વાર્તા ૧૮૬

જેઠ વદ ૧ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૪૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માન, કામ, ક્રોધ, ઈર્ષ્યા આદિ શત્રુ છે, તેની વહારે ચઢે તો માર ખાય ને શત્રુનું બળ વધે. કોઈકને પ્રાયશ્ચિત્ત કરવાનું હોય ને મોટેરા કરાવે તોપણ માનવાળાને પ્રાયશ્ચિત્ત કરનાર માન આપે તો તેનો પક્ષ રાખે, જે નહિ કરે, એવો અધર્મનો પક્ષ માને કરીને રહે છે; માટે શત્રુમાત્રનો નાશ કરીને ભગવાનની મૂર્તિમાં જોડાવું.

અમે કુંભારિયે ગયા હતા ત્યાં જયરામભાઈ મિસ્ત્રીને ઘેર એક બાવો હતો. તેણે અમને પૂછ્યું જે સંત કોને કહીએ ? ત્યારે અમે કહ્યું જે, તું ઉત્તર કર. પછી એ બાવે કહ્યું જે, “મનકુ છૂટા મૂકે, સો સંત કહીએ.” પછી અમે જયરામભાઈને કહ્યું જે, જુઓ ! તમારા બાવાનો માલ નીકળે છે. પછી જયરામભાઈએ બાવાને કહ્યું જે, ચૂપ ! પછી બાવો બોલતો રહી ગયો; એવું આ લોકમાં ચાલે છે.

સિનોગરામાં કલો મિસ્ત્રી બ્રહ્મજ્ઞાની હતો, તેના છોકરાની સ્ત્રીને બાવો લઈને ભાગી ગયો તોપણ એવા બાવાને ઘરમાં રાખે છે, કેમ કે અમે ફેર સિનોગરે ગયા હતા, ત્યારે પણ બીજો બાવો એને ઘેર બેઠો હતો. એ લોકો ગુરુનો મહિમા એવો વધારે જે, ગુરુ કામી હોય તો શ્રીકૃષ્ણ જેવા જાણવા, અને ક્રોધી હોય તો નૃસિંહજી જેવા જાણવા, અને લોભી હોય તો વામનજી જેવા જાણવા; અને સ્વામિનારાયણ કા સાધુ તો કચ્ચા હૈ તે સ્ત્રી-દ્રવ્યથી દૂર ભાગતા હૈ, એમ બોલે. એ મિસ્ત્રી લોકો આપણા સાધુનો મહિમા તો બહુ જાણે પણ આપણો આશરો કરે નહિ અને સાચી વસ્તુમાં હેત અને વિશ્વાસ ન આવે. અને હરજીભાઈની ને ગોવાભાઈની મા હતાં, તે બાવાને આપવામાં બે-ચાર હજાર કોરી બાર મહિને વાપરતાં. તે હરજીભાઈ તથા ગોવાભાઈ કહેતા કે, શું કરીએ ! બધું કલરમાં (ખારભૂમિમાં) જાય છે પણ જો ન આપીએ તો લોકોમાં ડોસી અમારી ફજેતી કરે. અને કુંભારિયામાં વાલજીભાઈ મિસ્ત્રીના ભાઈ જગમાલ હતા, તેને અમે ને સાધુએ કહ્યું જે, શ્રીજીમહારાજ રાધિકા-લક્ષ્મીના પતિ છે, ત્યારે તેણે ના પાડી. ત્યારે વાલજીભાઈએ કહ્યું જે, “હું યમને રજા આપીશ જે જગમાલને યમપુરીમાં લઈ જાઓ એટલે તને યમપુરીમાં લઈ જશે; કેમ કે સ્વામિનારાયણને તું ભગવાન કહેતો નથી.”

