વાર્તા ૧૭૦
વૈશાખ સુદ ૧૪ને રોજ સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તેમાં વૈરાગ્યની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિ પર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય છે અને પ્રકૃતિ પર અક્ષર પર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું તે વૈરાગ્ય કહેવાય. તેમજ જ્ઞાન પણ ઘણાં પ્રકારનાં છે પણ અનુભવજ્ઞાન ખરું. મૂર્તિમાં રસબસ રહેવું તે અનુભવજ્ઞાન કહેવાય. “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.” એમ મૂર્તિમાં જ રહેવું પણ બહાર નીકળવું નહીં. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ એને કાંઈ જોઈએ જ નહીં. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ, મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ, કોઈ પ્રકારનો ઠરાવ જ નહીં. એક મૂર્તિ જ રહે.
પછી લોયાનું ૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં ઇન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જિતાય છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઇન્દ્રિયો તો જેમ પાડાને બાર વર્ષ ખવરાવીને ખૂબ તાજા કરીને વચ્ચે સૂએ તો સુખે સૂવા દે નહિ એવી છે. સત્સંગમાં બધી વસ્તુ છે, પણ ભોગવવી નહિ ને રસના-ઇન્દ્રિયને તો વિશેષે કરીને નિયમમાં રાખવી. જો ખાધાની બહુ આસક્તિ હોય તો ક્યાંયે વાડ તોડે એટલે નિયમ-ધર્મ મૂકી દે, માટે સૂકા હાડકા જેવા વિષયમાંથી લૂખા થાય તો વિઘ્ન નહીં. ધણીના દરબારમાં તો ઢગલા છે પણ બધું ભોગવવાનું નથી. જો મૃત્યુ સામી નજર હોય તો વિષયથી લૂખા થાય. જો પાંચ-દસ દિવસમાં મરવાનું છે એમ કોઈક કહે તો કેવી ભીતિ લાગે ? તેવી ભીતિ વિષયની લાગે તો વિષયના સંકલ્પ થાય નહીં. જોકે આહાર બધાય અશુદ્ધ છે. તોપણ રસમાં આસક્તિ તે અતિ અશુદ્ધ આહાર છે. લક્ષ્મીરામભાઈએ મૂળીમાં રસના-નિષેધની વાત કરી. પછી કોઈ સંત સારી રસોઈ કરે નહીં. પછી તેમણે કહ્યું જે, ઠાકોરજીને વાસ્તે તો સારી રીતે રસોઈ કરવી. પણ પોતે તો પાણીમાં મેળાવીને રસ રહિત જમવું. આ વાત કહી એમ કરો તો ગઈ કાલે વાત કરી હતી તે વાતમાં પુષ્ટિ થાય. જડ માયાથી તો નાગની પેઠે બીવું. જડ માયાને જો એક મિનિટ રાખે તેમાં જે પાપ થાય તેનું પણ માપ થાય તેમ નથી તો જે ધર્મામૃત, સત્સંગિજીવનને વિસારીને પોતાનું ગમતું કરવા એ પાપ દેહ પર્યંત રાખે તો તો પાપનો પાર જ ન રહે, માટે પોતાનું કરીને દ્રવ્ય રાખવું-રખાવવું નહીં. કાળા નાગને સોડમાં ઘાલીને સૂએ તે જ્યાં જ્યાં અડે ત્યાં ત્યાં કરડે, માટે કાળા નાગની પેઠે દ્રવ્યથી બીવું. અમે ચાલી ચાલીને તીર્થે જાતા પણ હવે તો હલાતું નથી. સંવત ૧૯૪૨ની સાલમાં છસો મનુષ્યનો સંઘ અહીંથી અમદાવાદ ગયો હતો, ત્યારે માર્ગમાં સાત પારાયણો વચનામૃતની કરીને પહોંચ્યા. તે જ્યાં ઊતરીએ ત્યાં ફાનસો કરીને કથા-વાર્તા કરતા. ગાડીમાં તો મહાદુઃખ છે, મુસલમાન તથા ડોસીઓ અડી જાય અને આગબોટ પણ એવી જ છે. મૂળી ને અમદાવાદથી અહીં કચ્છમાં આવવું એમાં શું ? હાથે ઝાલીને ઉપાડી લઈએ એટલું છેટું છે, માટે હાલીને આવવું એમાં લાભ ઘણો છે. એટલો લાભ રેલે બેસીને આવવામાં નથી ને સત્સંગના આશીર્વાદ પણ મળે નહીં. અમે થોડી વાત કરીએ તે ઝાઝી માનવી ને બીજો સાંખ્ય ભેળવવો.
