વાર્તા ૩૩
વૈશાખ વદિ ૧૪ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસીને માનસીપૂજા કરી. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ વર્તમાનકાળમાં સ્વતંત્ર મુક્તને મહારાજે મૂક્યા છે. તે પોતાના જેવા જ જીવને સુખિયા કરે છે. સિદ્ધદશાવાળા સાધન કરે છે તે સાધનવાળાને શીખવવા માટે કરે છે. મહારાજની ને મોટાની કિંમત ન જાણવી. મુક્તને કોઈ આવરણ આડું આવે નહીં. સંતદાસજીને કોઈ આવરણ નહોતું. કેરાવાળાં સદાબા કહેતાં જે, હું બાજરીના દાણામાં અનંત મુક્તે સહિત મહારાજને દેખું છું; એટલે જ્યાં જુએ ત્યાં મૂર્તિ દેખે. અગત્રાઈમાં પર્વતભાઈએ કહ્યું જે, અહીં મુક્ત આવે છે. ત્યારે હરિભક્તોએ પૂછ્યું જે, કેમ ખબર પડી ? ત્યારે કહ્યું જે, મુક્ત તો આવરણ રહિત હોય તે માટે દેખે છે. એટલામાં શ્રી ગોપાળાનંદ સ્વામી આવતા હવા. એવા અનાદિમુક્તનો જોગ મળ્યો તેને મુદ્દો હાથ આવ્યો. તેને જ્ઞાનમાર્ગ ન સમજાય તોપણ કાંઈ બાકી રહેતું નથી. મહારાજની કે મોટાની લખેલી વાર્તા સાંભળીએ ત્યારે તેમનો સમાગમ મળ્યો એમ પ્રત્યક્ષ જાણવા. જેમ પક્ષી ઈંડાને સેવે છે તેમ તમોને મહારાજ ને મોટા દૃષ્ટિ દ્વારા સેવે છે. માટે જેમ ભેગા બેઠા હોઈએ ત્યારે જેવો આનંદ રહે છે એવો આનંદ સદાય રાખવો. મોટા મળ્યા પછી શ્રદ્ધા પ્રમાણે સાધન કરવાં. અંતે તેને પૂરું કરાવી દેશું. જે આળસુ થઈને બેસી રહે ને કાંઈ ન કરે તેને વાંધો આવે છે. જેને મોટાનો જોગ ન ઓળખાણો હોય તે વ્રત, જપ આદિક ઘણાં સાધન કરે તોપણ તેને બાકી રહે છે; મોટાના જોગવાળાને થોડાં સાધન હોય તોપણ તેને મોટી પ્રાપ્તિ થાય છે. જે જીવને સંત સાથે હેત અને સમાગમ હોય તે સંત સાધનદશાવાળા હોય તેના અંત સમયે દર્શન થાય છે તે તો શ્રીજીમહારાજ તે સંત રૂપે પોતે દેખાય છે. જે અનાદિમુક્ત છે તથા પરમ એકાંતિકમુક્ત છે તે તો પોતે દર્શન આપીને મહારાજના સુખમાં લઈ જાય છે.
પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જ્યાં સુધી આપ આ પૃથ્વી ઉપર રહો ત્યાં સુધી કોઈ ભક્તને રહેવાનો સંકલ્પ હોય તે સકામ કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સકામ તો ન કહેવાય પણ મહારાજની ને મોટાની મરજી પ્રમાણે રહેવું.
પછી રામગ્રીના પટેલ મલુ રાજાએ પૂછ્યું જે, અંત સમયે સો સદ્ગુરુનું જ્ઞાન જીવને આપે છે એમ કહેવાય છે ત્યારે તો જીવ સદ્ગુરુ થકી પણ વધી ગયો તે કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો હિંમત દેવાનું વચન છે; પણ સદ્ગુરુનું જ્ઞાન તો અપાર છે. ।। ૩૩ ।।