વાર્તા ૨૨૦

વૈશાખ વદ ૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે અનુભવજ્ઞાન સાક્ષાત્કાર થાય ત્યારે વિઘ્ન ન થાય. બ્રહ્મા-નારદને આવી પ્રાપ્તિ નહોતી. આજનો પ્રતાપ બહુ મોટો છે. તમને તો બહુ મોટી પ્રાપ્તિ મળી છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ એ ત્રણે મળીને એક ગામડાનું કામ ચલાવે છે, એના ઉપરી વૈરાજ છે, તે બ્રહ્માંડરૂપી ગામડાના અધિપતિ છે. એના ઉપરી અહંકાર છે, એના ઉપરી મહત્તત્ત્વ છે, એના ઉપરી પ્રધાનપુરુષ છે અને એવા અનંત પ્રધાનપુરુષોના ઉપરી મૂળપુરુષ ઈશ્વર જે શ્રીકૃષ્ણ તે છે, એવા અનંત શ્રીકૃષ્ણના ઉપરી વાસુદેવબ્રહ્મ છે, એવા અનંત વાસુદેવોના ઉપરી અક્ષર છે જેને મૂળઅક્ષર કહે છે તે. અને આ તો એવા અનંતકોટિ મૂળઅક્ષરોરૂપી બ્રહ્માંડના ઉપરી મહારાજાધિરાજ છે તે આપણને મળ્યા છે.

પછી હરિજનો પ્રત્યે બોલ્યા જે, તમારે સંતનાં દર્શન કરવાં, સમાગમ કરવો, પણ જ્યારે કોઈક વખતે ભેખ મળે અને અવળું સમજાવે ત્યારે હા સ્વામી, હા સ્વામી એમ ન કરશો. ઊભા થઈ રહેવું, પણ કૂદકા મારવા નહીં. એવાનાં દર્શન ને સમાગમનો ત્યાગ કરવો. જીવનું ગજું શું જે ભગવાનને ને ભગવાનના ભક્તને ઓળખી શકે ? આપણે સ્વામિનારાયણને ઘેર જાવું છે તે આવરણ ઘણાં હોય, તે ન જાણ્યાં હોય તો ક્યાંય બંધાઈ જવાય. જુઓને ! શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક આદિ બંધાઈ ગયા ! માટે ભગવાનના ભક્તે સરત રાખવી. ભારાસરના હરિભક્તો છે તે અમારો મહિમા બહુ જાણે છે અને અમારી મરજી બહુ સાચવે છે અને અમારા વ્યવહારમાં પણ બહુ કામ આવે છે. પછી વાત કરી જે ભગવાનના ભક્ત મોટા હોય તેની અંત વખતની સ્થિતિ જોઈને મનમાં સંદેહ લાવવો નહીં. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના જેવા ચોવીસ મંદિરમાં એકેય નથી એવા એ હતા. તેમને કેટલાક કહે છે કે બ્રહ્મચારી બહુ દુઃખી થયા તે અણસમજણથી કહે છે. એવા વખતના જાણનારા તો એક સ્વામી અક્ષરજીવનદાસજી હતા, તે કહેતા કે આ દિવ્ય મૂર્તિઓમાં એવી નજર કરશે તો જીવ નીકળી જશે - આંખો નીકળી જશે... અને કેટલાક બોલતા કે કચરો ભક્ત ભૂત થયા છે. ત્યારે અમે કહ્યું જે એ તો ત્રણે અવસ્થામાં ભગવાનને દેખતા, એ ભૂત થયા ત્યારે તમે  ક્યાં જશો ? પછી તો બધાય ચૂપ રહ્યા. આજ તો ભૂજના મંદિરમાં ભૂતને નાળિયેરમાં રાખીને કથા સંભળાવે છે, તેથી અમે કહ્યું જે, હવે મઠ બનાવ્યો. ત્યારે સાધુ બાળકૃષ્ણદાસે કહ્યું જે, અમારા મંદિરમાં કોરીઓની ઊપજ થાય છે માટે અમે ભૂત મંદિરમાં રાખીએ છીએ. ત્યારે અમે કહ્યું જે તમને ભગવાનનો નિશ્ચય નથી. જો ભગવાનનો નિશ્ચય હોય તો આવી ક્રિયા ન થાય. હજી તો માયાનો નિશ્ચય છે અને માયાને પ્રભુ માની છે, એમ અમે વઢ્યા. નિર્ગુણાનંદજી બ્રહ્મચારી માંદા હતા, તેમને અમારા જાણીને એ બ્રહ્મચારીની સેવામાં સાધુ આવતા નહિ; તે સાધુની બુદ્ધિ ઓછી સમજવી. તે ભૂજના સાધુઓને અમારો મહિમા નથી એટલે પાછળથી ગલોલા ફેંકે, પણ અમારી રૂબરૂ તો કાંઈ ન બોલે. હાલ તો અમારા દાબથી દબાઈ ગયેલ છે, તે જ્યારે અમે અદૃશ્ય થઈશું ત્યારે તેમના વર્તન જેવા છે તેવા જણાઈ આવશે. પછી સાંજના બાપાશ્રી, સંત-હરિજનોએ સહિત વૃષપુર પધાર્યા. ।। ૨૨૦ ।।