વાર્તા ૮૦
ફાગણ વદ ૧૪ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહિમામાં જ સુખ છે માટે પંચવર્તમાને યુક્ત એવા ને શ્રીજીમહારાજના યથાર્થ નિશ્ચયવાળા સંત-હરિજનનો મહિમા સમજવો. આજ અમે જીવોના ઉપર દયા કરીને શ્રીજીમહારાજના સંકલ્પથી દર્શન આપીએ છીએ તે મહિમા ન કહીએ તો જીવના જાણ્યામાં શું આવે ? અને શી રીતે જીવ ભગવાનને અને મુક્તને વળગે ? માટે જીવના ઉપર દયા કરીને મહિમાની વાતો કરીએ છીએ. પણ અમારી સારપ વધારવા સારુ અમારો મહિમા નથી કહેતા. અમે તો સદા મૂર્તિમાં સુખ ભોગવીએ છીએ ને મૂર્તિના સુખમાં જ કલ્પેકલ્પ વીતી જાય છે માટે અમારે આ લોકની મોટપ કે પ્રસિદ્ધિ સારુ વાત નથી કરવી. અમારે તો સદા મૂર્તિનું સુખ છે, પણ દેહ નથી. આ તો શ્રીજીમહારાજની ઇચ્છાથી દેહ દેખાય છે ને શ્રીજીનો સંકલ્પ છે તેથી વાતો કરીએ છીએ; કેમ જે તમને સર્વેને અમારા જેવા કરવા છે. તે જ્યારે માયાનો પડદો તાણી લઈશું ત્યારે માયા ગોતી પણ જડશે નહિ, ને બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ પણ ક્યાંય મહાપ્રભુજીના તેજની કિરણોમાં લીન થઈ જાશે. એક મહારાજની મૂર્તિ ને મુક્ત એ બે જ રહેશે; માટે કેડ બાંધીને ધ્યાન કરવા મંડી જવું. જેમ શેરડી કરનારને દાખડો કરવો પડે છે તેમ ધ્યાન કરવામાં દાખડો કરવાનો આગ્રહ હોય તેને મોંઘી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે મળે છે. પણ જીવના સ્વભાવ બાળકની પેઠે રમતિયાળ છે, તે મૂર્તિ ભૂલીને બીજે ડોળે ચઢી જાય છે; જેમ મહારાજના બાળકેશ ઉતરાવ્યા ત્યારે બ્રાહ્મણોને જમાડવામાં મહારાજને ભૂલી ગયા, તેમ મહારાજની મૂર્તિને ભૂલીને બીજું સંભારવું તે ડોળે ચઢી ગયા એમ જાણવું. આવા મહારાજ ને આવું એમનું સુખ છે ને આવા એમના મુક્ત છે એમ મોટા થકી જાણીને પણ કામ, ક્રોધ, લોભ, માન એ આદિકમાં જીવ દોડીને જતો રહે છે તે હલરવલર કહેવાય, પણ તેમાં દુઃખ, દોષ ને નાશવંતપણું જાણતો નથી. આવો એકાંતિક માર્ગ હાથ આવવો ઘણો કઠણ છે. તરત હાથ આવે એવો નથી, તે તમને મળ્યો છે. તે પૂર્વનાં ઘણાં સુકૃત છે તો આવો મોટાનો જોગ મળ્યો છે, તેથી કૃતાર્થ થઈ ગયા છો. આ માર્ગ જેને હાથ નથી આવ્યો ને તે સત્સંગમાં છે તોપણ સુખિયા નથી. તે પોતાને મને કરીને સુખ માને છે, પણ લેશમાત્ર સુખ નથી. જ્યારે પરભાવને પામે ત્યારે આ સુખ મળે છે. આવી શાંતિ જેમની વાતે કરીને થાય છે ત્યારે એમના અંતરમાં મહારાજનું સુખ છે એમ જાણવું. જેમ વરસાદમાંથી વાયુ ટાઢો આવે છે અને લૂકમાંથી ઊનો આવે છે તેમ જેના અંતરમાં મૂર્તિ ન હોય ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક અનંત ગુણ હોય તોપણ તેની વાત લૂખી આવે; તે કોઈને શાંતિ કરે નહીં. જેમ મોગરા, જૂઈ, જાઈ, કસ્તૂરી આદિકની સુગંધી આવે છે; તેમ જેના ભેળા મહારાજ હોય તેની વાતમાં શાંતિ, સુખ અને આનંદના ફુવારા આવે છે ને સુખિયા કરી મૂકે છે. ।। ૮૦ ।।