વાર્તા ૧૨૩

વૈશાખ સુદ ૧૪ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. પછી સંતોએ તથા હરિજનોએ ચંદન ઉતારીને બાપાશ્રીને બધે શરીરે ચર્ચ્યું. પછી બાપાશ્રી બોલ્યા જે, આજ અમે નૃસિંહ વેશ બનાવ્યો હે, તે સર્વેના કામ, ક્રોધ, લોભાદિક શત્રુમાત્રનો નાશ કરી નાખ્યો. પછી “પ્રહ્‌લાદ કી અતિ પીડા પિછાની, નૃસિંહ વેશ બનાવ્યો રે.” એ કીર્તનની ટૂંક બોલ્યા અને કહ્યું જે, અમે આજ આ સભાના શત્રુમાત્ર મારી નાખ્યા એ વર આપ્યો. પછી વાત કરી જે, મોક્ષાર્થીને તો અષ્ટસિદ્ધિઓ ને નવનિધિઓ હાજર થાય છે ને વાંસે ફરે છે પણ તેને ગ્રહણ કરવી નહીં. હરિજનો કેટલી મહેનતે પૈસા પેદા કરે છે માટે રસોઈ આપે તોપણ અકેકો લાડુ લેવો ને બીજા રોટલા જમવા; પણ મળે તેટલું ગ્રહણ કરવું નહિ, તો જ મંદવાડ એટલે રાગ જશે ને મૂર્તિ આવશે, પણ રાગરૂપી મંદવાડ ટાળ્યા વિના મૂર્તિ આવે નહીં. માટે રાગ ટાળવા ને સારી વસ્તુનો ત્યાગ કરવો. અમને તો ગુવારનું શાક ને તેમાં છાશ નાખેલી ને બાજરાનો રોટલો અને સાંજે મઠની ખીચડી, એ જ ગમે છે પણ ભારે વસ્તુ ગમતી જ નથી. તમારે પણ એમ કરવું. પણ લાવો વસ્ત્ર, લાવો ગાદી-તકિયા એમ ન ઇચ્છવું. આપણે કોને વર્યા છીએ ? શ્રી પુરુષોત્તમનારાયણને વર્યા છીએ. અબળાએ અબળાને પરણવું નહિ, “અબળા અબળાને શું પરણું સાહેલી રે.” મોટાપુરુષો આગળ ગોળા જમતા ને ગૃહસ્થ પણ કોદરા, બાવટો, બંટી જમતા; માટે બધું ખોટું કરી નાખવું. અમારે તો રોટલી ચોપડાય નહિ, ખીચડીમાં ઘી હોય નહિ, ગળ્યું-ચીકણું કાંઈ ગમે જ નહિ, તેના સાક્ષી તમે છો; માટે આ લોકના વૈભવ ત્યાગ કરવા. આ પાપરૂપ દેહમાં ઘાલીએ તો તેમાં શું વળ્યું ? તાવ આવે છે, તોપણ જમવાનું મુકાવી દે છે, જો મંદવાડનું મુકાવ્યું મુકાય છે, તો શ્રીજીમહારાજનો મહિમા જાણ્યો હોય તો કેમ ન મુકાય ? માટે સર્વે આસક્તિ ટાળીને એક મહારાજની મૂર્તિમાં જોડાવું. આ ભેગા થયા તેનો લાભ તો જ લીધો કહેવાય. દાક્તરી ઔષધ ખાવું નહિ ને અજાણમાં ખવાઈ ગયું હોય તો એક ઉપવાસ કરવો. કોઈકને દેહની સાધ્ય ન હોય ને તેને કોઈકે ખવરાવ્યું હોય તે જ્યારે જાણ્યામાં આવે ત્યારે એક ઉપવાસ કરવો. આજ શ્રીજીમહારાજ પ્રગટ વૈદ મળ્યા છે માટે એમની ઇચ્છા પ્રમાણે જેમ થતું હોય તેમ થવા દેવું પણ ઔષધથી મટાડવાનો સંકલ્પ કરવો નહીં. પછી સર્વે મંદિરમાં આવ્યા. ।। ૧૨૩ ।।