વાર્તા ૯૪

ફાગણ વદ ૯ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મધ્ય પ્રકરણના ૬૪મા વચનામૃતમાં ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કોટિ યોજન પૃથ્વી તે પ્રલયને વિષે પરમાણુરૂપ થઈ જાય છે એમ કહ્યું છે, તે માયાનો શો અર્થ સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માયા તે સમૃદ્ધિને જાણવી. શ્રીજીમહારાજ સર્વેના સ્વામી છે અને બીજું સર્વે છે તે શ્રીજીમહારાજની માયા એટલે સમૃદ્ધિ છે. અક્ષર છે તે મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે, અને બ્રહ્મ છે તે અક્ષરની માયા એટલે સમૃદ્ધિ છે, અને મૂળપુરુષ છે તે બ્રહ્મની માયા એટલે સમૃદ્ધિ છે, એમ જાણવું; પણ પ્રકૃતિરૂપ માયા છે તે આ ઠેકાણે ન જાણવી. એ પ્રકૃતિરૂપ માયા છે તે તો મૂળપુરુષની છે. સ્વર્ગ અને નર્ક તે ઉપર એ સ્વર્ગ અને નીચે તે નર્ક એમ જાણવું, પણ યમપુરી ને ચોરાસી છે તે આ ઠેકાણે ન જાણવી. ઊંચા-નીચાનો અર્થ તે પણ શ્રેષ્ઠ-કનિષ્ઠ જાણવો, પણ તળે-ઉપર ન જાણવું. એમ કહેવાય છે કે અક્ષરધામ સર્વથી ઊંચું છે તે એમ સમજવું જે અક્ષરધામ સર્વેથી શ્રેષ્ઠ છે. પણ ઊંચું એટલે ઉપર છે ને અહીં નથી એમ ન જાણવું; કેમ જે અક્ષરધામ તો સર્વત્ર છે, અને શ્રીજીમહારાજ પણ સર્વત્ર છે. ઊંચા-નીચાનો અર્થ તે શ્રેષ્ઠ-કનિષ્ઠ છે અને પરનો અર્થ પણ શ્રેષ્ઠ છે. તેમજ ઉત્તરોત્તર સુખમાં પણ ફેર છે ને તારતમ્યતા છે. મહારાજની મૂર્તિના સુખથી મુક્તનું સુખ ઓછું છે ને તેથી ધામનું સુખ ઓછું, તેથી મૂળઅક્ષરોની કોટિઓનું સુખ ઓછું, તેથી અક્ષરોના મુક્તનું સુખ ઓછું, તેથી બ્રહ્મની કોટિઓનું સુખ ઓછું, ને તેથી મૂળપુરુષરૂપ ઈશ્વરોનું સુખ ઓછું છે; એમ તારતમ્યતા છે. ।। ૯૪ ।।