વાર્તા ૧૭૪

વૈશાખ વદ ૪ને રોજ સવારે સભામાં સારંગપુરનું ૨જું વચનામૃત વંચાતું હતું. તેમાં પરમેશ્વર તથા મોટા સંત તે યોગ્ય અથવા અયોગ્ય વચન કહે તે તત્કાળ સ્નેહે સહિત માનવું એમ આવ્યું.

ત્યારે મોડાસરના માસ્તર લલ્લુભાઈએ પૂછ્યું જે, સંતનું અયોગ્ય વચન કયું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગુરુ હોય તે પોતાના શિષ્યને ગુણમાં આવીને શિખામણ દે તે અયોગ્ય વચન કહેવાય, અને શુદ્ધ સત્ત્વગુણમાં એટલે નિર્ગુણ થઈને બોલે, વઢે તે યોગ્ય કહેવાય. શિષ્ય હોય તે ગુરુનું અયોગ્ય વચન માને તો તેને શ્રીજીમહારાજનું વચન પળે અને વચનના માર્યા જુદા ન પડે તો, તે શૂળીનું દુઃખ સહન કર્યું કહેવાય. જે શિષ્ય હોય તેણે ગુરુ આગળ યુક્તિ ન કરવી ને ખટપટિયા ન થાવું અને અગડમ્‌ બગડમ્‌ ન કરવું. જેવા માંહી તેવા બહાર રહેવું, પણ લેશમાત્ર કપટ ન રાખવું તો ગુરુ તથા મહારાજ રાજી થાય અને મોક્ષ થાય; માટે ચોખ્ખા થઈને ધામમાં જાવું. અગડમ્‌ બગડમ્‌ કામ નહિ આવે, ધામ નહિ મળે ને મળશે ધક્કા, એવું થાશે. આવા ગુરુ ને આવા મહારાજ મળ્યા, ત્યારે શીદ ચોખ્ખા ન થાવું ? એ તો થાવું જ. ગોબરા ગુરુનો ત્યાગ કરવો. પણ ગુરુ-શિષ્યે એકબીજાની મહોબત ન રાખવી. જે ગુરુ સેવા કરાવે ને મોક્ષ પણ કરે એવા ભેળા રહેવું. એક સડેલ સરખી ચીજ ન મુકાય તો મોટાને ને મહારાજને શું રાજી કર્યા ? તેને તો સાધુનો માર્ગ જ હાથ નથી આવ્યો, માટે સડેલ ગુરુનો ને સડેલ શિષ્યનો ત્યાગ કરવો. વહેલા ઊઠી, નાહી-ધોઈને, પૂજા કરીને હરિભક્તને કથા-વાર્તા કરવી તે સેવા કહી છે. આ જ્ઞાન જેને થયું હોય તેને કદાપિ વાસના રહી જાય ને ઇન્દ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો ત્યાં પણ આ જ્ઞાન રહે છે. ને પછી પસ્તાવો કરીને એ લોકને મૂકીને અહીં આવીને મોક્ષને માર્ગે ચાલે છે ને પછી કલ્યાણ થાય છે, એવું આ જ્ઞાનનું મહાત્મ્ય છે.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આવો જોગ મળ્યો તોપણ આળસ ને પ્રમાદ કેમ રહેતાં હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રથમ તો નિશ્ચયમાં કસર છે, ને બીજી મહિમામાં કસર છે ને ત્રીજી શ્રદ્ધા ઓછી છે, તેથી આળસ ને પ્રમાદ રહે છે. જો મહારાજને ને અનાદિમુક્તને સાથે ને સાથે રાખે તો સત્સંગ દિવ્ય જણાવે ને નિશ્ચય ને મહિમા તે યથાર્થ દૃઢ કરાવે, એટલે આળસ, પ્રમાદ આદિ સર્વે દોષથી રહિત થવાય. એમ કહીને પછી બોલ્યા જે, સાંભળજો ! અલીખાં પઠાણે જેતલપુરમાં છ મહિના શ્રીજીમહારાજની વાતો સાંભળી અને બધી કહી સંભળાવી અને સંતોથી કહેવાણી નહીં. એવા શ્રોતા હતા, માટે એવા શ્રોતા થાવું.

