વાર્તા ૨૭

વૈશાખ વદિ ૧૨ને રોજ બપોરે વરતાલનું ૧૮મું વચનામૃત વંચાતું હતું તેમાં ગુરુપરંપરા જાણવાની વાત આવી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજ તો સાક્ષાત્‌ પુરુષોત્તમનારાયણ છે. તેમને શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય કહ્યા તે શિષ્યનો શો અર્થ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, રામાનંદ સ્વામીને પોતાની મૂર્તિનું સુખ આપનારા એમ સેવા કરનારા, માટે શિષ્ય એમ સમજવા. શ્રીજીમહારાજે શ્રી રામાનંદ સ્વામીને ગુરુપદવી પમાડી પણ આ સભા એથી ઓછી નથી. તમે સર્વે રામાનંદ સ્વામીના જેવા જ છો. તમે સર્વે શ્રીજીમહારાજના ચેલા છો, માટે તમો આજના છો તોપણ મોટા છો. તમારે કોઈને કોઈ પ્રકારની ઇચ્છા નથી. સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પની સો મૂર્તિઓ લુણાવાડામાં હરિજનને તેડવા ગયા હતા તે સો મૂર્તિઓ લુણાવાડાના મંદિરમાં બેઠી હતી. ત્યાં હરિજનો દર્શન કરવા સારુ આવ્યા. તેમણે સો મૂર્તિઓ બેઠેલી જોઈને કહ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામી તો એક જ છે અને આ તમે સો જણા શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા દેખાઓ છો તે તમે કોણ છો ? ત્યારે બોલ્યા જે, “અમો તો શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ અને હરિભક્તને તેડવા સારુ આવ્યા છીએ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. એમ આજ તમારા પણ સંકલ્પ ફરે છે. તમો કેટલાય હરિભક્તોને તેડી જાઓ છો ને વળી મૂકી પણ જાઓ છો, એવા છો પણ તમારી સામર્થી અમે રોકી રાખી છે; તમને જાણવા દેતા નથી. તમને બાધિતાનુવૃત્તિ રાખી છે. તમારી પાસે એવાં કામ કરાવીએ છીએ પણ જાણવા દેતા નથી. તમે મેથાણમાં કેશવજીને તેડવા અમારા ભેળા આવ્યા હતા ને તમોએ એમને અહીં રખાવ્યા. જેતલપુરથી ડભાણ જતાં નવાગામના ડાહ્યાભાઈને પણ અમારા ભેગાં દર્શન આપ્યાં હતાં. એ ડાહ્યાભાઈને તથા કાણોતરના બાપુભાઈને તેડી ગયા ત્યારે પણ તમે ભેળા હતા. અમે જ્યાં જ્યાં હરિજનોને તેડવા જઈએ છીએ ત્યાં ત્યાં સર્વે ઠેકાણે તમે ભેળા જ હો છો. તમો એવા સમર્થ છો. આજ સત્સંગમાં સંત છે તે વગર ઉપદેશે આવે છે. શ્રીજીમહારાજે કાગળ લખીને અઢાર સંતને તેડાવ્યા હતા. તે સુંદરજીભાઈ (ભૂજવાળા)થી શ્રેષ્ઠ હતા અને આજના છે તે એ અઢારથી શ્રેષ્ઠ છે.

એટલી વાત કરીને સાંજના શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ તળે બેસીને માનસીપૂજા કરીને ઊઠ્યા. પછી મળ્યા ને ચાલ્યા તે લખાઈવાડીમાં બાજરા પાસે સંતોને લઈ જઈને કહ્યું જે, આ બાજરો તમે આવ્યા ત્યારે નાનો હતો અને આજ કેવડો મોટો થયો છે ! તેમ તમો સર્વે અહીં આવ્યા પછી આ બાજરાની પેઠે વધ્યા છો. જેમ પાણીના જોગે મોલ વધે છે તેમ તમો અમારી વાતોરૂપી જળે કરીને વધ્યા છો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આ બાજરાના પોંકની પ્રસાદી જમાડીને પછી રજા આપજો. પછી સર્વે મંદિરમાં આવ્યા. ।। ૨૭ ।।