પછી સાધુ મુક્તજીવનદાસજીએ પૂછ્યું જે, કોઠારમાં ધોતિયાં નાખીને કાંઈ લેવાની ઇચ્છા ન હોય પણ તેનું નામ યાદી રાખવા લખે જે, ફલાણા સાધુનાં આટલાં ધોતિયાં આવ્યાં. તેમાં ધોતિયાં નાખનાર સાધુને બાધ હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાંઈ લેવાની ઇચ્છા ન હોય ને યાદી રાખવા સારુ કોઠારી લખે તેનો બાધ નથી. સાધુ, પાળા, બ્રહ્મચારીને પોતાનું દ્રવ્ય રાખવા-રખાવવામાં સરખું પાપ છે અને પાર્ષદે શ્રી ઠાકોરજીના ધર્માદાનો પૈસો ઝાલવો તેમાં બાધ નથી. એમ કહીને બોલ્યા જે, સ્વામી, તમે આ લખો છો તે ક્યાંઈક બતાવશો તો અમને માર ખવરાવશો. ત્યારે સ્વામીએ કહ્યું જે, નહિ બતાવીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બતાવજો, બતાવજો મર માર દે ફિકર નથી, ખબડદાર રહેજો ને જડ માયાને પાટુ મારજો તો ધામમાં હડહડાટ હાલ્યા જાશું. એનો શો ભાર છે, તે એ આપણી પાસે આવે ? આમથી આવે તો આમ જાવું ને આમથી આવે તો આમ જાવું એટલે ગુરુએ શિષ્યનો ને શિષ્યે ગુરુનો ત્યાગ કરવો. આપણે જેને મેલ્યું તે ફેર આવવા કેમ દઈએ ? એના ઉપર તો બહિર્ભૂમિ જવરાવ્યા છે તે સામું કેમ જોઈએ ? માયા તો દેહને રાજી કરાવે છે પણ કાંઈ જીવને રાજી કરાવતી નથી, માટે જડ-ચૈતન્ય માયાને પાસે આવવા દેવી નહીં. એને મૂકવામાં દુઃખ નહિ થાય, સુખ થશે; એના સ્વામિનારાયણ સાક્ષી છે, પણ જીવ બાળકિયા છે તે સર્પને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય છે, તે ઝાલવા ન દઈએ તો દુઃખિયા થાય ને ઝાલવા દઈએ તો મરી જાય. ગુરુ-શિષ્યે એકબીજાનો ત્યાગ કરવો પણ મહોબત રાખવી નહિ; જે જડ માયા રાખે તેનો ત્યાગ કરવો. આ લોકમાંથી જેમ ઘરબાર, ખેતર, વાડી, સગાંવહાલાં મૂકીને ભાગ્યા; તેમજ જડ-માયાના પ્રસંગવાળા શિષ્યને અથવા ગુરુને મૂકી દેવા, પણ ભેળું રહેવું નહીં. ભૂજના રાજા દીપડો મારવા ગયા હતા ત્યાં ઘણાકને લઈ ગયા હતા. તે બોડ ખોદીને કાઢવાનો હતો તેથી બોડ ખોદતા જાય, ઝાંખરાં દેતા જાય પછી નીકળ્યો ત્યારે ગોળી મારી તેથી તે મરી ગયો. એમ ગુરુ-શિષ્યે ગોળી મારવી પણ ભેળા પડી રહેવું નહીં. પછી બોલ્યા જે, હવે એ વાત નહિ કરીએ કેમ જે કોઈકને ખોટું લાગે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, ખોટું નહિ લાગે, વાત કરો. પછી બાપાશ્રી બોલ્યા જે, ખાવા-પીવાનું સદ્ગુરુને અને નવા સાધુને સરખું આપ્યું છે, અને સિદ્ધિઓના પણ ઢગલા ને ઢગલા બાપો કરે છે ને કરશે, સિદ્ધિઓ તો હાજર રહેશે. જેમ સમુદ્રમાં સિંધુ આદિ નદીઓ આવે છે તે માર્ગ કરીને દસ-વીસ ગાઉમાં સમુદ્રનું પાણી મીઠું કરી દે