વાર્તા ૧૭૬
વૈશાખ વદ ૭ને રોજ સવારે બાપાશ્રીને તાવ આવ્યો હતો તે પડખાભર સૂતા હતા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, એ રોગ મને આપો ને આપ વાતો કરો. પછી બાપાશ્રી બોલ્યા જે, એ તો સકામ થવાય માટે ન અપાય. અમે તો સ્વતંત્ર છીએ ને દિવ્ય મૂર્તિ છીએ, ને અમારી ઇચ્છાથી ક્યારેક માંદા દેખાઈએ, ક્યારેક સાજા દેખાઈએ, ક્યારેક અદૃશ્ય થઈએ, ને ક્યારેક પ્રગટ થઈએ એવા સમર્થ છીએ. જેમ રાજા હોય તે તમારા જેવાં લૂગડાં પહેરીને તમારા ભેળો બેઠો હોય તેને કોઈ ઓળખી શકે નહીં. તેમ આ મુક્ત તમારા ભેળા મનુષ્ય રૂપે થઈને બેઠા છે, તે ઓળખી શકાય નહીં. અમારે દર્શને, સ્પર્શે ને સંકલ્પે કરીને અનંત જીવનો ઉદ્ધાર થાય છે. એમ કહીને પછી વાત કરવા માંડી જે, ભગવાનના ભક્તે ત્રિવિધ તાપમાં અંતર ડોલવા દેવું નહિ, તે કિયા તો અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ. તેમાં અધ્યાત્મ એ જે, દેહમાં ઘાસણી (સંગ્રહણી) રોગ થાય તે અધ્યાત્મ. અને રાજાનો ઉપદ્રવ જે પકડો, ઝાલો, બાંધો, મારો, કેદ કરો એવું રાજા સંબંધી દુઃખ આવી પડે તે અધિભૂત. અને સો વર્ષ લગી લાગટ કાળ પડે એવું દુઃખ આવે તે અધિદૈવ, એવા દુઃખમાં રાજી રાજી રહે; પણ ભગવાનની મૂર્તિ મૂકે નહીં. આવો પ્રશ્ન એક સમયે સદ્. નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય પુરાણી શ્રી કૃષ્ણદાસજી અહીં આવ્યા હતા તેમને ખોજાએ પૂછ્યો હતો તેનો અમે આવો ઉત્તર કરી આપ્યો હતો. કેમ ઈશ્વરબાવા! તમને સાંભરે છે કે નહીં ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, હા. ઓગણપચાસ (૧૯૪૯)ની સાલમાં અમે અહીં આવ્યા હતા, ત્યારે ભારાપરના ખોજા આવ્યા હતા, તેમણે પૂછ્યું હતું અને આપે ઉત્તર કર્યો હતો. પછી બાપાશ્રી બોલ્યા જે, અમારું તો એવું છે, તમારા સંસ્કૃતમાં અમે કાંઈ ન જાણીએ.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, આપણાં મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે તેને કેટલાક એમ કહે છે જે, સત્પુરુષના લાવ્યા ભગવાન આવે છે તો તો ભગવાન કરતાં સત્પુરુષ વધે, માટે તે કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ સત્પુરુષને વશ થઈને પોતે સાક્ષાત્ વિરાજમાન થાય છે, પણ મુક્ત તો સેવક છે ને મૂર્તિઓ તો સ્વામી છે. જે મુક્ત હોય તે મૂર્તિઓને પોતાના સ્વામી માને છે, અને જે આધુનિક સાધનદશાવાળા છે તે તો મૂર્તિથી સત્પુરુષને વિશેષ જાણે છે પણ તેની સમજણ ખોટી છે.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, મૂર્તિ પધરાવનાર એમ જાણે જે હું મૂર્તિથી વિશેષ છું, તેનું શું થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને વિષે માયિક ત્રણ ગુણ હોય, તે મૂર્તિથી પોતાને વિશેષ માને ને બીજા આગળ એમ બોલે, પણ તે નાસ્તિક છે, અને તેનું તથા તેની વાત સાંભળીને તેવી રીતે સમજનારનું કલ્યાણ થાય નહીં. તે જ દિવસે સાંજે કુંભારિયેથી સિગરામ તથા ગાડાં તેડવા આવ્યાં. ।। ૧૭૬ ।।