વાર્તા ૨૩૬

જેઠ સુદ ૬ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો પહેલી વાડીમાં નાહવા પધાર્યા. ત્યાં નાહીને જાંબુના વૃક્ષ નીચે બેસી સર્વેએ માનસીપૂજા કરી અને સર્વે બેઠા. પછી પ્રથમ પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાવ્યું તેમાં ધ્રુવજીએ નારાયણ અસ્ત્રે કરીને એક લાખ ને ત્રીસ હજાર યક્ષ માર્યા એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ધ્રુવજીએ જે યક્ષને માર્યા તે યક્ષનું નરનારાયણના પ્રતાપથી કલ્યાણ થઈ ગયું. ભગવાનનો અને ભગવાનના ભક્તનો એવો પ્રતાપ છે. પછી માનની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માન જીવનું બહુ બગાડે છે. “સાધન સર્વે માન બગાડે પળ વિષે.” માન બધાંય સાધન બગાડી નાખે તોપણ તે માન મુકાય નહીં. મરેલામાંય માન હોય છે. “કનક તજ્યો, કામની તજ્યો, તજ્યો ધાતુ કો સંગ; તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ.” એ સાખી બોલ્યા.

પછી ભાવનગરના હરગોવનભાઈએ પૂછ્યું જે, મરેલા એટલે કેવા જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘરબાર-સંસાર મૂકીને ત્યાગી થાય તો પણ માન રહી જાય તે. માનીથી સંતની સેવા પણ ન થાય. માનને લીધે સાત મન્વંતર સુધી નારદજીએ ગાનવિદ્યા શીખવા દાખડો કર્યો. મોડા-વહેલા માન, લોભ, ક્રોધ, મત્સર, ઈર્ષા, અસૂયા કાઢવા જોઈશે. એ જાય તો જિવાય કેમ ? પછી એક સંતને કહે જે, આમાંનું તમારાથી કાંઈ નહિ નીકળે, તમે એમાં માલ જાણ્યો છે; પણ કરડી ખાય એવો છે. મોટાને જીવ સોંપે તો સર્ગે જાય, પણ જીવ સોંપાય નહિ એટલે તે જાય નહીં. નિર્માનીપણાનું માન આવે, દાસત્વપણાનું માન આવે; જે મૂર્તિમાં રહે તેને તો કાંઈ ન રહે. એને તો શાંતિ શાંતિ રહે ને મહારાજનું સુખ આવ્યા કરે. આ ભેળા થયા છીએ તે શું કરવા થયા છીએ ? માટે તેને આવવા દેવું નહીં. સાવ ગરીબ રાંકડું હોય તેને પણ વખાણે તો ફૂલી પડે. એ માન મુકાશે ત્યારે સુખી થવાશે, તેનો લોભ રાખશે તો સુખી નહિ થવાય. પછી સંતે કહ્યું કે, એવું રાખવાની તો ઇચ્છા કોઈને નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જોગે કરી નીકળે પણ સાંભળેથી અને કહેવેથી ન નીકળે; ખટકો રાખીને કાઢે તો નીકળે. નારાયણ ભક્ત રાજકોટમાં કોલ પીલવા ગયા. ત્યાં એક બાવો મુનિ થઈને બેઠો હતો; તે બોલે કે જમે નહિ, ને કોઈ બે રૂપિયા મૂકે તો મોં ફાડે ને મોંમાં રાખી મૂકે અને ઝોળીમાં રાખ રાખી મૂકે. એક દિવસે રાત્રિએ કૂતરે આવીને ઝોળી ફાડી ત્યારે બાવાએ તે કૂતરાને મારી કાઢ્યો. તે વખતે નારાયણ ભક્તે બૂમ પાડી જે, “મુનિ બાવાને કૂતરે બોલાવ્યા.” એ વાત કરી ત્યારે સંત બોલ્યા જે, અમારા બધાય શત્રુ કાઢી મૂકજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે તો કચ્છમાંથી બધાય લઈ જજો. ત્યારે સંત બોલ્યા જે, તમારે શરણે આવ્યા છીએ માટે ઉગારો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બધાયના સરદાર થઈને જાણે બેસીએ ને બધાયને નિયમમાં વર્તાવીએ તેમ કંઈ ટળે ? જો મેલવા માંડીએ તો બધાય દોષ ટળી જાય. કાઢવા માંડે તો છ મહિનામાં નીકળી જાય ને મૂર્તિ આમ ઇદમ્‌ દેખાય. તમે અહીં શા સારુ આવ્યા છો તે કહો. બધુંય સારું થશે. મારી-કૂટીને બેસારી દેશું અને મૂર્તિનું સુખ આપીશું. ।। ૨૩૬ ।।