વાર્તા ૧૪૮

મહા વદ ૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જો શ્રીજીમહારાજને અંતરમાં પધરાવે તો સૂક્ષ્મ ઘાટ થવા પામે નહીં. ધણી માંહી ન હોય તો લૂખો લાગે ને તેની કિંમત પણ કાંઈ નહીં. માટે અખંડ સ્મૃતિ રાખીને મૂર્તિને જોઈ રહેવું. લૂંટનાર ઘણા છે માટે શ્રીજીમહારાજ અને તેમના મુક્તને મુકરદમ રાખવા. ધ્યાન-ભજનમાં, માનસીપૂજામાં શ્રીજીમહારાજને અને એમના મુક્તને સંભારવા. અંતઃકરણ શુદ્ધ થાય તો બ્રહ્મરૂપ થવાય ને શ્રીજીમહારાજ  સાક્ષાત્કાર બિરાજમાન થાય. જેમ કાચની પૃથ્વીમાં સૂર્ય દેખાય તેમ અંતઃકરણ ચોખ્ખું થાય તો શ્રીજીમહારાજ સાક્ષાત્‌ બિરાજે; બોલાવવા પડે જ નહિ, જેમ કાચમાં સૂર્ય દેખાઈ આવે તેમ. માટે અંતઃકરણ શુદ્ધ કરવું પણ નબળા ઘાટ ઘડવા નહીં. ઇન્દ્રિયો તો પાડા જેવી છે માટે તેમને વશ કરવી. શ્રીજીમહારાજના સંત શ્રી ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તેમના જેવા થાવું. કોઈ પોતાને ઘેર રાજાને બોલાવે પણ જો તેનું ઘર ગોબરું હોય તો રાજા ન આવે, તો આ તો શ્રી પુરુષોત્તમ ભગવાનને પોતાને ઘેર બોલાવવા છે તે કેમ આવે ? માટે ચોખ્ખા થઈએ તો આવે. શ્રીજીમહારાજને પ્રદક્ષિણા, દંડવત, માનસીપૂજા આદિ કરીએ તો મુક્ત સર્વે ભેળા આવી જાય. જેમ ચિંતામણિ મનોરથ સત્ય કરે છે તેમ શ્રીજીમહારાજ ને મુક્ત સર્વે મનોરથ સત્ય કરે છે; પણ જો સાચો ભાવ હોય તો. શ્રીજીમહારાજે પૂછ્યું કે, સંતો ખાલી છો કે ભર્યા છો ? તે કોઈને આવડ્યું નહિ, ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! કેટલાક ખાલી હશે ને કેટલાક ભર્યા હશે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ખાલીના કોઈ ધણી નથી. મોટા મળ્યા હોય તે મોટાને બાઝી પડે તો તે ખાલી હોય તોપણ તેનું સારું થાય.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજે મૂળા ઉછાળ્યા તેને લેવા મોટા મરજાદી ઊઠ્યા એમ કહ્યું છે તે મરજાદી કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મરજાદી એટલે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જાણવા. શ્રીજીમહારાજ પોતાના સેવકોને સુખિયા કરવા માટે એવી અનંત લીલા કરીને સુખિયા કરે છે તેમાં થાકતા નથી. આ લોકમાં પણ મહારાજ તથા મુક્ત પોતાના આશ્રિતની રક્ષા કરે છે. ।। ૧૪૮ ।।