વાર્તા ૯૦

સંવત ૧૯૬૭ની સાલમાં ફાગણ માસમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા પ્રાણશંકરભાઈ આદિ હરિજનો તથા મૂળીના સંતો તથા ઝાલાવાડના હરિજનો સર્વે કચ્છ દેશમાં ગયા હતા. તે ભૂજ થઈને ફાગણ સુદ ૧૩ને રોજ શ્રી વૃષપુર ગયા અને ત્યાં ફાગણ સુદ પૂનમે બાપાશ્રીએ વચનામૃતની પારાયણ બેસારી હતી. તે સાત દિવસે પૂરું થયું; પછી દેશાંતરના હરિજનો પોતપોતાને ગામ ગયા. અમે થોડાક સંત તથા હરિજનો ત્યાં રહ્યા હતા, ત્યારે બાપાશ્રીએ વાતો કરી હતી તે નીચે લખી છે :

ફાગણ વદ ૭ને રોજ સવારે પ્રથમ પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં આત્મનિષ્ઠા અતિશય દૃઢ થાય ત્યારે કોઈ રીતે ધીરજ ડગે નહિ એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને આત્મનિષ્ઠા ન હોય તેને મહારાજ અથવા મુક્ત સમાધિ કરાવે ને તેને તેજનો સમૂહ દેખાય તો લાડકીબાઈની પેઠે બીક લાગે. જેમ વરસાદમાં કડાકા થાય ત્યારે બાળક બીએ તેમ. સ્વરૂપનિષ્ઠાવાળાને તો ધ્યાનમાર્ગમાં એ કાંઈ આડું આવતું નથી, એને તો વ્યતિરેક મૂર્તિ એક જ રહે છે; અને જે સમાધિમાર્ગમાં જાય છે તેને પ્રણવ અને નાદ આડા આવે છે. તે પર્વતભાઈ મયારામ ભટ્ટને કહેતા જે, તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તે શ્રીજીમહારાજના ધામથી ઓરાં છે. તમે તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તેની વાત પ્રત્યક્ષ મૂર્તિને મૂકીને શું કૂટ્યા કરો છો ? તુર્યા અવસ્થા તો ધામમાં જાતાં માર્ગમાં આવે છે તે અમે ભાળી છે, એમાં કાંઈ માલ નથી. શ્રીજીમહારાજની મૂર્તિ વિના સર્વે કાચું છે અને પ્રણવ ને નાદ તે પણ મૂળપુરુષના અંગૂઠામાંથી નીકળે છે ને એ સર્વે મૂળપુરુષનું કાર્ય છે; માટે એને સંભારવા નહિ, કેમ જે એ તો સકામ છે. સ્વરૂપનિષ્ઠાવાળાને તો શ્રીજીમહારાજના તથા મુક્તના મુખનાં વચન યથાર્થ સમજાય તે પ્રણવ અને નાદ છે; અને તે નિષ્કામ છે. જે અંતર્વૃત્તિવાળા છે, એ તો ત્રણે અવસ્થામાં મૂર્તિમાં જોડાઈ રહે છે. સમાધિમાર્ગ રસિક છે, પણ એમાં વિઘ્ન છે, તે નવા આદરવાળાને સમાસ કરે પણ એકાંતિકને સમાધિ કામની નથી. આ જીવનું ગજું થોડું ને મહારાજનો મહિમા અપાર, તે શી રીતે જાણી શકે ? મહારાજનો મહિમા જણાય તો સાધનનો ભાર રહે નહિ, અને મહિમા ન જણાય તો જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય આદિ સાધનનો ભાર જણાય. જેમ ભાતું બાંધીને ચાલ્યો તે ભારે મરે અને તેને ખાવાના સંકલ્પ કર્યા કરે, અને જે ખાઈ ગયો તેને ભાર પણ ન રહે ને સંકલ્પ પણ ન થાય; તેમ જેને મહાપ્રભુજીનો મહિમા છે તે સ્વરૂપનિષ્ઠાવાળો છે તે તો મહારાજની મૂર્તિના સુખરૂપી સમુદ્રમાં ઝીલ્યા કરે ને એને કોઈ વિઘ્ન આડું આવે નહીં. સાધનના ભારવાળાને તો કોઈનો અવગુણ પણ આવી જાય, તથા ભૂંડા દેશકાળ પણ લાગી જાય તે કલ્યાણના માર્ગમાં મોટું વિઘ્ન આવે, ને સાધન કરેલાં હોય તે પણ જતાં રહે; માટે સાધન છે તે માગેલાં ઘરેણાં છે તે કોઈક લઈ પણ જાય, માટે સાધનનો ભાર રાખવો નહીં. મહારાજનો ને મુક્તનો મહિમા સમજીને નિષ્કપટ થઈને મોટા આગળ હાથ જોડીને હાજર ઊભા રહેવું તો મોટા એના સર્વે દોષ ટાળીને પોતાના જેવો કરે. જે શ્રીજીમહારાજની આજ્ઞા લોપતો હોય તેના ઉપર શ્રીજીમહારાજ તથા તેના મુક્ત રાજી ન થાય, તેથી તેનું સારું પણ ન થાય; માટે પ્રસન્નતાનાં સાધન કરવાં, એટલે પોતાના મનનું ગમતું મૂકી દઈને મહાપ્રભુજીની ને મોટા મુક્તની અનુવૃત્તિમાં રહેવું. નવા સાધુ કાલે થયા હોય ને તે જો ધર્મવાળા હોય ને શ્રીજીમહારાજને વિષે પ્રીતિવાળા હોય તો તેના દાસાનુદાસ થઈને રહેવું, અને ભગવાન તથા સંતમાં આત્મબુદ્ધિ કરવી. જો ભગવાન ને મોટા સંત તથા તેમનાં કરેલાં શાસ્ત્રને વિષે આત્મબુદ્ધિ ન હોય ને તે સાધુ થયો હોય તોપણ તે માન, મોટપ તથા ખાધા-પીધાને માટે સત્સંગમાં રહ્યો હોય પણ તે ભક્ત નથી એમ જાણવું; અને જેને સત્સંગમાં આત્મબુદ્ધિ હોય તેને ભક્ત જાણવો. ।। ૯૦ ।।