વાર્તા ૮૪
ચૈત્ર સુદ ૧ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, એક સમયને વિષે કાંકરિયાના ઉગમણા ગરનાળા ઉપર ચાર સદ્ગુરુઓ સાથે શ્રીજીમહારાજ રમત કરતા હતા. તે પોતાની હથેળીમાં બબ્બે સદ્ગુરુઓને રાખીને વારાફરતી ઉછાળે. તે આકાશમાં જઈને પાછા આવીને હથેળીમાં પડે. એમ રમત કરતાં કરતાં શ્રી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઉછાળ્યા, તે ગંગામા રસોઈ કરતાં હતાં તે ચોકામાં જઈને પડ્યા; ત્યારે ગંગામાએ કહ્યું જે, અમને બેયને ઉપવાસ પાડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને સ્ત્રી-પુરુષનો ભેદ અને વિકાર છે કે નથી ? ત્યારે કહે જે, અમે તો મુક્ત છીએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, મુક્ત છો પણ તમો તમારી મેળે એકબીજાને અડો તો ઉપવાસ કરવો પડે, પણ આ તો અમે તેમને ચોકામાં નાખ્યા માટે તમારે બાધ નહીં.
એક સમયને વિષે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા લક્ષ્મીરામભાઈને પૂછ્યું જે, તમે બેય મુક્ત છો; તે અમોએ એક માસથી સાધુ કર્યા છે, તેમના ભેળા જેમ અમારાથી ચલાય તેમ તમારા ભેળા ચલાય કે નહીં ? ત્યારે અમોએ કહ્યું જે, આ લોકમાં સત્સંગનું ધોરણ છે, પણ શ્રીજીમહારાજ આગળ ગુનેગાર નહીં. મુક્ત તો એકલા હોતા જ નથી. અકેકા મુક્તમાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે. તે ‘ભક્તચિંતામણિ’ના બાવનમા પ્રકરણમાં પરમહંસનાં નામ કહ્યાં છે, તેમાં “એક એક નામમાં, માનો મુનિનાં વૃંદ છે” એમ કહ્યું છે. તે શ્રી મુક્તાનંદ સ્વામીને વિષે શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી બ્રહ્માનંદ સ્વામી તથા શ્રી નિત્યાનંદ સ્વામી આદિક અનંત મુક્ત રહ્યા છે, તેમ જ શ્રી ગોપાળાનંદ સ્વામીને વિષે પણ અનંત મુક્ત રહ્યા છે; તેમ જ એક એક મુક્તને વિષે અનંત અનંત મુક્ત રહ્યા છે માટે અકેકા નામમાં મુનિનાં વૃંદ રહ્યાં છે એમ કહ્યું છે. માટે તમો તો એકલા હો જ નહિ, તમારી મૂર્તિમાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે તેથી તમે એકલા નથી; સર્વે ભેળા છે, તોપણ શ્રીજીમહારાજની આજ્ઞા છે જે બે સંતે ભેળા ચાલવું; માટે સંત ભેળા જ ચલાય અને પાર્ષદ ભેળું પણ ન ચલાય. કોઈકને ઘેર જવું હોય તો પાંચ સંત વિના ન જવાય ને મુક્તદશાને પામ્યા હોય ને શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ દેખતા હોય પણ સાધુને વેશે ન હોય તો ભેળું ન જવાય ને એકલા પણ ન ચલાય. ।। ૮૪ ।।