ત્યારે ભૂલી ગયા. માટે સદા દિવ્યભાવ રહે એવી પાકી દૃઢતા કરવી. એવું ન સમજાય ને મનુષ્યભાવ આવે એટલું નાસ્તિકપણું છે. મોટાને તો નાત, જાત, વર્ણ, આશ્રમ તે કાંઈ છે જ નહીં. એ તો શ્રીજીમહારાજરૂપ છે ને શ્રીજીમહારાજના સંકલ્પથી અત્યારે મુક્ત રૂપે દેખાય છે ને મુક્ત દ્વારાએ શ્રીજીમહારાજ સર્વે સત્સંગને સુખ આપે છે, દર્શન આપે છે, સેવા અંગીકાર કરે છે તથા વાતો કરે છે, માટે જેવા શ્રીજીમહારાજ દિવ્ય છે તેવા જ મુક્ત દિવ્ય છે એમ સમજીને મનુષ્યભાવ આવવા દેવો નહીં. ।। ૭૬ ।।