છે; તેમ સમુદ્રને ઠેકાણે માયા છે ને નદીઓને ઠેકાણે સંત છે ને માયાને ભીંસ કરીને હઠાવી દઈને માર્ગ કરી દેવો. વળી જેમ નદીઓ સમુદ્રને પાછો હઠાવી નવો કાંપ પાથરી તે સ્થળ રસાળ કરે છે અને તેમાંથી અનાજના ઢગલા ને ઢગલા પાકે છે તેથી લોકો જીવે છે; તેમ આપણે નદીની પેઠે માયામાં માર્ગ કરીને કેટલાક આસુરી જીવોને માયાથી રહિત કરવા. માયા તો મારી દે એવી છે. તે રણછોડ મિસ્ત્રીને ક્યાંય લઈ ગઈ. એટલા સારુ આ માથું કૂટવું પડે છે. એ મિસ્ત્રીએ સમાગમ ને સેવા બહુ કરી હતી તો પણ લઈ ગઈ, માટે કુસંગ કરવો નહિ ને વેશ લીધો તે પૂરો ભજવવો; એકલા વેશમાં સુખ નથી. જેમ સિંધુ નદી મોટા મોટા પહાડ ને ઝાડ તોડતી આવે છે, ને કાંપ પાથરે છે તેમાં બહુ જ અનાજ ને ફળ પાકે છે તેમ આપણે પણ માયાને હઠાવી દોષમાત્ર ટાળીને ફળ પકવી લઈએ, એટલે ધ્યાને કરીને મહારાજની મૂર્તિ સિદ્ધ કરી લઈએ તો ઠીક. મહારાજે તો પોતાના ભક્તનું દુઃખ પોતે માગી લીધું છે. એવડી બધી દયા છે. કોઈ હરિજન દરિદ્રી રહે છે તે તો મહારાજ એને પાકો કરે છે. એક હરિજન મહારાજને દર્શને આવે ત્યારે દંડવત કરતો કરતો આવે. પછી લાડુબા, જીવુબા આદિ બાઈઓએ કહ્યું જે આને ગરીબ કેમ રાખ્યો છે ? ત્યારે મહારાજ કહે, અમે સમજીને રાખ્યો છે. પછી બાઈઓ કહે જે, તમે ભૂલ્યા છો. ત્યારે મહારાજ કહે, અમે નથી ભૂલ્યા. પછી બાઈઓ કહે જે, ના મહારાજ, ભૂલ્યા છો. ત્યારે મહારાજ કહે જે, તમે એને આપજો, અમારી આજ્ઞા છે. પછી બાઈઓએ એને આપ્યું તેથી તે નગરશેઠ થયો. પછી તો ગામ રાખ્યાં ને ચક્રવર્તી રાજ્ય ઇચ્છ્યું ને રાજા પણ થયો. પછી ઇન્દ્ર, બ્રહ્મા, વૈરાજ, સંકર્ષણાદિક, મહત્તત્ત્વ અને પ્રધાનપતિ થયો. છેવટે મૂળપુરુષ થઈને લક્ષ્મીજીને વરવા ઇચ્છ્યો, ત્યારે મહારાજે કહ્યું જે, આ તો લક્ષ્મીજીને વરવા ઇચ્છ્યો; હવે કેમ કરવું ? ત્યારે તે બાઈઓએ શાપ દીધો જે, હે પાપી ! જા, તું અસુર થા. પછી તે અસુર થયો અને બાઈઓએ કહ્યું જે, હે મહારાજ ! તમે ઠીક જ કરતા હશો. તૃષ્ણા એવી છે, “તૃષ્ણા તું બડી ભઈ નકટી, સબ જીવન કી લાજ લેત.” એવી છે જે ભક્તને અસુર થવું પડ્યું. અને માંડવીના વાંઝા રામજીએ વેપાર કર્યો હતો. તે બાર હજાર કોરી હતી તે બધી ખોટ ગઈ ત્યારે હવે બેઠા જોગ કરે છે. અને ભૂજનો વેલજી સુતાર અમલદાર હતો, તેણે ઊંધુંચત્તું કરીને દ્રવ્ય ભેળું કર્યું હતું પણ મરતી વખતે સવળો વિચાર ઊપજ્યો, તેથી શ્રી ઠાકોરજીને સર્વસ્વ આપ્યું, તો મુક્તોએ તેને ધામમાં પહોંચાડ્યો. દ્રવ્ય હોય તો મહારાજને અર્થે વાપરવું પણ સગાંસંબંધીને આપી દેવું નહિ, તો મોક્ષ કરે. ।। ૧૭૦ ।।