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજને મહાત્મ્યજ્ઞાને સહિત જેવા છે તેવા જાણતો હોય ને મુક્તને પણ જેવા છે તેવા જાણતો હોય પણ આત્માને વિષે સાક્ષાત્‌ દેખાતા ન હોય, તે ભક્તનાં ઇન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થયાં કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્ત થકી જ્ઞાન પામ્યો તે જ્ઞાન દિવ્ય છે, માટે તે મૂર્તિને દેખે નહિ તોપણ તે પુરુષોત્તમરૂપ થયો છે, કેમ જે અહીં મનુષ્ય રૂપે શ્રીજીમહારાજ કે અનાદિમુક્ત વિરાજતા હોય તેમને વિષે એને દિવ્યબુદ્ધિ થઈ ગઈ છે, માટે તે પુરુષોત્તમરૂપ થઈ ગયો છે પણ જો આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ ન થાય તો. એમ કહીને બોલ્યા જે, તમને બધાયને મૂર્તિમાં મૂક્યા છે ને દેહમાં ક્રિયા મહારાજ કરે છે માટે જેવો જોગ તમને મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. પણ ગાંડાને ગાદી જેવું ન થવા દેવું. આ સુખ મોટું મળ્યું, પ્રાપ્તિ મોટી મળી, ધણી મોટા મળ્યા, તોપણ વલખાં કરે ને અકળાય જે મારે કાંઈ નથી. પણ શું નથી ? બધુંય આ સભામાં છે, પણ તેનો મહિમા નહિ એટલે પરભાવમાં જોવા ઇચ્છે છે; પણ બધું અવરભાવમાં છે એમ ન સમજાય, તેથી અક્ષરધામની વાટ જુએ, ને સભાની ને મૂર્તિની વાટ જુએ, જે અક્ષરધામમાં જ્યારે જઈશું ત્યારે દેખશું. એ અજ્ઞાન છે ને એટલી નિષ્ઠામાં કસર છે. સુખમાત્ર બધું આ સભામાં છે પણ મફતનું અપૂર્ણપણું રાખે છે. શ્રીજીમહારાજ અને અનાદિ તથા પરમ એકાંતિકમુક્ત આ સભામાં દર્શન આપે છે, અને વળી સમર્થ થકા જરણા કરે છે જે, કોઈ અલ્પ જીવ માન-અપમાન કરે તેને સહન કરે છે; પણ જીવને નાસ્તિકપણું છે તેથી દિવ્ય જાણતા નથી. સત્સંગમાં બધું છે, તે વળી ક્યાંઈક નહિ પણ અહીં જ છે, ખોળવા જશો નહીં. આવા પુરુષ ને આવા સંત કહેનારા ક્યાંથી હોય ? આ મુક્ત તો શ્રીજીમહારાજના પડછંદા છે. શ્રીજીમહારાજને આત્માને વિષે પધરાવ્યા એટલે બધા દેવતા ઠેઠ અક્ષર સુધીના ઊઠી ગયા, ને એક મહારાજ દેવતા થયા, અને બધું કર્તાપણું મહારાજ દ્વારે જીવને રહ્યું તે વ્યતિરેકપણે રહ્યું; પણ અન્વયપણે નહીં. અન્વયપણે તો અક્ષરકોટિથી લઈને જીવકોટિ સુધી જ. આ તો વ્યતિરેકપણે એટલે મૂર્તિમાન આત્માને વિષે રહીને સર્વે ક્રિયા કરે છે. જેમ લોકમાં ગરબા કરે છે, તેમાં કાણાં કરે છે ને માંહે દીવો મૂકે છે, તેનું અજવાળું કાણાંમાં દેખાય છે; તેમ આત્મામાં શ્રીજીમહારાજ રહીને સર્વે ઇન્દ્રિયોમાં ક્રિયા કરે છે. નેત્રે જુએ છે, પગે ચાલે છે શ્રોત્રે સાંભળે છે, એમ સર્વે ક્રિયા મહારાજ કરે છે. આવા મોટાનો વાયરો અડીને જેના ઉપર આવે તેનો મોક્ષ કરે છે. જેમ પુષ્પાદિકની ખુશબો આવે છે તેમ મહારાજનો ને મોટાનો સ્પર્શ થાય તેને તેમનું સુખ આવે છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે, કેમ કે મહારાજ ને મુક્ત એના આત્મામાં વિરાજે છે; માટે અકેકામાં અનેક અનેક થયા. સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં ભૂજના સભામંડપની લખણી કરવા આવ્યા હતા. તેમની સાથે અમો ગામ જતા હતા, તે રસ્તામાં જતાં એક વળાંકમાં સંતો આગળ જતા રહ્યા અને અમે તથા સ્વામી રહી ગયા એટલે સ્વામીએ સંતોને લાકડી ઊંચી કરીને ઊભા રાખ્યા ને બોલ્યા જે, અનંત સાધુ આપણા ભેળા છે એવા આપણે બે છીએ, તોપણ આ લોકનું રાખવું પડે છે; નહિ તો આપણા ભેળા કરોડો કરોડો મુક્ત છે, એટલા કહીએ તોયે થોડા કહેવાય, તોપણ સાધુને ઊભા રાખવા પડ્યા; કારણ કે શ્રીજીમહારાજે ધર્મપ્રબંધ બાંધ્યો છે તે મોટા મુક્ત પાળે તો જ સાધનિક પાળે એમ બોલ્યા.

પછી વળી સ્વામીએ કહ્યું જે, આવા ને આવા સદા અમારા ભેળા રહેજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આવા ને આવા સદાય ભેળા રહીશું પણ તમે ભેળા રાખજો, એટલે અમને સદાય પાસે જાણજો. અને  આજ્ઞા નાની-મોટી લોપાતી હોય તો એમ જાણીએ જે આ આવ્યા, તો આવીને ઊભા રહીશું. આજ્ઞા પાળે તો અમે વગર બોલાવે આવીએ, માટે આજ્ઞા પાળવી, પણ એમ ન જાણવું જે  એ હતા ત્યારે હતા ને હવે નથી. જો એમ જાણે તો આજ્ઞા લોપાય, માટે સદા સાથે છે એમ જ જાણવું. ।। ૧૭૪ ।।