કેટલાક સત્સંગીઓ વ્યવહારમાં ને સત્સંગમાં બહુ મોટા હોય ને શ્રીજીમહારાજે દ્રવ્ય પણ ઘણું આપ્યું હોય તોપણ એ મોટપ સત્સંગમાં ને પરોક્ષમાં બેય ઠેકાણે લોકલાજે વાપરે છે, તેમ આપણે ન કરવું. શ્રીજીમહારાજના આશ્રિતને તો આ સત્સંગમાં જ વાપરવું એટલે મહારાજ ને મુક્ત રાજી થાય તો મોટી મોજ મળે ને સુખિયા થવાય.

વિરમગામમાં મોરાર ઠક્કર છે, તેમની પાસે રૂપિયા એકવીસ હજાર હતા. તે સત્સંગમાં જ વાપરે છે પણ બીજે કોઈ ઠેકાણે એક પાઈ પણ વાપરતા નથી, અને એમ કહે છે જે, મારો પૈસો છે, તે સ્વામિનારાયણનો ને એમના સાધુનો છે; પણ બીજા કોઈનો એમાં ભાગ નથી. પોતાની દીકરીઓ તથા જમાઈ આવે તેમને પણ દાળ, ભાત, રોટલી ખવરાવે અને કહે જે, મારી પાસે જે છે તે સ્વામિનારાયણનું ને સાધુનું છે. તેથી હું મારે હાથે સત્સંગમાં વાપરીને ધામમાં જઈશ, માટે એમાં તમે કાંઈ આશા રાખશો નહીં. જ્યારે છપનો કાળ પડ્યો ત્યારે અમદાવાદના મંદિરમાં આવીને કહ્યું જે, મારી પાસે એકવીસ હજાર રૂપિયા છે તે તમારા છે. માટે બસો-ચારસો જેટલા સંત હોય તે વિરમગામ પધારો ને ત્યાં જમો, ને ભગવાન ભજો ને ભજાવો. એમનો એવો મહિમા હતો તો સત્સંગ વિના બીજે ક્યાંયે પોતાની મોટપ જણાવી નહિ; માટે એવા સત્સંગી થાવું.

જ્યારથી વર્તમાન ધરાવ્યા ત્યારથી તન, મન, ધન, અનેક જન્મનાં કર્મ એ બધું શ્રી સ્વામિનારાયણને અર્પણ કર્યું. માટે ત્યારથી સ્વામિનારાયણ ધણી થયા; તો તે ધણીનું નામ લઈને પછી બીજાને કેમ અપાય ? તોપણ કેટલાક માને કરીને પરોક્ષમાં વાપરે છે. માન એવું છે કે તેણે કરીને મોટાની મોટપ પણ સહન થાતી નથી. આપણે સંવત ૧૯૭૨ની સાલમાં ચૈત્ર માસમાં છપૈયે જતા હતા ત્યારે અમદાવાદમાં કેટલાકે અવિદ્યા કરી. ત્યારે ગાંગજી પટેલે કહ્યું જે, આપણે પાછા કચ્છમાં ચાલો; છપૈયે જવું નથી. તેથી આપણે ધનજી પટેલ સિદ્ધપુર ગયા હતા તેમને તાર કરીને પાછા બોલાવ્યા, તે અમદાવાદ આવ્યા. પછી બધાએ મળીને વિચાર કર્યો જે આપણે પાછા જાવું. ત્યારે એમ કહ્યું જે, શ્રીજીમહારાજ જીવોનાં કલ્યાણ કરવા પધાર્યા હતા, તેમનું અસુરો અપમાન કરતા, તોપણ કલ્યાણ કરવા પડ્યા મૂકીને પાછા ગયા નહિ, એમ આપણે છપૈયે જવા આવ્યા છીએ તે છપૈયે જઈશું; પણ કોઈના રોક્યા રોકાશું નહીં. પછી છપૈયે ગયા અને ત્યાં આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પધાર્યા હતા અને ત્યાં પારાયણ બેસારીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી ને જયજયકાર થયો. ।। ૧૮૬ ।।