વાર્તા ૫

વૈશાખ વદિ ૫ને રોજ વૃષપુરથી કેરે જતાં રસ્તામાં વાત કરી જે, સાધનદશાવાળાને સર્વે પ્રસાદી કરતાં ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. ચરણરજની પ્રસાદીનો મહિમા જાણીને જેને ભૂત વળગેલું હોય તેના માથે નાખે તો ભૂત જતું રહે, ને પાપીને માથે નાખે તો પાપથી મુક્ત થાય, માટે ચરણરજની પ્રસાદી ઉત્તમ છે, પણ આ લોકનાં પકવાન્ન જમાડીએ તે સારાં સારાં ભોજન જમીને રાજી ન થાવું ને શ્રીજીમહારાજની મૂર્તિના રસરૂપી મહાપ્રસાદ લેવો. અને સિદ્ધદશાવાળાને તો સમગ્ર મૂર્તિનું સુખ તે શ્રેષ્ઠ છે.

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, સાધનદશાવાળાને મહારાજ દર્શન આપે છે તે એની મરજી પ્રમાણે આપે છે કે મહારાજની અને મુક્તની મરજી પ્રમાણે આપે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની તથા મોટા મુક્તની મરજી પ્રમાણે દર્શન થાય છે; અને સિદ્ધદશાવાળાને તો એની મરજી પ્રમાણે દર્શન થાય છે. અને જેવાં ઇચ્છે તેવાં સુખ આપે છે. અને સાધનદશાવાળો જે મુક્તને પ્રતાપે સુખ પામે છે તે મુક્તને વિષે તેને ગુરુપણું રહે છે. જેમ શેઠનો ગુમાસ્તો શેઠના જેવો સમૃદ્ધિવાન થાય તોપણ એમ જાણે જે આ શેઠના પ્રતાપે હું સમૃદ્ધિવાન થયો છું, એમ તેનો ગુણ રાખે છે; અને જ્યારે ભેળો થાય ત્યારે શેઠનું સન્માન-વિનય કરે છે. અને વળી જે થકી વિદ્યા ભણે છે તેને વિષે ગુરુપણું રાખે છે. એમ મોટાને વિષે રહે છે, જે આમને પ્રતાપે સુખ મળ્યું છે; એવું ગુરુપણું રહે છે, અને મુખ્યપણે મહારાજ રહે છે. એમ વાતો કરતાં કરતાં કેરે ગયા. અને ત્યાં મૂર્તિ પધરાવી તે વખતે ઘણો ચમત્કાર થયો જે, મૂર્તિમાંથી તેજ છૂટ્યું તે સર્વત્ર વ્યાપી ગયું. એમ કેટલાકના દેખવામાં આવ્યું અને પાછા સાંજ વખતે શ્રી વૃષપુર આવતાં રસ્તામાં વાત કરી જે, અવગુણવાળો જીવ હોય પણ તેમાં કાંઈક ગુણ હોય ખરો. તે ગુણ આપણે લેવો, પણ અવગુણ લેવો નહીં. અને સર્વેને વિષે સમભાવ રાખવો. અને જે પોતાના અનન્ય શિષ્ય હોય તેમને એકલાં પકવાન્ન જમાડવાં એટલે શ્રીજીમહારાજની મૂર્તિ સંબંધી વાતો કરવી; ને સાધારણ જીવ હોય તેને સર્વદેશી જેવી રુચે તેવી વાતો કરવી, જેમ માંદાને ભજિયાં-વડાં કરી આપીએ તેમ. એમ વાર્તા કરતાં કરતાં વૃષપુર આવ્યા. ।। ૫ ।।