વાર્તા ૨૧૧

ભાદરવા સુદ ૧૧ને રોજ સવારે બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો છત્રીએ દર્શન કરવા ગયા હતા. ત્યાં દર્શન કરીને બાપાશ્રી છત્રીના ઓટા ઉપર વિરાજ્યા. તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ડાંગરવામાં શ્રીજીમહારાજ પધાર્યા હતા, ત્યાં જતનબાએ પોણોસો માણસની રસોઈ કરી હતી, તે શ્રીજીમહારાજે ચાર સંતોને જમાડી દીધી; અને જીવાખાચરની હજાર મનુષ્યની રસોઈ એક સચ્ચિદાનંદ સ્વામી જમી ગયા, તે પરભાવનાને જમાડ્યા. એવા મોટા સંત મળે ને તેમને જમાડે તે મહારાજ ને મુક્ત જમી જાય. માટે હરકોઈ અભ્યાગત આવે તેને અન્ન આપવું. કેમ જે તેમાં મોટા મુક્ત આવ્યા હોય તે જમે તો બહુ ફળ થાય. બુધેજમાં શ્રીજીમહારાજે ખોડાભાઈની મા પાસે રોટલો માગ્યો પણ આપ્યો નહિ તે એને બહુ ખોટ આવી. અને જેતલપુરમાં કોઠાના ઉગમણા દરવાજા પાસે વાવ છે ત્યાં એક વડ છે, તે વડ તળે શ્રીજીમહારાજ વનમાંથી આવતા બેઠા હતા, ત્યાં ગંગામા આવીને કહેવા લાગ્યાં જે, બાવા, જમવા ચાલો. ત્યારે મહારાજે ચરિત્ર કર્યું જે, અમે તો ચાલીને ક્યાંય જતા નથી. ત્યારે ગંગામાએ કહ્યું જે, અહીં શી રીતે આવ્યા ? ત્યારે મહારાજ બોલ્યા જે, અમારા સેવક લાવ્યા. ત્યારે તેમણે કહ્યું જે, સેવક ક્યાં છે ? તમે એકલા છો ને ? ત્યારે મહારાજ બોલ્યા જે, અમારા સેવકો અદૃશ્ય છે, તે તમે દેખી શકો નહીં. ત્યારે ગંગામાએ જાણ્યું જે આ નાનું બાળક છે તે હઠ કરે છે, પણ ભૂખે મરશે એમ જાણીને મહારાજને તેડીને લઈ ગયાં. પછી ઓસરીમાં ઉતારીને સોળે થઈને જમવાનું કાઢી લાવ્યા ને કહ્યું જે, બાવા, જમો. ત્યારે મહારાજ બોલ્યા જે, હું તો દિશાએ ગયો નથી ને દાતણ કર્યું નથી ને નાહ્યો પણ નથી. ત્યારે ગંગામાએ કહ્યું જે, જાઓ, દિશાએ જઈને તળાવમાં નાહી આવો. ત્યારે મહારાજે કહ્યું જે, જેને જમાડવા હોય તે લઈ જાય તો જઈએ, પણ તે વિના જવું પડતું નથી. ત્યારે ગંગામા કહે જે, રોજ કોણ લઈ જાય છે ? પછી મહારાજ બોલ્યા જે, જેને જમાડવાની ગરજ હોય તે લઈ જાય. પછી ગંગામાએ જાણ્યું જે, આ તો ગાંડા છે, તે એનાં માબાપે કાઢી મેલ્યા છે પણ હવે ક્યાં જશે ? એમ જાણીને તેડીને એક કોરે દિશાએ બેસાર્યા અને હાથે પાણી લેવાનું કહ્યું, ત્યારે કહ્યું જે તમારે ગરજ હોય તો ધુઓ. પછી ગંગામાએ ધોયા ને દાતણ પણ પોતાને હાથે કરાવ્યું ને પછી નવરાવીને વસ્ત્ર પણ પોતે પહેરાવ્યાં અને ઉપાડીને ઓસરીમાં લઈ જઈને બેસાર્યા ને કહ્યું જે, જમો. ત્યારે મહારાજે કહ્યું જે, અમારી સેવા કરવાની ગરજ હોય તો જમાડો. પછી પોતાના હાથે કોળિયા લઈને જમાડ્યા, એવી સેવા કરી તો બહુ લાભ મળ્યો; કેમ જે સાક્ષાત્‌ ભગવાનની સેવા થઈ અને જો એવાં ચરિત્ર જોઈને સેવા ન કરી હોત તો બહુ ખોટ જાત. અને મહારાજે પણ એવી સેવાથી બહુ  પ્રસન્ન થઈને પોતાની મૂર્તિમાં તેમની વૃત્તિ ખેંચી લીધી, તેથી તેમને મહારાજ સાથે હેત થઈ ગયું. તે મહારાજ ક્યાંઈક આઘા-પાછા જાય ત્યારે શોધી કાઢીને પોતાને ઘેર લાવે, એમ પંદર દિવસ થયા. એવામાં રામાનંદ સ્વામી અમદાવાદમાં હીરાચંદ ચોક્સીને ઘેર આવ્યા હતા, તેમણે ખબર મોકલી જે, અમે અહીં આવ્યા છીએ ને બે દિવસ રહેવું છે માટે દર્શને આવવું હોય તો આવી જાજો. પછી ગંગામાએ જાણ્યું જે, હું દર્શને જઈશ ત્યારે આ બ્રહ્મચારી ક્યાંઈક જતા રહેશે, એમ જાણી ઘરમાં પૂરી તાળું દઈને અમદાવાદ ગયા. ત્યાં શ્રી રામાનંદ સ્વામીનાં દર્શન કરીને કહ્યું જે, મારે ઘેર એક બ્રહ્મચારી આવ્યા છે, તેમને ઘરમાં પૂરીને આવી છું, તે જો હું રાત રહું તો મૂંઝાય, માટે મેં આપનાં દર્શન કર્યાં ને હવે રજા માગું છું. ત્યારે શ્રી રામાનંદ સ્વામીએ કહ્યું જે, જાઓ, એ બ્રહ્મચારીની સેવા કરજો; બહુ મોટા છે. પછી તે જેતલપુર આવ્યા ને તાળું ઉઘાડીને ઘરમાં જુએ તો મહારાજ ન મળે. પછી ગામમાં ફરીને સર્વેને પૂછી જોયું જે, બ્રહ્મચારી દેખ્યા ? ત્યારે લોકોએ કહ્યું જે, કોઈએ દેખ્યા નથી. પછી જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે ગઢડે ગયા, ત્યારે મહારાજ ઊઠીને કોટે વળગી પડ્યા ને કહ્યું જે, આ અમારી મા આવ્યાં. જેમ મા સેવા કરે તેમ અમારી સેવા જેતલપુરમાં એમણે કરી હતી, માટે આ અમારાં મા છે. એમને સર્વે મા કહીને બોલાવજો; એટલો બધો લાભ ગંગામાને મળ્યો. પછી તે મહારાજની રસોઈ સદાય કરતાં ને મહારાજ ગામોગામ વિચરતા ત્યાં પણ ભેળાં જાય. તે માર્ગમાં અડવાણે પગે સોળે રહીને માથે સગડી મૂકીને માર્ગમાં રસોઈ થતી આવે એમ ચાલતાં એવી સેવા કરી. તેમને એક દિવસે શ્રીજીમહારાજે કહ્યું જે, તમે અમને કેવા જાણો છો ? ત્યારે તેમણે કહ્યું જે, તમે સાક્ષાત્‌ શ્રીકૃષ્ણ ભગવાન છો ને શ્રી રામાનંદ સ્વામી પણ શ્રીકૃષ્ણ ભગવાન હતા, તેના તે તમો છો, પણ શ્રી રામાનંદ સ્વામી ને શ્રીકૃષ્ણ ને તમે જુદા નથી; એક જ છો. ત્યારે મહારાજ બોલ્યા જે, મેર મૂંડી, માથે સગડી ઉપાડીને માથાની ટાલ તો બાળી મૂકી, તોપણ ઓળખ્યા નહીં. અમે તો શ્રીકૃષ્ણથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ, એથી પર વાસુદેવબ્રહ્મ, એથી પર મૂળઅક્ષરના મુક્ત, ને એથી પર મૂળઅક્ષર, અને તેથી પર તો શ્રી રામાનંદ સ્વામી અમારા મુક્ત હતા; અને અમે તો એવા અનંત મુક્તના સ્વામી છીએ, ને શ્રી પુરુષોત્તમનારાયણ છીએ. અમે એક જ ભગવાન છીએ, પણ અમારી કોઈ જોડ નથી ને અમારા જેવો કોઈ થાય તેમ નથી; એમ કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું. માટે ભગવાન ને ભગવાનના મુક્તની સેવા જેવું કોઈ સાધન નથી. પણ ભગવાનની ને સંતની સેવા કરવી તેમાં વિવેક રાખવો. આપણા સંત હૈદરાબાદ ગયા હતા, તે હરિભક્તે રસોઈ કરાવીને જમાડ્યા ને ધોતિયાં ઓઢાડ્યાં, અને વૈરાગીને પણ મોતૈયા જમાડીને ધોતિયાં ઓઢાડ્યાં, એમ ન કરવું; વાપરવામાં પણ વિવેક રાખવો. આપણું તન, મન, ધન છે તેના ધણી સ્વામિનારાયણ છે, તે સત્સંગ વિના બીજે ન વપરાય. સત્સંગમાં પણ ધર્મ વિનાના ને ધર્મવાળા હોય તેમને ઓળખીને ધર્મવાળાની સેવા કરવી અને સમાગમ પણ ઓળખીને કરવો. કોઈ દ્રવ્યના યારી હોય તેની તો કોઈ પ્રકારે સેવા કરવી નહિ, કેમ જે એ તો સ્વામિનારાયણનો છે જ નહિ તેથી તેની કરેલી સેવા શ્રીજીમહારાજને પહોંચે નહિ; માટે સેવા કરવામાં પણ વિવેક રાખવો. ભગવાનની વાર્તા કરવામાં પણ જેવી સભા તેવી વાત કરવી, પણ જે સમજવા માટે પૂછે તેને બરાબર કહેવું. કદાપિ તેમાં કોઈક ન સમજે ને કચવાય તો ભલે પણ બરાબર કહેવું, કેમ જે મહારાજનો મહિમા ઓછો કહીએ તો મહારાજના ગુનેગાર થઈએ અને બીજા સંત કચવાય તેથી મહારાજ કચવાય તો મહારાજનો અપરાધ થાય, માટે મહારાજને ઓછા ન કહેવા. એટલી વાત કરીને પછી સર્વેને મળ્યા ને આશીર્વાદ આપીને મંદિરમાં પધાર્યા. પછી બીજે દિવસે સ્વામી આદિ ભૂજ થઈને અમદાવાદ પધાર્યા.  ।। ૨૧૧ ।।