વાર્તા ૨૩૫

જેઠ સુદ ૬ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે પુરુષોત્તમની દૃષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કશું દેખાતું નથી.

પછી કરાંચીના સોમચંદભાઈએ પૂછ્યું જે, તે દૃષ્ટિ નેત્ર દ્વારે હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પુરુષોત્તમની મૂર્તિમાં આપોપું કરીને એટલે મૂર્તિમાં આત્માને લીન કરીને પુરુષોત્તમના નેત્રે કરીને જુએ તે પુરુષોત્તમની દૃષ્ટિએ કરીને જોયું કહેવાય.

પછી કરાંચીના શેઠ હીરાલાલભાઈએ પૂછ્યું જે, પુરુષોત્તમને વિષે લીન કેમ થવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ પોતાને વિષે અતિ સ્નેહવાળા ભક્તને પોતાની મૂર્તિને વિષે દૂધમાં સાકરવત્‌ રાખે છે.

ત્યારે તેમના ભાઈ શેઠ સાવલદાસભાઈએ પૂછ્યું જે, દૂધ ને સાકર તો નિરાકાર છે ત્યારે ભગવાન ને મુક્ત તે સાકાર હશે કે નિરાકાર હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ ને એમના મુક્ત સદા સાકાર છે ને શ્રીજીમહારાજ ભક્તના ચૈતન્યને સાકાર કરીને પોતાની મૂર્તિમાં ચરણમાં ચરણ, હાથમાં હાથ, મસ્તકમાં મસ્તક, શ્રોત્રમાં શ્રોત્ર, ચક્ષુમાં ચક્ષુ એમ સર્વ રીતે દરેક અવયવે અવયવમાં રાખે છે.

પછી અમદાવાદના સોમાભાઈએ પૂછ્યું જે, આ વચનામૃતમાં કહ્યું જે ભગવાનનો મહિમા સંતના સમાગમે કરીને સમજાય છે ત્યારે ભગવાન થકી ભગવાનનો મહિમા સમજાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાન પ્રત્યક્ષ મળે તો ભગવાન પોતાનો મહિમા સમજાવે અને સંત મળે તો સંત સમજાવે તે સંત દ્વારાએ પણ ભગવાન જ સમજાવે છે માટે ભગવાનનો મહિમા ભગવાન થકી જ સમજાય છે એમ જાણવું.

પછી જેતપુરવાળા ગોવિંદભાઈએ પૂછ્યું જે, હીરે કરીને હીરો વીંધાય છે એમ કહ્યું તે બે હીરા કિયા સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એક હીરો મહારાજ અને સંત, અને બીજો હીરો મુમુક્ષુ. તે ધ્યાન કરતા મહારાજના મસ્તકમાં મસ્તક, હાથમાં હાથ એમ રસબસ રહેવાય ત્યારે હીરો વેંધાણો કહેવાય.

પછી વાત કરી જે, ઝાલાવાડના રામપરામાં સ્વામી બાલકૃષ્ણદાસજી વાતો કરી સર્વોપરી ઉપાસના કરાવતા, પાછળથી બીજા બ્રહ્મચારી આવે તે ડોળી નાખે એટલે મહારાજની ઉપાસના દૃઢ થવા દે નહીં. એવાં ક્રિયમાણ કરે તેનું ફળ ભોગવવું પડે. ક્યાં તમે ! ક્યાં અમે ! “કીડી અને કુંજરનો મેળાપ, જીવન જાણું છું.” સરત રાખજો, બાપા ! ખાધાનાં ઠામણાં ફોડી દેશે. હમણાં સૈયદ આવ્યો છે તે બધાં ત્યાં દોડે છે પણ આ સંતો આગળ કોઈ ન દોડે. રોગ તમે ટાળો એવા છો, જો તમારું શરણું લઈએ તો. ભક્ત તો બધાય કહેવાય, હરિજન પણ કહેવાય અને સૈયદ પણ કહેવાય. પણ તેમાં શું વળે ? જ્ઞાન થાય તો અનંત જન્મનાં પાપ કાઢી નાખે. પછી રસોઈ વિષે વાત કરી જે ઇન્દ્રિયોને લાડ લડાવવા તેમાં શું માલ છે ? ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, એવી પ્રવૃત્તિ અમારે બહુ હોય છે તો કેમ કરવું ? ત્યારે બાપાશ્રી કહે કે દાળ, શાક વરે પણ લાડુ થોડા વરે ? અહીં ગોવિંદપ્રિયદાસજી આવ્યા ત્યારે રસોઈ આપનારે શીરામાં ખૂબ ઘી નંખાવ્યું, ત્યારે તેમણે શીરો બગાડી દીધો એવો તેમનો વૈરાગ્ય હતો. વાસના વિના જીવ રહી ન શકે. શું કરીએ ? અમે છોકરાને માયામાં બંધાવા દેતા નથી. અમારો તો સિદ્ધાંત એવો છે જે અમને ઓળખે, વળગે, તેને માયામાંથી બચાવી લઈએ. આ ગામ કમળની પેઠે ખીલી રહ્યું હતું, તેમાં એક કહે ‘ત્રો’, બીજો કહે ‘ધ્રો’, ત્રીજો કહે ‘મો’, એમાં શું કરવું કહો ? ચોખ્ખો ચૈતન્ય દિવ્ય છે પણ સંગદોષ લાગી ગયો. દિવ્ય થયો, પુરુષોત્તમરૂપ થયો, તે સાચો હતો ત્યારે થયો ને ? પણ સંગદોષથી અવરાઈ ગયો. કાળો હતો તે ગોરો થયો, લાંબો થયો, પછી ટૂંકો થયો. કહો કેવો થયો ? બીજ સાચું છે તે માયામાંય ઊગે છે અને વળી આવા જોગમાંય ઊગે છે. ચાલતા ક્યાંઈક આંખો મીંચાઈ જાય અને કોઈકનું અભરું પણ દેખાડી દે; તે ભગવાનના ભક્તે વિચારવું. સંગદોષ મોટાનો મહિમા સૂઝવા દેતા નથી, એમ કહી બીજી ઘણીક વાત કરી. પછી બોલ્યા જે, જીવમાં સત્સંગ હોય તો સત્સંગનું અભિમાન રહે, તે ઉપર કેશવલાલભાઈ (અમદાવાદવાળા)નો હાથ ભાંગ્યો તે વાત કરી. ત્યારે કરાંચીના શેઠ લાલુભાઈ બોલ્યા જે, ભૂજના સાધુ એવું ન કરે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો અમારા દાબે દબાઈ રહ્યા છે પણ અમે નહિ હોઈએ ત્યારે જોજો. એ તો મોટા રાજાને પણ ગણે નહિ એવા છે અને ન કરવાનું કરી નાખે એવા છે. ।। ૨૩૫ ।।